Share Market Today News Live Update : શેરબજાર માટે મંગળવાર ફરી અમંગળ રહ્યો છે. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત કડાકો બોલાયો છે. સેન્સેક્સ પાછલા બંધ 81635 સામે 275 પોઇન્ટ જેટલો ઘટી 81377 ખુલ્યો હતો. સિલેક્ટિવ સ્ટોકમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ ઓપનિંગ સેશનમાં જ 670 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 81000 લેવલ નીચે ઉતરી ગયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24,967 સામે મંગળવારે 24899 ખુલ્યો હતો. હાલ 200 પોઇન્ટથી વધુ ઘટાડે 24760 લેવલ નીચે ટ્રેડ કરી રહ્યો છે.
પેટીએમ 2 સહાયક કંપનીમાં રોકાણ કરશે, શેર નરમ
ફિનટેક પ્લેટફોર્મ પેટીએમની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સ પોતાની બે સહાયક કંપનીઓ પેટીએમ મની અને પેટીએમ સર્વિસિસમાં 455 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની છે. આ અહેવાલ વચ્ચે મંગળવારે પેટીએમનો શેર 1.2 ટકા ઘટી 1261 રૂપિયા બોલાતો હતો. પેટીએમ મની વિશે વાત કરીયે તો તે પેટીએમની બ્રોકિંગ કંપની છે, જેના કસ્ટમર છેલ્લા 18 મહિનાથી વધતી હરિફાઇ અને નવી કંપનીઓના પ્રવેશથી ઘટી રહ્યા છે. વન97 કોમ્યુનિકેશન્સ પેટીએમ મનીમાં 300 કરોડ અને પેટીએમ સર્વિસિસમાં 155 કરોડ રૂપિયાના શેરના રાઇટ્સ ઇશ્યૂને સબ્સક્રાઇબ કરશે.
ભારત પર 25 ટકા વધારાના ટ્રમ્પ ટેરિફનું નોટિફિકેશન જાહેર
અમેરિકાએ ભારત પર 25 ટકા વધારાનું ટેરિફ લાદવા નોટિફિકેશન જાહેર કર્યું છે. જેનાથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ વધુ નબળું પડ્યું છે. 25 ટકા વધારાનું ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ થશે. આ સાથે ભારત પર અમેરિકાનું કૂલ ટેરિફ ભારણ 50 ટકા થઇ ગયું છે. તો બીજી બાજુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત કોઇના દબાણમાં આવશે નહીં તેમજ નાના ઉદ્યોગો અને ખેડૂતોના હિતો સાથે કોઇ બાંધછોડ કરશે નહીં.