Share Market Sensex Nifty Biggest One Day Jumps: શેરબજાર સેન્સેક્સ – નિફ્ટી એ લોકસભા ચૂંટણી 2024 પરિણામ પહેલા ઇતિહાસ બનાવ્યો છે. લોકસભા ચૂંટણી પરિણામ પહેલા સેન્સેક્સ 2500 પોઇન્ટ ઉછળ્યો, જે છેલ્લા ત્રણ વર્ષનો સૌથી મોટો એક દિવસીય ઉછાળો છે. આ સાથે સેન્સેક્સ અને નિફ્ટી નવી ઐતિહાસિક ઉંચી સપાટીએ બંધ થયા છે. ઇલેક્શન રેલીમાં એનએસઇ નિફ્ટી સાથે બેંક નિફ્ટી, સ્મોલકેપ અને મિડકેપ સહિત ઘણા સેક્ટોરિયલ ઈન્ડાઇસિસ ઓલટાઇમ હાઇ લેવલને સ્પર્શ્યા છે. શેરબજારમાં ઐતિહાસિક ઉછાળાથી રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં 14 લાખ કરોડ રૂપિયાથી વધુ વધારો થયો છે.
સેન્સેક્સ 2500 ઉછળ્યો, 3 વર્ષનો સૌથી મોટો ઉછાળો
બીએસઇ સેન્સેક્સ 3 વર્ષના સૌથી મોટા ઉછાળા સાથે ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. સેન્સેક્સ 73961 પાછલા બંધ સામે મોટા ગેપમાં આજે 76588 ખુલ્યો હતો. તેજીની ચાલમાં 2777 પોઇન્ટ ઇન્ટ્રા-ડે ઉછળી 76738 રેકોર્ડ લેવલે પહોંચ્યો હતો. કામકાજના અંતે સેન્સેક્સ 2507 પોઇન્ટ ઉછળી 76468 બંધ થયો છે. ટકાવારીની રીતે સેન્સેક્સ 3.4 ટકા વધ્યો છે.
સેન્સેક્સના ટોપ 5 ગેઇનર સ્ટોક
શેરબજારની ઐતિહાસિક તેજીમાં ઘણા શેર વધ્યા હતા. બીએઇ સેન્સેક્સના 30 બ્લુચીપ સ્ટોક માંથી 25 વધ્યા હતા. સેન્સેક્સના ટોપ 5 ગેઇનર સ્ટોકમાં એનટીપીસી 9.2 ટકા, એસબીઆઈ 9.2 ટકા, પાવરગ્રીડ 9 ટકા, લાર્સન ટુર્બો 6.3 ટકા અને એક્સિસ બેંક 5.6 ટકા વધ્યા હતા. તો ટોપ 5 લૂઝર્સ સ્ટોકમાં એચસીએલ ટેક, સન ફાર્મા, એશિયન પેઇન્ટ્સ, નેસ્લે ઈન્ડિયા અને ઇન્ફોસિસ અડધા ટકા સુધી ડાઉન હતા. એનએસઇ નિફ્ટી 50 ઈન્ડેક્સના 50 માંથી 43 શેર વધ્યા હતા.
એનએસઇ નિફ્ટી 23000 અને બેંક નિફ્ટી 51000 પાર
એનએસઇ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. નિફ્ટી 23338 ઇન્ટ્રા-ડે ટોચ બનાવી સેશનના અંતે 733 પોઇન્ટ ઉછળી 23263 બંધ થયો છે. બેંક નિફ્ટી પણ ઇન્ટ્રા-ડેમાં 51133 રેકોર્ડ હાઇ લેવલ બનાવ્યુ હતુ અને 1996 પોઇન્ટના ઉછાળે 50979 બંધ થયો છે.
શેરબજારમાં રોકાણકારોને 14 લાખ કરોડની કમાણી
શેરબજાર સેન્સેક્સ – નિફ્ટીમાં ઉછાળાથી રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં જંગી વધારો થયો છે. 3 જૂન, 2024ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટકેપ 425.91 લાખ કરોડ રૂપિયા થઇ હતી. જ્યારે 31 મે, 2024ના રોજ બીએસઇની માર્કેટકેપ વેલ્યૂએશન 412.12 લાખ કરોડ રૂપિયા હતી. આમ શેરબજારના એક દિવસના ઐતિહાસિક ઉછાળામાં રોકાણકારોની સંપત્તિમાં અધધધ 13.79 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
આ પણ વાંચો | લોકસભા ચૂંટણીમાં મોદી સરકારની વાપસી થઇ તો 56 શેર બનશે રોકેટ, શેરબજારમાં કમાણીનો જબરદસ્ત મોકો, ફટાફટ જુઓ યાદી
શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં ઉછાળાના કારણ
- લોકસભા ચૂંટણી 2024 પરિણામમાં ભાજપની બહુમતી સાથે જીત
- લોકસભા ચૂંટણી પરિણામ બાદ દેશના અર્થતંત્ર માટે નક્કર રોડમેપ તૈયાર થવાની અપેક્ષા
- હવામાન વિભાગ દ્વારા આ ચોમાસાની સીઝનમાં સારો વરસાદ થવાની આગાહી
- વૈશ્વિક સ્ટોક માર્કેટમાં એકંદરે પોઝિટિવ ટ્રેન્ડ
- મિડલ ઇસ્ટમાં ભૂરાજકીય તણાવ ઓછો થવો