Share Market Today News Highlight: શેરબજાર ભારે વેચવાલીના પગલે શુક્રવારે મોટા ઘટાડે બંધ થયું છે. સેન્સેક્સ 501 પોઇન્ટ ઘટી 81757 અને નિફ્ટી 143 પોઇન્ટ ઘટી 24968 બંધ થયો છે. એટલે કે સેન્સેક્સ 82000 અને નિફ્ટી 25000ના મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ નીચે બંધ થયા છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 82334 થી 81608 અને નિફ્ટી 25144 થી 24918 રેન્જમાં અથડાયો હતો. બેંકિંગ અને આઈટી શેરમાં ભારે વેચવાલીથી માર્કેટ તૂટ્યું છે.
શેરબજારમાં શુક્રવારે પણ નરમ ટ્રેન્ડ હતો. એશિયન બજારોની મિશ્ર વલણ સાથે ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સમાં નરમાઇના પગલે શુક્રવારે સેન્સેક્સ નિફ્ટી નરમ ખુલ્યા હતા. માર્કેટના ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં જ એક્સિસ બેંકનો શેર 4 ટકાથી વધુ તૂટ્યો હતો.
સેન્સેક્સ નિફ્ટી નરમ
શુક્રવારે સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા બાદ અંડર પ્રેશર હતા. સેન્સેક્સ પાછલા બંધ 82259 સામે શુક્રવારે 82193 ખુલ્યો હતો. બેંક સ્ટોકમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 170 પોઇન્ટથી વધુ તૂટીને 82036 સુધી ગયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25111 સામે શુક્રવારે 25108 ખુલ્યો હતો.
એક્સિસ બેંક શેર 4 ટકાથી વધુ તૂટ્યો
એક્સિસ બેંક શેર 4 ટકાથી વધુ ઘટી સેન્સેક્સનો ટોપ લૂઝર સ્ટોક બન્યો છે. જૂન ક્વાર્ટરના નબળાં પરિણામથી સેન્ટિમેન્ટ ખરડાતા એક્સિસ બેંક શેર 4 ટકાથી વધુ ઘટી 1073 રૂપિયા થયો હતો. ભારતીય એરટેલ 1.4 ટકા, ટેક મહિન્દ્રા 1 ટકાથી વધુ ઘટ્યા હતા. એપ્રિલ જૂન 2025 ત્રિમાસિકમાં એક્સિસ બેંકનો ચોખ્ખો નફો 4 ટકા ઘટીને 5806 કરોડ રૂપિયા થયો છે. તો નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ માત્ર 0.8 ટકા વધીને 13560 કરોડ રૂપિયા થઇ છે.





