Share Market Today News Highlight : શેરબજારમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ નિફ્ટી ઘટાડે બંધ થયા છે. સેન્સેક્સ 436 પોઇન્ટ ઘટી 85000 લેવલની નીચે 84666 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 121 પોઇન્ટના ઘટાડે 25829 બંધ થયો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 84,947 થી 84,382.96 હતી. જો કે શેરબજારમાં નીચા ભાવે ચલણી શેરમાં લેવાલીથી મિડકેપ 276 પોઇન્ટ અને સ્મોલકેપ 634 પોઇન્ટ ઇન્ડેક્સ વધ્યા હતા.
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટીમાં મંગળવારે કડાકો બોલાયો છે. સેન્સેક્સ પાછલા બંધ 85,102 થી 350 પોઇન્ટના ઘટાડે આજે 84,742 ખુલ્યો હતો. શેરબજાર ખુલવાની સાથે જ સેન્સેક્સ 600 પોઇન્ટ તૂટ્યો અને 84500 લેવલ સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી 100 પોઇન્ટના ઘટાડે 25867 ખુલ્યો હતો. શેરબજારમાં વેચવાલીના દબાણથી નિફ્ટી 190 પોઇન્ટ ઘટી 25770 નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. વિદેશી રોકાણકારોની વેચવાલી, યુએસ ફેડ રેટ કટની અનિશ્ચિતતા અને ભારત અમેરિકા વેપાર સોદામાં વિલંબથી માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે.
RBI 16 ડિસેમ્બરે 5 બિલિયન ડોલરનું USD/INRનું બાય/સેલ સ્વેપ ઓક્શન કરશે
રિઝર્વ બેંક 16 ડિસેમ્બરે 36 મહિના માટે 5 બિલિયન ડોલરનું USD/INRનું બાય/સેલ સ્વેપ ઓક્શન કરશે. આ ઓક્શન 16 ડિસેમ્બરે સવારે 10.30 વાગે થી 11.30 વાગે દરમિયાન થશે.
US ફેડ રેટ નિર્ણય પહેલા બિટકોઇન 90000 ડોલર પાર
યુએસ ફેડરલ રિઝર્વના રેટ અંગે નિર્ણય પહેલા 9 ડિસેમ્બરે બિટકોઇનનો ભાવ વધીને 90000 ડોલર ક્રોસ કરી ગયો છે, જે પાછલા દિવસ 1.38 ટકા ઘટ્યો હતો. સવારના વોલેટાઇલ સેશનમાં દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી 89870 ડોલર સુધી ઘટી હતી, જો કે ત્યારબાદ વધીને ફરી 91336 ડોલર થઇ હતી.





