Share Market Today News Highlight : શેરબજારમાં આખો દિવસ રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ બાદ સોમવારે સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ બંધ થયા હતા. જેમા સેન્સેક્સ 10 પોઇન્ટ વધી 83442 અને કોઇ વગર વધઘટ વગર નિફ્ટી 25461 બંધ થયો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 83516 થી 83262 અને નિફ્ટી 25489 થી 25407 રેન્જમાં ટ્રેડ થયો હતો. ઉંચા મથાળે વેચવાલીથી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ ઘટીને બંધ થયા છે. ડિફેન્સ, આઈટી અને મેટલ સ્ટોક પર દબાણ જોવા મળ્યું હતું.
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી એશિયન માર્કેટની નરમાઇના પગલે સોમવારે નરમ ખુલ્યા હતા. સ્ટોક માર્કેટ પર હજી પણ FIIની વેચવાલીનું દબાણ છે. ગિફ્ટ નિફ્ટી ઈન્ડેક્સ પણ નરમ હતો અને એશિયન બજારો એકંદરે ફ્લેટ હતા. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશો પર વધારાનો 10 ટકા ટેરિફ લાદવાની ઘોષણા કરતા ડોલર સામે રૂપિયો ઘટાડે ખુલ્યો હતો.
સેન્સેક્સ નિફ્ટી નરમ
સેન્સેક્સ પાછલા બંધ 83432 સામે સોમવારે 83398 ફ્લેટ ખુલ્યો હતો. ફ્લેટ ટ્રેડિંગમાં આઈટી અને બેંકિંગ શેર ડાઉન હતા. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25461 સામે આજે 25450 ખુલ્યો હતો. સેન્સેક્સ 83500 અને નિફ્ટી 25500 નીચે ટ્રેડ કરી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે BRICS દેશો પર 10 ટકા વધારાની ટેરિફ લાદી
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે BRICS દેશો પર 10 ટકા વધારાની ટેરિફ લાદવાની ઘોષણા કરી છે, જેની ભારત સહિત ઘણા અગ્રણી વિકાસશીલ દેશોને સીધી અસર કરશે. ટ્રમ્પનું કહેવું છે કે, તેમની નજરમાં બ્રિક્સ દેશ અમેરિકા વિરોધી પોલિસીઓનું સમર્થન કરે છે. BRICS સમૂહ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચીન અને દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન અને UAE સામેલ છે.





