Share Market Today News Highlight : શેરબજારમાં બુધવારે રિકવરીનો માહોલ રહેતા સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા હતા. સેન્સેક્સ 410 પોઇન્ટ વધી 80567 અને નિફ્ટી 135 પોઇન્ટ વધી 24715 બંધ થયો છે. બેંક શેરમાં લેવાલીથી બેંક નિફ્ટી ઇન્ડેક્સ 406 પોઇન્ટ વધ્યો છે. જ્યારે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 263 ઘટ્યો હતો. જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીએસટી રેટ ઘટવાની અપેક્ષામાં માર્કેટ સેન્ટિમેન્ટ સુધર્યું છે.
શેરબજાર બુધવારે પોઝિટિવ ખુલ્યા બાદ સેન્સેક્સ નિફ્ટી ઘટ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 80157 સામે 140 પોઇન્ટ જેટલો વધી મંગળવારે 80295 ખુલ્યો હતો. જો કે બેંક અને આઈટી શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 150 પોઇન્ટ 80000 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. બુધવારે એનએસઇ નિફ્ટી 40 પોઇન્ટ સુધરી 24,616 ખુલ્યો હતો, પણ ત્યાર પછી 23600 લેવલ નીચે ટ્રેડ કરી રહ્યો છે.
એશિયન બજારમાં મિશ્ર વલણ
બુધવારે એશિયાના શેરબજારોમાં મિશ્ર વલણ હતું. જાપાનનું સ્ટોક માર્કેટ 250 પોઇન્ટ, હોંગકોંગ માર્કેટ 117 પોઇન્ટ ડાઉન હતા. ગિફ્ટ નિફ્ટી, સિંગાપુર, તાઇવાન, કોરિયા, ઇન્ડોનેશિયાના શેર ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યા હતા. મંગળવારે અમેરિકન શેરબજારનો બેન્ચમાર્ક વોલ સ્ટ્રીટ ઘટીને બંધ થયો હતો. યુરોપિયન શેરબજારનો STOXX 600 ઇન્ડેક્સ 1.47 ટકા ઘટી 543.35 બંધ થયો હતો.
GST કાઉન્સિલની બે દિવસીય બેઠક શરૂ
જીએસટી કાઉન્સિલની બે દિવસીય બેઠક આજથી શરૂ થઇ છે. જીએસટી કાઉન્સિલની આ 56મી બેઠક છે. આ વખતે જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાય તેવી શક્યતા છે. કારણ કે, 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી રિફોર્મ્સની ઘોષણા હતી. જે અંતર્ગત જીએસટી રેટ ઘટાડવામાં આવી શકે છે. જીએસટી રેટ ઘટવાથી વિવિધ માલસામાન, વાહનો વગેરે સસ્તા થતા લોકોને મોંઘવારીમાં રાહત મળશે.