Share Market Today News Live Update : શેરબજારમાં સતત ત્રણ દિવસના સુધારા બાદ ગુરુવારે સેન્સેક્સ નિફ્ટી એકંદરે સુસ્ત હતા. ગુરુવારે સેન્સેક્સ પાછલા બંધ 84,466 લેવલ સામે 59 પોઇન્ટ વધી આજે 84,525 ખુલ્યો હતો. નિફ્ટી 36 પોઇન્ટ સુધરી 25,906 ખુલ્યો હતો. જો કે ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 100 પોઇન્ટથી વધુ ઘટ્યો હતો. એશિયાના શેરબજારોમાં મિશ્ર વલણ છે.
અમેરિકામાં શટડાઉન સમાપ્ત, હંગામી સ્પેન્ડિંગ બિલ પાસ
અમેરિકાનું સૌથી લાંબુ શટડાઉન સમાપ્ત થયું છે. અમેરિકાના નીતિ ઘડવૈયાઓએ એક હંગામી સ્પેન્ડિંગ પાસ કરી દીધું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને કોંગ્રેસના ડેમોક્રેટ્સ વચ્ચે 6 સપ્તાહથી ચાલી રહેલું ઘર્ષણ હવે સમાપ્ત થશે. શટડાઉનના કારણે અમેરિકાના ઘણા મહત્વપૂર્ણ આર્થિક આંકડા જાહેર થવામાં વિલંબ થઇ રહ્યો છે. વિમાન સેવા અવરોધાઇ છે, લાખો લોકોને ખાદ્ય સહાયમાં વિલંબ થયો છે. અમેરિકામાં છ સપ્તાહના શટડાઉનના કારણે ચાલુ ત્રિમાસિકના જીડીપીમાં 1.5 ટકાનો ઘટાડો થઇ શકે છે.
ક્રૂડ ઓઇલમાં ઝડપી ઘટાડો, સોના ચાંદીમાં ઉછાળો
ક્રૂડ ઓઇલમાં ઝડપી ઘટાડો નોંધાયો છે. સપ્લાય વધવાના OPEC સમૂહના અંદાજથી ક્રૂડ ઓઇલમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 4 ટકા ઘટીને 63 ડોલર નીચે જતા રહ્યા છે. તો બીજી બાજુ અમેરિકામાં શટડાઉન સમાપ્ત થવાથી સોનું 2 ટકા વધી 4200 ડોલરની નજીક પહોંચ્યું છે. તો ચાંદીમાં પણ 4 ટકાનો ઉછાળો આવ્યો છે.





