Share Market Listing: ભારતીય કંપનીઓનું વિદેશી શેરબજાર અને IFSCમાં સીધુ લિસ્ટિંગ થશે, નાણાં મંત્રી નિર્મલા સીતારમનની મોટી જાહેરાત

Direct Foreign Exchanges Listing : નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે ભારતીય કંપનીઓને ટૂંક સમયમાં વિદેશી સ્ટોક એક્સચેન્જ અને ગીફ્ટ સિટીમાં આવેલા IFSC ખાતે ડાયરેક્ટ લિસ્ટિંગની મંજૂરી આપવામાં આવશે

Written by Ajay Saroya
July 28, 2023 20:28 IST
Share Market Listing: ભારતીય કંપનીઓનું વિદેશી શેરબજાર અને IFSCમાં સીધુ લિસ્ટિંગ થશે, નાણાં મંત્રી નિર્મલા સીતારમનની મોટી જાહેરાત
શેર બજારમાં ટ્રેડિંગ અને રોકાણ કરવા માટે ડિમેટ એકાઉન્ટ ખોલાવવું જરૂરી છે.

Indian Companies Direct Listing on Foreign Exchanges and IFSC : શેર બજારમાં લિસ્ટેડ કંપની અને રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ખૂબ જ ટૂંક સમયમાં ભારતીય કંપનીઓ વિદેશી સ્ટોક એક્સચેન્જ અને ગુજરાતમાં ગાંધીનગર સ્થિત ગીફટ સિટીમાં આવેલા ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)માં સીધું લિસ્ટિંગ કરાવી શકશે. નાણામંત્રી સીતારમણે શુક્રવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં આ મહત્વપૂર્ણ ઘોષણા કરી હતી. ડેટ ફંડની મુશ્કેલીઓને દૂર કરવા માટે બનાવવામાં આવેલ કોર્પોરેટ ડેટ માર્કેટ ડેવલપમેન્ટ ફંડ (CDMDF)ના લોન્ચિંગ પ્રસંગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

2020માં ઘોષણા થઇ, પણ નિયમ જાહેર થવાના બાકી

મોદી સરકારે મે 2020 માં જાહેર કરાયેલ કોવિડ રાહત પેકેજ હેઠળ ભારતીય કંપનીઓની સીધી વિદેશી શેર બજારમાં લિસ્ટિંગને મંજૂરી આપવા સંબંધિત જોગવાઈઓને મંજૂરી આપી હતી. પરંતુ તેને લગતા નિયમો હજુ સુધી જારી કરવામાં આવ્યા નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફોરેન સ્ટોક એક્સચેન્જોમાં ડાયરેક્ટ લિસ્ટિંગની સુવિધા સાથે, વિદેશી ભંડોળમાં ભારતીય કંપનીઓની પહોંચ નોંધપાત્ર રીતે વધશે. સીતારમણે જણાવ્યું હતું કે ફોરેન એક્સચેન્જ અને IFSC પર ડાયરેક્ટ લિસ્ટિંગ એ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે, જે માત્ર વૈશ્વિક મૂડી સુધી ભારતીય કંપનીઓની પહોંચ જ નહીં વધારે, પરંતુ વધુ આકર્ષક વેલ્યૂએશન પણ પ્રાપ્ત કરશે.

ટુંક સમયમાં નિયમો જાહેર થવાની અપેક્ષા

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે વિદેશમાં ભારતીય કંપનીઓના ડાયરેક્ટ લિસ્ટિંગ માટે જરૂરી નિયમો આગામી થોડા અઠવાડિયામાં જાહેર કરવામાં આવી શકે છે. શરૂઆતમાં, સ્થાનિક કંપનીઓને ગીફ્ટ સિટીના IFSC ખાતે લિસ્ટિંગની મંજૂરી આપવામાં આવશે અને બીજા તબક્કામાં, તેમને પસંદગીના સાત કે આઠ વિદેશી એક્સચેન્જો પર લિસ્ટિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે. ભારતીય બજારના વર્તમાન નિયમો અનુસાર, જો કોઈ સ્થાનિક કંપની વિદેશી શેરબજારોમાંથી મૂડી એકત્ર કરવા માંગે છે, તો તેણે પહેલા ભારતના શેર બજારમાં લિસ્ટિંગ કરવું જરૂરી છે.

વિદેશી સેર બજારમાં લિસ્ટિંગ માટે હા શું નિયમ છે?

ભારતમાં લિસ્ટેડ સ્થાનિક કંપનીઓ હાલમાં વિદેશમાં લિસ્ટિંગ માટે અમેરિકન ડિપોઝિટરી રિસિપ્ટ્સ (ADRs) અને ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ્સ (GDRs)નો આશરો લે છે, જેમ કે ઈન્ફોસિસ અને વિપ્રો જેવી ઘણી મોટી કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ નાણામંત્રી દ્વારા જાહેર કરાયેલા નવા નિયમોના અમલીકરણ બાદ ભારતીય યુનિકોર્ન એટલે કે 1 બિલિયન ડોલરથી વધુ વેલ્યૂએશન ધરાવતા સ્ટાર્ટ-અપ કંપનીઓને વિદેશમાંથી મૂડી એકત્ર કરવામાં ઘણી મદદ મળી શકે છે. તાજેતરમાં એવા અહેવાલો પણ આવ્યા છે કે જે 7 દેશોમાં સરકાર પ્રારંભિક તબક્કામાં ભારતીય કંપનીઓને ડાયરેક્ટ લિસ્ટિંગ કરાવવાની મંજૂરી આપી શકે છે તેમાં અમેરિકા, બ્રિટન, કેનેડા અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે.

સેબી વિદેશી શેરબજારમાં લિસ્ટિંગના નિયમો બનાવશે

વિદેશી શેર બજારમાં ડાયરેક્ટ લિસ્ટિંગ માટે સેબીએ પહેલાથી જ એક ફ્રેમવર્કની ભલામણ કરી છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો આ ફ્રેમવર્ક પર આધારિત હશે. હકીકતમાં સેબીએ આ 10 ફોરેન સ્ટોક એક્સચેન્જોમાં ડાયરેક્ટ લિસ્ટિંગની મંજૂરી આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો, જેમાં ઘણા આકરાં એન્ટી-લોન્ડરિંગ નિયમોનું પાલન કરવું પડશે. આ 10 વિદેશી એક્સચેન્જોમાં ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ (NYSE), નાસ્ડેક (Nasdaq), લંડન સ્ટોક એક્સચેન્જ (LSE) અને હોંગકોંગનો સમાવેશ થાય છે. ઉપરાંત સેબીએ જાપાન, દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ અને કેનેડા માટે પણ આવી સુવિધા આપવાનું સૂચન કર્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ