Share Market Today News Highlight : શેરબજારમાં સાંકડી વધઘટના અંતે સોમવારે સેન્સેક્સ નિફ્ટી ઘટાડે બંધ થયા છે. સેન્સેક્સ 174 પોઇન્ટ ઘટી 82327 અને નિફ્ટી 58 પોઇન્ટ ઘટી 25227 બંધ થયો છે. સેશન દરમિયાન સેન્સેક્સની રેન્જ 82,438 થી 82,043 હતી. વૈશ્વિક બજારમાં નરમાઇ અને અમેરિકા ચીન વચ્ચે તણાવના લીધે માર્કેટ સેન્ટિમેન્ટ પ્રભાવિત થયું છે. બીએસઇ સ્મોલકેપ 231 પોઇન્ટ અને મિડકેપ 85 પોઇન્ટ ઘટ્યા હતા.
શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે મોટા ઘટાડે ખુલ્યા છે. સેન્સેક્સ 451 પોઇન્ટ ઘટી 82049 ખુલ્યો હતો. ટાટા ગ્રૂપ શેર અને આઈટી સ્ટોકમાં વેચવાલીથી માર્કેટ તૂટ્યુ હતું. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,285 સામે 100 પોઇન્ટથી વધુ ઘટીને આજે 25,177 ખુલ્યો હતો. ટ્રમ્પ ટેરિફ, ગાઝા શાંતિ સમિટ અને વૈશ્વિક આર્થિક અસ્થિરતાને કારણે બજાર પર દબાણ આવ્યું છે.
ટાટા કેપિટલ શેર લિસ્ટિંગ નિરાશાજનક, માત્ર 1 ટકા લિસ્ટિંગ ગેઇન
ટાટા કેપિટલ શેરનું લિસ્ટિંગ નિરાશાજનક રહ્યું છે. બીએસઇ પર ટાટા કેપિટલનું શેર લિસ્ટિંગ 330 રૂપિયાના ભાવે થયું છે, જ્યારે આઈપીઓ ઇશ્યુ પ્રાઇસ 326 રૂપિયા પ્રતિ શેર છે. આમ આઈપીઓ રોકાણકારોને ટાટા કેપિટલ શેર લિસ્ટિંગ પર માત્ર 1 ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યું છે. ટાટા કેપિટલનો 15511 કરોડ રૂપિયાનો આઈપીઓ 1.96 ગણો ભરાયો હતો.
એશિયાના તમામ શેરબજારો તૂટ્યા
સોમવારે એશિયાના તમામ શેરબજારો તૂટ્યા હતા. જાપાનીઝ શેરબજાર 491 પોઇન્ટ, હોંગકોંગ માર્કેટ 925 પોઇન્ટ, તાઇવાન 470 પોઇન્ટ તૂટ્યા હતા. તો શાંઘાઇ, કોરિયા, સિંગાપોર જેવા શેરબજારો પણ સામાન્ય ઘટીને ટ્રેડ કરી રહ્યા હતા. ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 151 પોઇન્ટ ઘટીને ટ્રેડ કરી રહ્યો હતો.