વૃદ્ધાવસ્થાને ઘણીવાર ગેરલાભ ગણવામાં આવે છે, પરંતુ જો તમે ભારતમાં સિનિયર સિટીઝન છોતો તમે ઘણા નાણાકીય ફાયદાઓ મેળવવાના હકદાર બની શકો છો. આ લાભોનો હેતુ તમારી નિવૃત્તિના વર્ષો દરમિયાન નાણાકીય સુરક્ષા પૂરી પાડવા અને ખર્ચના બોજને હળવો કરવાનો છે. જો કે, તમારે ઓનલાઈન અથવા ડોર-સ્ટેપ સેવાઓનો લાભ લેતી વખતે સાવચેત રહેવું જોઈએ અને બેંકિંગ સેવાઓ માટે કોઈ રોકડ રકમ અથવા દસ્તાવેજો આપતા પહેલા નાણાકીય સંસ્થા અને વ્યક્તિનું વેરિફિકેશન કરવું જોઈએ.
ભારતમાં વરિષ્ઠ નાગરિક હોવાના કેટલાક મુખ્ય નાણાકીય લાભો અહીં છે:
થાપણો પર ઊંચો વ્યાજદર
વરિષ્ઠ નાગરિકો સામાન્ય નાગરિકોની તુલનાએ ફિક્સ્ડ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ અને બચત ખાતામાં રોકાણ પર વધુ વ્યાજદર મેળવવા માટે હકદાર છે. આ ઊંચા વ્યાજદરો તેમને તેમની બચત પર વધુ સારું વળતર મેળવવામાં મદદ કરે છે અને તેમની નિવૃત્તિના વર્ષો દરમિયાન તેમને આવકનો વધારાનો સ્ત્રોત પૂરો પાડે છે.
ડોર-સ્ટેપ બેંકિંગ સુવિધાઓ
રિઝર્વ બેંકની માર્ગદર્શિકા મુજબ , બેંકો સિનિયર સિટીઝન અને દિવ્યાંગ વ્યક્તિઓને રોકડ ઉપાડવા અથવા ચેક અને ડિમાન્ડ ડ્રાફ્ટ્સ આપવા માટે જવાબદાર છે. મધ્યસ્થ બેંકે 70 કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને કેવાયસી, રોકડ જમા અને ઉપાડ વગેરે જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે નિયમો ઘડ્યા છે. તમે ફક્ત કસ્ટમર કેર નંબર ડાયલ કરો અને બેંક તમને ડોર-સ્ટેપ બેંકિંગ સુવિધાઓ આપશે.
કરવેરામાં લાભો
વરિષ્ઠ નાગરિકો વિવિધ કરવેરા લાભો મેળવવા માટે પણ હકદાર છે, જેમાં ઉંચી કર મુક્તિ અને ઓછા ટેક્સ રેટનો સમાવેશ થાય છે. સિનિયર સિટીઝન માટે કર મુક્તિ મર્યાદા નિયમિત નાગરિકો કરતા વધારે છે, અને તેઓ મેડિકલ બિલ, હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અને અમુક યોજનાઓમાં રોકાણ જેવા ખર્ચ માટે કપાતનો દાવો કરી શકે છે.
પેન્શન યોજનાઓ
સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS), નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અને પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY) જેવી ઘણી પેન્શન યોજનાઓ ફક્ત ભારતમાં વરિષ્ઠ નાગરિકો માટે જ ઉપલબ્ધ છે. આ યોજનાઓ વરિષ્ઠ નાગરિકોને નિયમિત આવક પૂરી પાડે છે અને તેમના દૈનિક ખર્ચાઓને પહોંચી વળવામાં મદદ કરે છે.
Bankbazaar.com ના CEO અધિલ શેટ્ટી કહે છે, “NPS એ નિવૃત્તિ માટે બચત કરવાની શ્રેષ્ઠ રીતો પૈકીની એક છે. તે 18 થી 70 વર્ષની વયના કર્મચારીઓ પાસેથી નાણાંકી યોગદાન એકત્રિત કરે છે. આ યોગદાન પર કર કપાત પણ મળે છે.”
આરોગ્ય વીમો
સિનિયર સિટીઝનને બીમારી લાગુ પડવાનું ઉંચુ જોખમ રહેલુ હોય છે અને તેમને નિયમિત તબીબી સારવારની જરૂર હોય છે. કેટલીક આરોગ્ય વીમા યોજનાઓ ઉપલબ્ધ છે જે ખાસ કરીને સિનિયર સિટીઝની જરૂરિયાતોને પૂરી કરે છે. આ યોજનાઓ વ્યાપક કવરેજ પ્રદાન કરે છે અને તબીબી કટોકટી દરમિયાન નાણાકીય સહાય પૂરી પાડે છે.
જાહેર પરિવહનની સુવિધા
કેટલાક રાજ્યના ટ્રાન્સપોર્ટેશન વિભાગો બસ અથવા ટ્રેનમાં મુસાફરી કરતા વરિષ્ઠ નાગરિકો માટે રાહતદરે મુસાફરીની સેવા પુરી પાડે છે. આ છૂટછાટ નિયમિત ભાડાના 50% સુધી હોઇ શકે છે, જે વરિષ્ઠ નાગરિકોને પરિવહન ખર્ચમાં નાણાં બચાવવામાં મદદ કરે છે.
આ પણ વાંચોઃ શું તમને રોકાણ પર ધાર્યું રિટર્ન નથી મળી રહ્યું, ઉંચા રિટર્ન મેળવવા આ 5 પગલાં અનુસરો
પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ
ભારતમાં કેટલાક રાજ્યો વરિષ્ઠ નાગરિકો માટે પ્રોપર્ટી ટેક્સમાં છૂટછાટ આપે છે. આ મુક્તિ રેગ્યુલર પ્રોપર્ટી ટેક્સની હોઈ શકે છે, જે વરિષ્ઠ નાગરિકો પરના નાણાકીય બોજને ઘટાડે છે જેઓ મિલકત ધરાવે છે.
ટુંકમાં કહીયે તોભારતમાં વરિષ્ઠ નાગરિકોને 7 થી વધુ નાણાકીય લાભો મળે છે જે નાણાકીય સુરક્ષા પ્રદાન કરવામાં અને નિવૃત્તિ દરમિયાન ખર્ચના બોજને હળવા કરવામાં મદદ કરે છે. આ લાભોમાં થાપણો પરના ઊંચા વ્યાજ દરો, કર લાભો, પેન્શન યોજનાઓ, આરોગ્ય વીમો, જાહેર પરિવહન પર રાહત દરો, રિવર્સ મોર્ટગેજ યોજનાઓ અને મિલકત કર મુક્તિનો સમાવેશ થાય છે. આર્થિક રીતે મજબૂત રિટાયરમેન્ટની ખાતર કરવા માટે વરિષ્ઠ નાગરિકોએ આ ફાયદાઓનો લાભ ઉઠાવવો જોઈએ.
Disclaimer: આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.