સેન્સેક્સ-નિફ્ટીમાં 4 ટકા રિટર્ન સાથે વર્ષ 2022ની વિદાય
કેલેન્ડર વર્ષ 2022 ‘કહી ખુશી- કહી ગમ’ સાથે વિદાય થઇ રહ્યુ છે. વર્ષના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ઘટીને બંધ થયા હતા. જેમાં બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સ 293 પોઇન્ટ તૂટીને 60840 અને નિફ્ટી-50 ઇન્ડેક્સ 86 પોઇન્ટ ઘટીને 18105ના સ્તરે બંધ થયા હતા. વર્ષ 2022 દરમિયાન વિવિધ કારણોસર શેરબજારમાં ભારે અફરાતફરી, ઐતિહાસિક ઉંચી સપાટીની સાથે સાથે ઇતિહાસના સૌથી મોટા કડાકા નોંધાયા છે. ચારેય બાજુ નકારાત્મક સમાચાર વચ્ચે પણ રોકાણકારોને શેરબજારમાં એકંદરે સારું રિટર્ન મળ્યુ છે. તો ચાલો જાણીયે વર્ષ 2022માં સેન્સેક્સ અને નિફ્ટીએ કેટલું રિટર્ન આપ્યુ…
સેન્સેક્સ-નિફ્ટીમાં 4 ટકાનું વાર્ષિક રિટર્ન
વર્ષ 2022ના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયા હતા. તેમ છતાં કેલેન્ડર વર્ષ 2022માં સેન્સેક્સ અને નિફ્ટીએ રોકાણકારોને 4 ટકાથી વધુ વળતર આપ્યું છે.

2022માં શેરબજારમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. કોરોના વાયરસ, રશિયા-યુક્રેન યુદ્ધ, યુએસ ફેડરલ રિઝર્વની વ્યાજદરમાં વૃદ્ધિની આક્રમક નીતિ, ભારતની રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં વધારો, ક્રૂડ ઓઇલમાં ઉછાળો, મોંઘવારી સહિત વિવિધ પરિબળોને કારણે બજારમાં અફરાતફરી ચાલુ રહી હતી. જો કે તેમ છતાં વર્ષ 2022માં રોકાણકારોને સેન્સેક્સે 4.44 ટકા અને નિફ્ટીએ 4.32 ટકા રિટર્ન આપ્યું છે.
બીજા છ માસિકગાળા પ્રોત્સાહક રહ્યા
કેલેન્ડર વર્ષ 2022માં જાન્યુઆરીથી જૂન સુધીનો સમયગાળો બહુ જ પડકારજનક રહ્યો હતો જો કે ત્યારબાદના છ મહિના માર્કેટ માટે એકંદરે પ્રોત્સાહક સાબિત થયા છે. જુલાઇથી ડિસેમ્બરના 6 મહિના દરમિયાન શેરબજારમાં એકંદરે સુધારા તરફી ટ્રેન્ડ રહ્યો અને સેન્સેક્સ – નિફ્ટીએ નવી ઓલટાઇમ હાઇ સપાટી બનાવી હતી. વર્ષ 2022માં સેન્સેક્સ 2,586.92 પોઈન્ટ (4.44%) વધ્યો છે. તો વર્ષ 2021 માં સેન્સેક્સમાં 10,502.49 પોઈન્ટ (21.99%)ની વૃદ્ધિ જોવા મળી હતી. નિફ્ટીએ આ વર્ષે 751.25 પોઈન્ટ (4.32%)નો વધારો નોંધાવ્યો છે.
સેન્સેક્સ-નિફ્ટીના નવા ઓલટાઇમ હાઇ લેવલ
અફરાતફરી વચ્ચે પણ સેન્સેક્સ અને નિફ્ટી વર્ષ 2022માં નવી ઐતિહાસિક ઉંચી સપાટી બનાવવામાં સફળ થયા હતા. 1 ડિસેમ્બરે, સેન્સેક્સ તેના ઓલટાઇમ હાઇ રેકોર્ડ લેવલ 63,583 પર પહોંચ્યો હતો, જ્યારે 17 જૂનના રોજ તે 50,921ની વર્ષની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. તો જૂનમાં 18183ની 52 સપ્તાહની નીચી સપાટીને ઉતરી ગયેલા બેન્ચમાર્ક નિફ્ટીએ પણ વર્ષ 2022માં 18887ની ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી.

રોકાણકારોને 16 લાખ કરોડથી વધુ કમાણી
વર્ષ 2022ના છેલ્લા દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) 293 પોઇન્ટ ઘટીને 60840 બંધ થયો હતો. આ સાથે બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટકેપ 282.38 લાખ કરોડ થઇ હતી. જે વાર્ષિક તુલનાએ માર્કેટકેપમાં 16.36 લાખ કરોડનો વધારો દર્શાવે છે. સરળ શબ્દોમાં કહીયે તો કેલેન્ડર વર્ષ 2022માં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 16.36 લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થયો છે.