Share Market Today News Highlight : શેરબજારમાં તેજી સાથે સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ 1022 પોઇન્ટ ઉછળી 85609 બંધ થયો છે. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ 85644 ટોચ સુધી પહોંચ્યો હતો. હવે સેન્સેકસ્ તેની 27 સપ્ટેમ્બર, 2024ના રોજ બનેલી 85978ની ઐતિહાસિક ટોચથી માત્ર 369 પોઇન્ટ દૂર છે. એનએસઇ નિફ્ટી 320 પોઇન્ટ વધી 26205 બંધ થયો છે. સાર્વત્રિક તેજીથી શેરબજારના તમામ ઈન્ડેક્સ વધીને બંધ થયા છે. બેંક નિફ્ટી 707 પોઇન્ટ વધી નવી ટોચે બંધ થયો છે.
સેન્સેક્સ નિફ્ટી બુધવારે નરમ ખુલ્યા બાદ રિકવર થયા છે. યુએસ ફેડ રેટ કટના આશાવાદથી વૈશ્વિક બજારોનું સેન્ટિમેન્ટ સુધર્યું છે. સેન્સેક્સ પાછલા બંધ 84,587 થી ઘટીને આજે 84,503 ખુલ્યો હતો. બ્લુચીપ ટાટા ગ્રૂપ અને રિલાયન્સ શેરમાં તેજીથી સેન્સેક્સ 250 પોઇન્ટ જેટલો વધીને 84850 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 40 પોઇન્ટ ઘટીને 25,842 ખુલ્યો હતો. શેરબજાર રિકવર થતા નિફ્ટી 5 પોઇન્ટ વધી 25970 લેવલ ઉપર મજબૂત છે.
TMPL, અદાણી પોર્ટ્સ અને એક્સિસ બેંક શેરમાં તેજી
આજે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ શેર સેન્સેક્સનો ટોપ ગેઇનર શેર બની રહ્યો હતો. TMPL 2.7 ટકા વધીને 362 રૂપિયા બોલાયો હતો. તો અદાણી પોર્ટ્સ અઢી ટકા, ટાટા સ્ટીલ 1.5 ટકા, ટ્રેન્ટ દોઢ ટકા, એક્સિસ બેંક અને બજાજ ફિનસર્વ 1 ટકા આસપાસ વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે.
રશિયા યુક્રેન શાંતિ મંત્રણાથી ક્રૂડ ઓઇલ 1 મહિનાના તળિયે
રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે શાંતિ મંત્રણા ચાલી રહી હોવાથી ક્રૂડ ઓઇલના ભાવ 1 મહિનાની નીચી સપાટીએ જતા રહ્યા છે. બ્રેન્ડ ક્રૂડ ઓઇલ વાયદો 19 સેન્ટ ઘટી 62.67 ડોલર અને યુએસ ક્રૂડ વાયદો 14 સેન્ટ ઘટીને 58.09 ડોલર પ્રતિ બેરલ બોલાયો છે. રશિયા યુક્રેન શાંતિ મંત્રણાની બહુ નજીક છે, જેનાથી રશિયાની ક્રૂડ સપ્લાય પર વૈશ્વિક પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવી શકે છે.





