Sensex Nifty And Gold Silver Return In FY24 : શેરબજાર, સોના અને ચાંદીમાં સારા વળતર સાથે નાણાંકીય વર્ષ 2023-24 વિદાય થઇ રહ્યું છે. નાણાંકીય વર્ષના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં 1100 પોઇન્ટથી વધુ ઉછાળો નોંધાયો છે. તો સોનું મોંઘુ થયુ જ્યારે ચાંદીની કિંમત ઘટી છે. અલબત્ત વાર્ષિક ધોરણે ગણતરી કરીયે તો રોકાણકારોને શેર અને સોનામાં જબરદસ્ત વળતર મળ્યું છે. તો રોકાણના અન્ય સ્ત્રોતની તુલનામાં ચાંદીમાં ઓછું વળતર મળ્યું છે.
સેન્સેક્સ અને નિફ્ટીમાં 25 ટકાથી વધુ રિટર્ન
આર્થિક અનિશ્ચિતતા વચ્ચે શેરબજાર શેરબજાર એકંદરે આકર્ષક દેખાવ કરતા એક વર્ષ બાદ ફરી પોઝિટિવ રિટર્ન મળ્યું છે. નાણાંકીય વર્ષ 2023-24ના છેલ્લા ટ્રેડિંગ સેશન 28 માર્ચ, 20224ના રોજ સેન્સેક્સ 655 પોઇન્ટ ઉછળી 73651 બંધ થયો છે. તો વર્ષ પૂર્વે 31 માર્ચ, 2023ના રોજ સેન્સેક્સ 58991 બંધ થયો હતો. આમ છેલ્લા એક વર્ષમાં સેન્સેક્સ 14600 પોઇન્ટ વધ્યો છે. તો ટકાવારીની રીતે સેન્સેક્સમાં 25 ટકા રિટર્ન મળ્યું છે.
તેવી જ રીતે 28 માર્ચ, 2024ના રોજ એનએસઇ નિફ્ટી 203 પોઇન્ટ વધીને 22326 બંધ થયો છે. 31 માર્ચ 2023ના રોજ ક્લોઝિંગ લેવલ 17359 છે. આમ નાણાંકીય વર્ષ 2024માં નિફ્ટી 4968 પોઇન્ટ વધ્યો છે. તો ટકાવારીની રીતે નિફ્ટીમાં 28 ટકા રિટર્ન મળ્યું છે. કોરોના મહામારીના વર્ષને બાદ કરતા તે વર્ષ 2010 પછીનું સૌથી ઉંચુ વાર્ષિક રિટર્ન છે.
ઉલ્લેખનિય છે કે, 7 માર્ચ, 2024ના રોજ શેરબજાર બેન્ચમાર્ક સેન્સેક્સે 74245 ઐતિહાસિક ટોચ બનાવી હતી. વર્ષના છેલ્લા ટ્રેડિંગ સેશનના દિવસે બીએસઇની માર્કેટકેપ 386.97 લાખ કરોડ રૂપિયા હતી. તમને જણાવી દઇયે કે, અગાઉ નાણાંકીય વર્ષ 2022-23માં સેન્સેક્સ અને નિફ્ટીમાં નેગેટિવ રિટર્ન મળ્યું હતુ.
સોનું ₹ 69500 રેકોર્ડ હાઇ, વર્ષમાં 13 ટકા વળતર
સોના અને ચાંદીમાં સતત બીજા વર્ષે પોઝિટિવ રિટર્ન મળ્યું છે. અમદાવાદ ઝવેરી બજારમાં 28 માર્ચ, 2024ના રોજ સોનાના ભાવ 700 રૂપિયા વધ્યા છે. આ સાથે 10 ગ્રામ સોનાની કિંમત વધીને 69500 રૂપિયા થઇ છે, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. છેલ્લા 6 મહિનામાં વૈશ્વિક અને સ્થાનિક બજારમાં સોનાના ભાવ ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શ્યા છે. તો આજે ચાંદી 1000 રૂપિયા સસ્તી થઇ અને 1 કિલોની કિંમત 74000 રૂપિયા થઇ છે.
વર્ષ 2023-24માં સેન્સેક્સ, નિફ્ટી, સોના – ચાંદીના વળતર પર એક નજર
વિગત સોનું ચાંદી સેન્સેક્સ નિફ્ટી 28/3/2024 69500 74000 73651 22327 વૃદ્ધિ +8000 +2000 14660 4968 રિટર્ન +13% +3% +25% +28%
આ પણ વાંચો | શેરબજારમાં ટી+0 સેટલમેન્ટ 28 માર્ચથી શરૂ, બીએસઇ એ 25 સ્ટોકની યાદી જાહેર કરી; જાણો તમને કેવી રીતે ફાયદો થશે
જો વાર્ષિક ધોરણે ગણતરી કરીયે તો નાણાંકીય વર્ષ 2023-24માં 10 ગ્રામ સોના ની કિંમત 8000 રૂપિયા વધી છે. તો 1 કિગ્રા ચાંદીના ભાવ 2000 રૂપિયા વધ્યા છે. આમ રોકાણકારોને વાર્ષિક ધોરણે સોનામાં 13 ટકા અને ચાંદીમાં 3 ટકા રિટર્ન મળ્યું છે. નોંધનિય છે કે, અગાઉ નાણાંકીય વર્ષ 2022-23માં સોનામાં 15.6 ટકા અને ચાંદીમાં 6.6 ટકા રિટર્ન મળ્યું હતું.