SEBI Bans On Arshad Warsi In Sadhna Broadcast Share Case: સેબીએ એક કેસમાં બોલીવુડ અભિનેતા અરશદ વારસી, તેની પત્ની સહિત 59 લોકો પર મૂડીબજારમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતીય બજાર નિયામક (SEBI) એ ગુરુવારે યુટ્યુબ ચેનલો પર ગેરમાર્ગે દોરતા વીડિયો સાથે સંબંધિત એક કેસમાં અભિનેતા અરશદ વારસી, તેની પત્ની મારિયા ગોરેટ્ટી અને 59 અન્ય લોકો પર મૂડીબજારમાં પ્રવેશવા પર 1 થી 5 વર્ષ સુધીનો પ્રતિબંધ મૂક્યો હતો. આ યુટ્યુબ ચેનલોમાં રોકાણકારોને સાધના બ્રોડકાસ્ટના શેર ખરીદવાની ભલામણ કરવામાં આવી હતી.
સેબીએ અર્શદ વારસી અને તેની પત્નીને ફટકાર્યો દંડ
બજાર નિયામક સેબીએ અરશદ વારસી અને તેની પત્નીને પાંચ-પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સેબીએ સાધના બ્રોડકાસ્ટ (હવે ક્રિસ્ટલ બિઝનેસ સિસ્ટમ્સ લિમિટેડ)ના પ્રમોટર્સ સહિત અન્ય 57 કંપનીઓ પર પણ 5 લાખ રૂપિયાથી લઈને 5 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો છે.
સેબીએ પ્રતિબંધ ઉપરાંત આ કંપનીઓના તપાસ સમયગાળાના અંતથી વાસ્તવિક ચૂકવણીની તારીખ સુધી 12 ટકા વાર્ષિક વ્યાજ સાથે 58.01 કરોડ રૂપિયાની કુલ ગેરકાયદેસર કમાણી પરત કરવાનો પણ આદેશ આપ્યો છે. માર્કેટ રેગ્યુલેટરને જાણવા મળ્યું કે અરશદ વારસીએ 41.70 લાખ રૂપિયાનો નફો કર્યો છે અને તેની પત્નીને 50.35 લાખ રૂપિયાનો નફો મેળવ્યો છે.
સેબીએ અંતિમ આદેશમાં શું કહ્યું?
પોતાના અંતિમ આદેશમાં સેબીએ કહ્યું કે, આ સમગ્ર કેસ પાછળ મુખ્ય સૂત્રધાર ગૌરવ ગુપ્તા, રાકેશ કુમાર ગુપ્તા અને મનીષ મિશ્રા છે. આદેશમાં જણાવાયું છે કે સાધના બ્રોડકાસ્ટ લિમિટેડ (એસબીએલ)ના આરટીએના ડિરેક્ટર સુભાષ અગ્રવાલે મનીષ મિશ્રા અને પ્રમોટર્સ વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કર્યું હતું.
સેબીએ જણાવ્યું હતું કે આ લોકો મુખ્ય પાત્રો હતા જેમણે આ હેરાફેરીની યોજના બનાવી હતી. વધુમાં, નિયમનકારે શોધી કાઢ્યું હતું કે, પિયુષ અગ્રવાલ અને લોકેશ શાહે મનીષ મિશ્રા અને એસબીએલના પ્રમોટરોના ગેરરીતિના કાવતરાના દુરૂપયોગ માટે તેમના દ્વારા નિયંત્રિત એકાઉન્ટ્સના ઉપયોગની સુવિધા આપી હતી.
શું છે કેસ?
માર્કેટ રેગ્યુલેટરે અભિનેતા અરશદ વારસી, તેની પત્ની મારિયા ગોરેટ્ટી અને ભાઈને શેરબજારમાં એક વર્ષ માટે ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમના પર આરોપ છે કે તેણે ‘સાધના બ્રોડકાસ્ટ લિમિટેડ’ (હવે તેનું નામ બદલીને ‘ક્રિસ્ટલ બિઝનેસ સિસ્ટમ્સ લિમિટેડ’ રાખવામાં આવ્યું છે) નામની કંપનીના શેરના ભાવમાં જબરદસ્ત વધારો કર્યો હતો અને પછી તેને ઊંચા ભાવે વેચીને નફો રળ્યો હતો.





