Sensex Crash after Fitch US rating downgrades : ભારતીય શેર બજારમાં બુધવારે કોહમાર મચ્યો હતો. સતત બીજા દિવસે મંદી આગળ વધતા બુધવારે બીએસઇ સેન્સેક્સમાં 676 પોઇન્ટનો કડાકો બોલાયો હતો. પરિણામે રોકાણકારોને એક જ દિવસમાં 3 લાખ કરોડ રૂપિયાથી વધારે નુકસાન થયુ હતુ. ભારતીય શેરબજારમાં બુધવારના કડાકા બાદ અમેરિકા જવાબદાર છે. અમેરિકા સંબંધિત આ ઘટનાથી સેન્સેક્સ -નિફ્ટીમાં મંદી આગળ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 20 જુલાઇના રોજ બનેલી 67619ની ઐતિહાસિક ઉંચી સપાટીથી સેન્સેક્સ 1837 પોઇન્ટ નીચે આવી ગયો છે.
સેન્સેક્સમાં 676 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ 207 પોઇન્ટ તૂટ્યો
બુધવારનો દિવસ ભારતીય શેર બજાર માટે નુકસાનદાયી રહ્યો હતો. સેન્સેક્સમાં મંદીની ચાલમાં 65431ની ઇન્ટ્રા-ડે બોટમ બનાવી સેશનના અંગે 676 પોઇન્ટના ધબડકામાં 65782 બંધ થયો હતો. આમ બે દિવસમાં સેન્સેક્સમાં 745 પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે.
તેવી જ રીતે એનએસઇ નિફ્ટી-50 બેન્ચમાર્ક ઇન્ટ્રા-ડેમાં 19423ની નીચી સપાટી બનાવી સેશનના અંતે 207 પોઇન્ટ તૂટીને 19526 બંધ થયો હતો.
સેન્સેક્સના 30 બ્લુચીપ સ્ટોકમાંથી 28 શેર તૂટ્યા
શેરબજારમાં બુધવારે વેચવાલીનું તીવ્ર દબાણ અનુભવાતા સેન્સેક્સના 30માંથી 28 બ્લુચીપ સ્ટોક ઘટીને બંધ થયા હતા. જેમાં ટાટા સ્ટીલ 3.5 ટકા, ટાટા મોટર્સ 3.2 ટકા, બજાજ ફિનસર્વ 2.9 ટકાના ઘટાડે ટોપ-3 લૂઝર્સ બન્યા હતા. વધનાર શેરમાં નેસ્લે, એયયુએલ અને એશિયન પેઇન્ટ્સ અડધાથી 1 ટકા જેટલા સુધર્યા હતા.

રોકાણકારોને 3.47 લાખ કરોડનું નુકસાન
અમેરિકાના એક સમાચારના પગલે ભારતીય શેરબજારમાં મસમોટો 676 પોઇન્ટનો ધબડકો બોલાયો હતો. પરિણામે એક જ દિવસમાં રોકાણકારોને 3.47 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયુ હતુ. બુધવારે બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂએશન 303.33 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે તેની અગાઉના દિવસે 306.80 લાખ કરોડ રૂપિયા હતી.
આ પણ વાંચો | ભારતીય કંપનીઓનું વિદેશી શેરબજાર અને IFSCમાં સીધુ લિસ્ટિંગ થશે, નાણાં મંત્રી નિર્મલા સીતારમનની મોટી જાહેરાત
અમેરિકાના ક્યા ઘટનાક્રમથી શેરબજાર ઘટ્યા
અમેરિકા સંબંધિત એક ઘટનાક્રમથી બુધવારે સેન્સેક્સ – નિફ્ટીમાં કડાકો બોલાયો હતો. ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચે અમેરિકાનું સોવરિન રેટિંગ ડાઉનગ્રેડ કર્યુ છે. ફિચે અમેરિકાનું સોવરિન રેટિંગ AAAથી ઘટાડીને AA+ કર્યુ છે. વર્ષ 2011 બાદ પહેલીવાર અમેરિકાનું રેટિંગ ડાઉનગ્રેડ કરવામાં આવ્યુ છે. રેટિંગ એજન્સીએ ફેડરલ, રાજ્ય અને સ્થાનિક સ્તરે વધતા દેવું અને છેલ્લા બે દાયકામાં બિઝનેસ ઓપરેશનના ધોરણોમાં સતત ઘટાડાનો હવાલો આપીને આ પગલું ભર્યું છે.





