Share Market Today News Highlight : શેરબજાર રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ વચ્ચે સેન્સેક્સ નિફ્ટી સાધારણ વધીને બંધ થયા છે. સેન્સેક્સ 40 પોઇન્ટ વધી 83978 અને નિફ્ટી 41 પોઇન્ટ વધી 25763 બંધ થયો છે. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 84,127 થી 83,609 વચ્ચે હતી. ચલણી શેરમાં લેવાલીથી મિડકેપ અને સ્મોલકેપ નોંધપાત્ર વધ્યા હતા. વોડાફોન આઈડિયાનો શેર 10 ટકા ઉછાળે બંધ થયો છે.
સેન્સેક્સ નિફ્ટી વૈશ્વિક બજારોના નબળાં સંકેતના પગલે સોમવારે નકારાત્મક ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 83,938 લેવલ સામે 97 પોઇન્ટ ઘટી સોમવારે 83,835 ખુલ્યો હતો. શેરબજારમાં વેચવાલીના દબાણથી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 250 પોઇન્ટ ઘટી 83700 લેવલ નીચે ઉતરી ગયો હતો. તો એનએસઇ નિફ્ટી સાધારણ ઘટીને 25697 ખુલ્યો હતો.
ડોલર 3 મહિનાની ટોચ પર, યુએસ ડેટા પર નજર
સોમવારે યુએસ ડોલર 3 મહિનાની ટોચ પર પહોંચી ગયો છે, કારણ કે રોકાણકારોની નજર ચાલુ અઠવાડિયે જાહેર થનાર અમેરિકાના આર્થિક આંકડાઓ પર છે, જેથી યુએસ ઇકોનોમીની પરિસ્થિતિ જાણી શકાશે. તેનાથી યુએસ ઇકોનોમી પોલિસી નક્કી થશે. જાપાનમાં આજે રજા હોવાથી એશિયન બજારો નરમ છે. યુએસ ડોલર સામે યેન સાડા 8 મહિના અને યુરો 3 મહિનાની નીચી સપાટી પર છે.
ક્રૂડ ઓઇલ અને સોનામાં તેજી
શેરબજારોમાં નરમાઇ વચ્ચે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ અને સોના ચાંદીમાં તેજીનો માહોલ હતો. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ અડધો ટકો વધી 65 ડોલર પ્રતિ બેરલ ઉપર બોલાય છે. તો વૈશ્વિક બજારમાં સોનાના ભાવ 4000 ડોલરની સપાટી ફરી કુદાવી ગયા છે અને 10 ડોલર વધીને 4014 ડોલર પ્રતિ ટ્રોંય ઔંસ પર ટ્રેડિંગ કરી રહ્યો છે.





