Sensex Nifty Biggest Single Day Loss Since June 2022: ભારતીય શેર બજારમાં જબરદસ્ત કડાકો બોલાતા રોકાણકારોને જંગી નુકસાન થયુ હતુ. ઉંચા મથાળે રોકાણકારોની જંગી વેચવાલીથી સેન્સેક્સ અને નિફ્ટીમાં જૂન 2022 પછીનો સૌથી મોટો કડાકો બોલાયો છે. બેંક નિફ્ટી, આઈટી સહિત તમામ સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં બંધ થયા હતા. સ્ટોક માર્કેટના કડાકા પાછળ સ્થાનિક અને વૈશ્વિક પરિબળો જવાબદાર છે.
શેરબજારમાં દોઢ વર્ષનો મોટો કડાકો, સેન્સેક્સ 1600 પોઇન્ટ તૂટ્યો (Sensex 1628 Points Crash)
ભારતીય શેરબજાર બુધવારે મોટા ઘટાડે ખૂલ્યા હતા. બેન્ચમાર્ક સેન્સેક્સ આગલા બંધ 73128થી બુધવારે 1130 પોઇન્ટના નીચા ગેપમાં 71998 ખૂલ્યો હતો. સેશનની શરૂઆતમાં નજીવો સુધરીને 72484ની ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. જો કે ઉંચા મથાળે રોકાણકારોન જંગી વેચવાલી અને વૈશ્વિક બજારોના નબળા સંકેતથી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
પરિણામ શેરબજારમાં ઘટાડો તીવ્ર બન્યો અને સેન્સેક્સ 1700 પોઇન્ટના ઇન્ટ્રા-ડે કડાકામાં 71429ના તળિયે ખાબક્યો હતો. કામકાજના અંતે સેન્સેક્સ 1628 પોઇન્ટના કડાકામાં 71500 બંધ થયો હતો. જે જૂન 2022 પછીનો સૌથી મોટો એક દિવસીય કડાકો છે. આ સાથે કેલેન્ડર વર્ષ 2024નો પણ સૌથી મોટો ઘટાડો છે.
એનએસઇ નિફ્ટી 50 બેન્ચમાર્ક પણ ટ્રેડિંગ સેશન દરમિયાન 21550ની ઇન્ટ્રા-ડે બોટમ બનાવી કામકાજના અંતે 460 પોઇન્ટના કડાકામાં 21571 બંધ થયો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સના 30માંથી 26 અને નિફ્ટી-50ના 39 શેર ઘટાડે બંધ થયા હતા.
સેન્સેક્સના ટોપ-5 લૂઝરમાં 5 શેર બેન્કિંગ સેક્ટરના હતા. જેમાં સૌથી વધુ એચડીએફસી બેંક 8.5 ટકા તૂટ્યો હતો. ત્યારબાદ ટાટા સ્ટીલ 4 ટકા, કોટક બેંક 3.6 ટકા, એક્સિસ બેંક 3.4 ટકા અને આઈસીઆઈસીઆઈ બેંક 2.9 ટકા તૂટ્યા હતા. સેન્સેક્સના 1628 પોઇન્ટના કડાકામાં એચડીએફસી બેંકનો ફાળો 944 પોઇન્ટ હતો. ટોપ-5 ગેઇન બ્લૂચીપ સ્ટોકમાં એચસીએલ ટેક, ટીસીએસ , ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, નેસ્લે સાધારણથી 1.3 ટકા વધ્યા હતા.
બેંક નિફ્ટી 4 ટકા તૂટ્યો (Bank Nifty Down)
શેરબજારના આજના કડાકા પાછળ બેન્કિંગ સ્ટોકમાં ધોવાણ કારણભૂત બન્યા છે. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં બેન્કેક્સ અને બેંક નિફ્ટી ટોપ લૂઝર ઇન્ડેક્સ બન્યા હતા. બીએસઇનો બેન્કેક્સ સૌથી વધુ 2176 પોઇન્ટ કે 4 ટકા તૂટ્યા હતા. બેન્કેક્સના તમામ 10 બેન્કિંગ શેર ડાઉન હતા. તો બેન્ક નિફ્ટીમાં 2060 પોઇન્ટ કે 4.3 ટકાનો કડાકો બોલાયો હતો.
અન્ય સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં ફાઇનાન્સિયલ સર્વિસિસ 3.7 ટકા, મેટલ 2.9 ટકા ડાઉન હતા. તેવી જ રીતે રિયલ્ટી,ઓટો, યુટિલિટીઝ, કન્ઝ્યુમર ડિસ્ટ્રીલિયરી ઇન્ડેક્સ 1થી બે ટકા તૂટ્યા હતા. બીએસઇ મીડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1 ટકાથી વધુ ડાઉન હતા.
આ પણ વાંચો | સેન્સેક્સ – નિફ્ટીમાં કડાકા માટેના 5 કારણો; રોકાણકારોએ હવે શું કરવું
શેર બજારમાં રોકાણકારોના 4 લાખ કરોડથી વધુ નુકસાન સ્વાહા (BSE Marketcap)
ભારતીય શેરબજાર સેન્સેક્સ – નિફ્ટીમાં દોઢ વર્ષના સૌથી મોટા કડાકાથી રોકાણકાણકારોને જંગી નુકસાન થયું છે. બુધવારે ટ્રેડિંગ સેશનના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 370.35 લાખ કરોડ રૂપિયા રહી હતી. જ્યારે તેની અગાઉના દિવસ શેર બજારની કુલ માર્કેટકેપ 374.95 લાખ કરોડ રૂપિયા હતી. આમ એક દિવસમાં શેર બજારમાં રોકાણકારોને અધધધ… 4.6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.