શેર બજારમાં ટ્રેડિંગ કરનાર રોકાણકારોને રાહત આપતા ભારતીય બજાર નિયામક સેબીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સેબીએ સ્ટોક ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ ધારકો માટે તેમના વારસદાર એટલે કે નોમિની નક્કી કરવા કે નોમિનીનું નામ દાખલ કરવા માટેની ડેડલાઇન લંબાવી દીધી છે. નોંધનીય છે કે, સેબીએ ડિમેટ એકાઉન્ટ માટે નોમિનીની વિગત આપવાના મામલે 31 માર્ચ, 2023ની ડેડલાઇન નક્કી કરી હતી.
સેબીએ જુલાઇ 2021માં શેર બજારમાં ટ્રેડિંગ કરનાર તમામ રોકાણકારો અને ડીમેટ એકાઉન્ટ ધારકોને 31 માર્ચ, 2022 સુધીમાં નોમિની નક્કી કરવાનો નિર્દેશ આપ્યો હતો, અન્યથા તેમના ડિમેટ એકાઉન્ટ ફ્રીઝ થઇ જશે. જો કે ત્યારબાદ સેબીએ આ ડેડલાઇન 31 માર્ચ, 2023 સુધી લંબાવી દીધી હતી.
સેબીએ તેના સર્ક્યુલરમાં જણાવ્યું છે કે, “હિતધારકો તરફથી રજૂઆતના આધારે એવું નક્કી કરવામાં આવ્યું છે કે, ટ્રેડિંગની સાથે સાથે ડીમેટ એકાઉન્ટ્સ જેમાં નોમિનેશનની વિગતોની પસંદગી (નોમિનેશનની રજૂઆત અથવા નોમિનેશન નાપસંદ કરવા માટેની ઘોષણા) અપડેટ કરવામાં આવી નથી, તેવા એકાઉન્ટને ફ્રીઝ કરવા અંગેની જોગવાઈઓ 31 માર્ચ, 2023ને બદલે હવે 30 સપ્ટેમ્બર, 2023થી અમલમાં આવશે.
ઉપરાંત, સેબીએ સ્ટોક બ્રોકર્સ અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સને નિર્દેશ આપ્યો છે કે, તેઓ તેમના ક્લાયન્ટ્સને ‘નોમિનેશનની પસંદગી’ અપડેટ કરવા માટે સાપ્તાહિક ધોરણે ઈમેલ અને એસએમએસ દ્વારા આવા તમામ UCC/ડીમેટ એકાઉન્ટ્સ પર મેસેજ મોકલીને તેમને નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરતા રહે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 1 ઓક્ટોબર, 2021 થી નવા ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ્સ ખોલનારા રોકાણકારો પાસે ડિસ્ક્લોઝર ફોર્મ દ્વારા નોમિનેશન નક્કી કરવાની અથવા નોમિનેશન બદલવાની પસંદગીનો વિકલ્પ રહેલો છે.
આ પણ વાંચોઃ સ્માર્ટફોનથી તમારા આધાર અને PAN ને ઝડપથી કેવી રીતે કરશો લિંક?
ઘર બેઠાં ડીમેટ એકાઉન્ટમાં નોમિનેશન અપડેટ કરવાની સરળ ટીપ્સ
અત્યાર સુધી જે રોકાણકારોએ તેમના ટ્રેડિંગ – ડીમેટ એકાઉન્ટમાં નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેઓ નીચે જણાવેલા પગલાંઓ અનુસરીને આ મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરી શકે છે.
- પોતાના ડીમેટ એકાઉન્ટમાં લોગ-ઇન કરો.
- પ્રોફાઇલ સેગમેન્ટ હેઠલ ‘માય નોમિની’ પર ટેપ કરો,જે નોમિની પેજ પર લઇ જશે.
- હવે અહીંયાં ‘એડ નોમિની’ અથવા ‘આઉટ-નોમિની’નો વિકલ્પ પસંદ કરો.
- નોમિની વિશેની માહિતી ઉમેરો અને ID પ્રુફ અપલોડ કરો.
- આવશ્યક ડોક્યુમેન્ટ આપ્યા બાદ નોમિનીને કેટલો હિસ્સો મળવો જોઇએ, તેની વિગતનો ઉલ્લેખ કરો.
- આધાર OPTની સાથે ડોક્યુમેન્ટ પર ઇ-સિગ્નેચર કરો. તમારી એપ્લિકેશન સબમિટ થઇ જશે. તમારા ડીમેટ એકાઉન્ટમાં નોમિનીની વિગત 24થી 48 કલાકમાં અપડેટ થઇ જશે.