Share Market Sensex Nifty Crash : શેરબજારના રોકાણકારો માટે હોળી પહેલા હૈયા હોળીનો માહોલ સર્જાયો છે. સાર્વત્રિક વેચવાલીથી સેન્સેક્સમાં 700 પોઇન્ટથી વધુનો કડાકો બોલાયો છે. તો ટકાવારીની રીતે નિફ્ટી પણ 1 ટકાથી વધૂ તૂટ્યો છે. પ્રવર્તમાન મંદી વચ્ચે રોકાણકારો ઉછાળે વેચવાલી કરી પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત કડાકાથી રોકાણકારોની સંપત્તિમાં લગભગ 5 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે.
સેન્સેક્સમાં 736 પોઇન્ટનો કડાકો, ટીસીએસ ટોપ લૂઝર
શેરબજાર બીએસઇ સેન્સેક્સમાં વેચવાલીના દબાણથી 736 પોઇન્ટનો કડાકો બોલાયો અને સેશનના અંતે 72012 બંધ થયો છે. પાછલા 72748 બંધ લેવલ થી સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 815 તૂટ્યો અને 71933 ની સપાટીને સ્પર્શ્યો હતો. સમગ્ર સેશન દરમિયાન સેન્સેક્સ વેચવાલીના દબાણથી રેડ ઝોનમાં રહ્યું હતું.
સેન્સેક્સના 30માંથી 23 બ્લૂચીપ સ્ટોક ઘટીને બંધ થયા હતા. જેમાં ટીસીએસ 4 ટકા ઘટી ટોપ લૂઝર બન્યો હતો. એચસીએલ ટેક, વિપ્રો, ઈન્ડ્સઇન્ડ બેંક અને નેસ્લે 2.6 ટકાથી 3.4 ટકા તૂટ્યા હતા. તો બીજી બાજુ વધીને બંધ રહેનાર શેરમાં બજાજ ફાઈનાન્સ, કોટક બેંક, આઈસીઆઈસીઆઈ બેંક 1.4 ટકા સુધી વધ્યા હતા.
નિફ્ટી ફરી 22000 નીચે, બેંક નિફ્ટી પણ ઘટ્યો
બેન્ચમાર્ક એનએસઇ નિફ્ટી 1 ટકા કે 238 પોઇન્ટ ઘટ્યો અને 22000 લેવલની નીચે 21817 બંધ થયો હતો. વેચવાલીના દબાણથી નિફ્ટીએ 21798 ઇન્ટ્રા-ડે બોટમ બનાવી હતી. નિફ્ટી 50 ઈન્ડેક્સના 50માંથી 41 શેર તૂટ્યા હતા. બેંક નિફ્ટી 191 પોઇન્ટ ઘટી 46384 બંધ થયો હતો.
મિડકેપ અને સ્મોલકેપ શેરમાં ભારે વેચવાલી
મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ભારે વેચવાલીથી ફરી તૂટ્યા હતા. સેન્સેક્સ – નિફ્ટીના 1 ટકાના ઘટાડા સામે બોર્ડર માર્કેટના આ ઈન્ડેક્સ દોઢ ટકા જેટલા તૂટ્યા હતા. બીએસઇ મિડકેપ ઈન્ડેક્સ 1.2 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.4 ટકા ઘટ્યા હતા.
શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીથી તમામ ઈન્ડાઇસિસ રેડ ઝોનમાં બંધ થયા હતા. આઈટી ઈન્ડેક્સ 2.7 ટકા, ટેક 2.4 ટકા, પાવર અને ઓઈલ ગેસ ઈન્ડેક્સ 2 ટકા, કેપિટલ ગુડ્સ દોઢ ટકા, ટેલિકોમ 1.7 ટકા, હેલ્થકેર 1.5 ટકા, એફએમસીજી અઢી ટકા અને એનર્જી ઈન્ડેક્સ 1.5 ટકા તૂટ્યા હતા.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 1232 શેર વધીને જ્યારે 2584 શેર ઘટીને બંધ થયા હતા. તો 95 શેરમાં તેજીની સર્કિટ જ્યારે 66 શેરમાં સેલર સર્કિટ લાગી હતી.
રોકાણકારોના લગભગ 5 લાખ કરોડ રૂપિયા સ્વાહા
શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકા ઘટવાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. શેરબજાર માં ટ્રેડિંગ બંધ થયા બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂએશન 373.92 લાખ કરોડ રૂપિયા રહી હતી.છે. જ્યારે આગલા દિવસે બીએસઇની માર્કેટકેપ 378.50 લાખ કરોડ રૂપિયા હતી. આમ એક દિવસમાં શેરબજારના રોકાણકારોની 4.87 લાખ કરોડ રૂપિયાની મૂડી સ્વાહા થઇ ગઇ છે.