Stock Market Sensex Nifty Tanks: ભારતીય શેરબજારમાં ફરી જબરદસ્ત કડાકો બોલાયો છે. જેમાં સેન્સેક્સ 1628 પોઇન્ટના કડાકામાં 71500 અને એનએસઇ નિફ્ટી 460 પોઇન્ટ તૂટીને 21572 બંધ થયા હતા. જે જૂન 2022 પછીનો સૌથી મોટો એક દિવસીય કડાકો છે. ટકાવારીની સેન્સેક્સ અને નિફ્ટીમાં સવા બે ટકા તૂટ્યા છે. રોકાણકારોની જંગી વેચવાલીથી બીએસઇના તમામ સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં બંધ થયા હતા. સેન્સેક્સ – નિફ્ટીમાં કડાકા પાછળના 5 મુખ્ય કારણો જાણો
રેટ-કટમાં વિલંબની આશંકા
ભારતીય શેરબજારમાં જબરદસ્ત કડાકો બોલાયો છે. સેન્સેક્સ – નિફ્ટીમાં આ ઘટાડા પાછળ જવાબદાર કારણોમાં એક છે કે રેટ-કટમાં વિલંબ. હજી પણ મોંઘવારી દર ઉંચો હોવાથી નજીકના સમયમાં વ્યાજદર ઘટવાની અપેક્ષા નહિવત્ત છે. યુએસ ફેડરલ રિઝર્વ બેંકે સંકેત આપ્યા છે કે વ્યાજદરમાં અગાઉ રાખવામાં આવેલી અપેક્ષા કરતા ધીમી ગતિએ ઘટાડો કરવામાં આવી શકે છે. આ સંકેતથી માર્કેટનું સેન્ટિમેન્ટ નબળુ પડ્યુ છે. યુએસ ફેડના ગવર્નર ક્રિસ્ટોફર વાલરે કહ્યું કે, કેન્દ્રીય બેંક ચાલુ વર્ષે રેટ – કટ કરશે, પરંતુ આ પ્રક્રિયામાં સમય લાગી શકે છે. તેમણે ઉમેર્યુ કે, અમેરિકામાં મોંઘવારી દર હજી પણ કેન્દ્રીય બેંકના નિર્ધારિત લક્ષ્યાંક બે ટકાથી ઘણું વધારે છે.
યુએસ બોન્ડ યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સમાં વૃદ્ધિ
યુએસ ફેડ રિઝર્વની ઉપરોક્ટ ટિપ્પણીઓને કારણે યુએસ 10 વર્ષીય ટ્રેઝરી બોન્ડ્સ યીલ્ડમાં વધારો થયો હતો અને ડોલર ઇન્ડેક્સ 4 ટકાની ઉપર એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો.
રોકાણકારોનું ઉંચા ભાવે પ્રોફિટ બુકિંગ
ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સે તાજેતરમાં પહેલીવાર 73,000ની સપાટી કુદાવી નવી ઊંચાઇએ પહોંચ્યું હતું. શેરબજારમાં સતત તેજીથી મોટાભાગના શેરની વેલ્યૂએશન વધી ગઇ છે. તેજીના ટ્રેન્ડમાં રોકાણકારો દ્વારા ઉંચા ભાવે પ્રોફિટ બુકિંગ પણ બજારમાં ઘટાડાનું એક મહત્વનું કારણ હતું. જો કે, માર્કેટ એનાલિસ્ટો કહે છે કે, આ ઘટાડો વેલ્યુએશનના દૃષ્ટિકોણથી સારો છે અને તેઓએ રોકાણકારોને દરેક કરેક્શનને ખરીદીની તક તરીકે જોવાની સલાહ આપી હતી.
બ્રોકરેજ ફર્મ જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, “ભલે અર્થતંત્ર સારી રીતે ચાલી રહ્યું છે અને કોર્પોરેટ અર્નિંગ પણ સારી છે, પરંતુ તેની અસર પહેલેથી જ વેલ્યૂમાં દેખાઇ રહી છે. આવી સ્થિતિમાં, ઊંચા મૂલ્યાંકન બાદ એક કરેક્શનની જરૂરી છે.”
વૈશ્વિક શેર બજારના નબળા સંકેત
સેન્સેક્સ – નિફ્ટીના કડાકામાં નબળા વૈશ્વિક સંકેતો પણ જવબાદર હતા. યુએસ બોન્ડની યીલ્ડમાં વૃદ્ધિથી યુએસ શેરબજારના સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા હતા. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગ પણ રેડ ઝોનમાં હતા. એક માત્ર જાપાનનો નિક્કી ઈન્ડેક્સ સુધાર્યો હતો.
HDFC બેંક જેવા બ્લુચીપ બેન્કિંગ શેરમાં ઘટાડો
બેન્ચમાર્ક સેન્સેક્સના બ્લુચીપ સ્ટોકમાં જંગી વેચવાલીથી પણ ભારતીય શેરબજારમાં જબરદસ્ત કડાકો બોલાયો છે. બુધવારે સેન્સેક્સના ટોપ-5 લૂઝરમાં 4 બેન્કિંગ સ્ટોક હતા. જેમાં સૌથી વધુ એચડીએફસી બેંક 8.5 ટકા તૂટ્યો હતો. ત્યારબાદ ટાટા સ્ટીલ 4 ટકા, કોટક બેંક 3.6 ટકા, એક્સિસ બેંક 3.4 ટકા અને આઈસીઆઈસીઆઈ બેંક 2.9 ટકા તૂટ્યા હતા. સેન્સેક્સના 1628 પોઇન્ટના કડાકામાં એચડીએફસી બેંકનો ફાળો 944 પોઇન્ટ હતો.
આ પણ વાંચો | યસ બેંકનો શેર 4 વર્ષની ટોચે, 3 મહિનામાં 86 ટકા રિટર્ન; શું શેર ખરીદવો કે વેચવો? જાણો
નોંધનિય છે કે, એચડીએફસી બેંકનો ડિસેમ્બર ક્વાર્ટરનો ચોખ્ખો નફો અને ચોખ્ખી વ્યાજની આવક (NII) લગભગ બજારની અપેક્ષાઓ સાથે સુસંગત હતી, પરંતુ ત્રિમાસિક ધોરણે ફ્લેટ માર્જિને રોકાણકારોને નિરાશ કર્યા છે.