Investment Strategy in Bullish Share Market: શેર બજારો ઊંચા સ્તરે હોય ત્યારે રોકાણકારોએ શું કરવું જોઈએ: શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સતત નવી ઊંચાઈ સપાટીએ પહોંચી રહ્યા છે. સોમવારે શેર બજારના મુખ્ય બ્લૂચિપ ઈન્ડેક્સ નિફ્ટી (નિફ્ટી 50)એ ફરી એકવાર ઓળટાઇમ હાઇ લેવલ બનાવ્યું હતું. બીએસઇ સેંસેક્સ પણ સતત 80000 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. શેરબજાર સતત નવી ઊંચાઈએ જતું હોય તેવા માહોલમાં રિટેલ રોકાણકારોએ શું કરવું જોઈએ? શું તેમણે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ અથવા ઈન્વેસ્ટમેન્ટ વેલ્યૂ વધવાની રાહ જોવી જોઈએ? તેજીના માહોલમાં નાના રોકાણકારો માટે યોગ્ય રણનીતિ શું હશે? આ સવાલનો જવાબ સારી રીતે સમજવા માટે પહેલાં શેરબજારની તેજીને સમજવી જરૂરી છે.
નિફ્ટી અને સેન્સેક્સની નવી ઊંચાઈઓ શું છે?
સેન્સેક્સ 80500ની ઉપર જાય કે નિફ્ટી 24500ને પાર કરે, માર્કેટના આ આંકડા તમને આકર્ષક દેખાય છે, કારણ કે તમારા રોકાણનું મૂલ્ય વધે છે. એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં સેન્સેક્સ અને નિફ્ટી જેવા બ્લૂ-ચિપ ઇન્ડેક્સ કરતાં વધુ ઉછાળો જોવા મળે છે. છેલ્લા એક વર્ષ દરમિયાન સેન્સેક્સ લગભગ 21 ટકા વધ્યો છે, જ્યારે નિફ્ટી 50માં લગભગ 25 ટકાનો ઉછાળો આવ્યો છે. તેની સરખામણીમાં બીએસઈના સ્મોલ કેપ ઈન્ડેક્સ (એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ)માં છેલ્લા 1 વર્ષમાં લગભગ 59 ટકા અને નિફ્ટીના સ્મોલ કેપ 100 ઈન્ડેક્સમાં 67 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. આ તમામ આંકડા દર્શાવે છે કે ચોક્કસ સમય દરમિયાન ઇન્ડેક્સમાં સમાવિષ્ટ તમામ સ્ટોકની વૃદ્ધિની સરેરાશ કેટલી છે. આ આંકડા રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર કરે છે.

શેરબજારની ટોચે પ્રોફિટ બુકિંગ કોની માટે યોગ્ય છે?
શેરબજાર આટલી ઊંચાઈએ પહોંચવાનો અર્થ એ છે કે ઘણા બધા રોકાણકારો તેમના રોકાણ પર મોટો નફો કરશે. તો શું તેઓએ તેમના શેર વેચીને પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ? ખરેખર, જો તમે રોકાણકારોની નીચેની કોઈપણ કેટેગરીમાં આવતા હોવ તો આમ કરવામાં કોઈ નુકસાન નથી:
જે રોકાણકારો ઘણા લાંબા સમયથી રોકાણની તૈયારી વિના બજારમાં આવ્યા હતા અને હવે સારો નફો કર્યો છે.
લાંબા ગાળાના રોકાણકારો કે જેઓ 5-10 વર્ષથી સતત રોકાણ કરી રહ્યા છે અને હવે તેમના ઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને પહોંચી વળવા માટે પૂરતી કમાણી કરી ચૂક્યા છે, તેઓ તેમના પોર્ટફોલિયોનો અમુક હિસ્સો (તેમની વ્યૂહરચના અનુસાર 10 થી 25 ટકા સુધીનો) ઇક્વિટીમાંથી ડેટ અથવા અન્ય કોઈ ફિક્સ્ડ રિટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ તરફ ખસેડી શકે છે.
આમ કરવાથી તેમના રોકાણ પરનું જોખમ પણ ઘટશે અને સાથે જ બજારમાં વધુ કરેક્શન આવે ત્યારે રોકાણની નવી તકો ઊભી થાય તો તેઓ તેનો ઉપયોગ પણ કરી શકશે.
જો કોઈ રોકાણકારે હોમ લોન ચૂકવી, ઘરના ડાઉન-પેમેન્ટ માટે નાણાં જમા કરાવીને અથવા કોઈ ચોક્કસ ટાર્ગેટ પર ધ્યાન કેન્દ્રિત કરીને રોકાણ કર્યું હોય અને હવે તેમના લક્ષ્ય પૂર્ણ થઈ રહ્યું છે, તો તેમના માટે પૈસા ઉપાડવાની આ એક સારી તક હોઈ શકે છે.
જે રોકાણકારોના પસંદગીના શેરો અથવા ઇક્વિટી ફંડો અપેક્ષા મુજબ નબળો દેખાવ કરતા રહે છે તેઓ પણ તેમના પોર્ટફોલિયોને સમાયોજિત કરવા માટે આ તેજીના માહોલનો ફાયદો ઉઠાવી શકે છે.
સ્ટોક માર્કેટની તેજીને કારણે જે રોકાણકારોના પોર્ટફોલિયોમાં ઇક્વિટીનો નોંધપાત્ર હિસ્સો છે તેઓ તેમની એસેટ એલોકેશનને સંતુલિત કરવા માટે થોડો નફો બુક કરાવી શકે છે અને તે નાણાંને તેમની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અનુસાર અન્ય એસેટ્સમાં મૂકી શકે છે.

પ્રોફિટ બુકિંગ બધા માટે યોગ્ય નથી
- તેજી હોવા છતાં તમામ રોકાણકારો માટે નફા વસૂલીનો વિકલ્પ યોગ્ય કહી શકાય નહીં.
- પ્રોફિટ બુકિંગ માટે ઉપર જણાવેલા કારણોના દાયરામાં ન આવતા તમામ રોકાણકારોએ માર્કેટમાં જ રહેવું જોઈએ.
- ટૂંકા ગાળાના રોકાણકારો કે જેમણે એક કે બે વર્ષ પહેલાં એસઆઈપી દ્વારા નિયમિત રોકાણ શરૂ કર્યું હતું, તેઓએ તેમની રોકાણ યાત્રાને વળગી રહેવું જોઈએ.જે રોકાણકારોના ઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હજુ સુધી પૂર્ણા થયા નથી અને આગામી કેટલાક વર્ષોમાં તે પૂર્ણ થવાની ધારણા છે, તેમના માટે બજારમાં રહેવું પણ એક સારો વિકલ્પ છે.
આ પણ વાંચો | જોઇન્ટ હોમ લોન લઇ ઘર ખરીદવું છે? હોમ લોન માટે અરજી કરતા પહેલા આ 7 વાત ધ્યાનમાં રાખો
લાગણીમાં આવી રોકાણ સંબંધિત નિર્ણય લેવા નહીં
સૌથી મોટી વાત એ છે કે જો તમે ઇક્વિટીમાં રોકાણ કરો છો, તો તમારે તમારા ટાર્ગેટ ધ્યાનમાં રાખીને તમારા શેરબજાર રોકાણના નિર્ણયો લેવા જોઈએ. નિફ્ટી, સેન્સેક્સ કે અન્ય કોઇ મોટો ઇન્ડેક્સ નવી ઊંચાઇએ પહોંચે તો તે સેન્ટિમેન્ટ્સની દ્રષ્ટિએ રોમાંચક બની શકે છે, પરંતુ તમારા નાણાકીય નિર્ણયો માત્ર લાગણીઓ જ નહીં, પરંતુ સાચા તથ્યો, તર્ક અને વ્યૂહરચના પર આધારિત હોવા જોઈએ.





