Share Market Today News Highlight : શેરબજાર સતત પાંચમાં દિવસે વધીને બંધ થયા છે. બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામમાં એનડીએ ગઠબંધનની જીતના સંકેતથી સેન્સેક્સ 84 પોઇન્ટ વધી 84562 બંધ થયો છે. એનએસઇ નિફ્ટી 31 પોઇન્ટના સુધારામાં 25910 બંધ થયો છે. આમ તો સેન્સેક્સ 400 પોઇન્ટથી વધુ ઘટાડે 84060 ખુલ્યો હતો. પરંતુ ત્યારબાદ બેંક અને ફાઈનાન્સ શેરમાં તેજી અને બિહાર ચૂંટણીમાં એનડીએની જીતના જુસ્સાથી સેન્સેક્સ વધીને 84,697 ઇન્ટ્રા-ડે ટોચ સુધી પહોંચ્યો હતો. નિફ્ટીની ઇન્ટ્રા ડે ટ્રેડિંગ રેન્જ 25,940 થી 25,740 હતી.
સેન્સેક્સ નિફ્ટી શુક્રવારે મોટા ઘટાડે ખુલ્યા હતા. વૈશ્વિક બજારોના નબળાં સંકેત અને બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામમાં એનડીએની જીત અંગે અનિશ્ચિતતાના પગલે ભારતીય શેરબજાર દબાણ હેઠળ હતા. સેન્સેક્સ પાછલા બંધ 84,478 સામે 418 પોઇન્ટ ઘટીને આજે 84,060 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,879 લેવલની સામે આજે 112 પોઇન્ટ ઘટી 25,767 ખુલ્યો છે.
ફેડ વ્યજદર ઘટાડામાં અનિશ્ચિતતાથી યુએસ માર્કેટ ઘટ્યા
ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડા વિશે અનિશ્ચિતતા તથા ટેકનોલોજી શેરમાં મોંઘી વેલ્યૂએશનના કારણે અમેરિકન બજાર તૂટ્યા છે. તેની અસરે શુક્રવારે એશિયન બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે યુએસ માર્કેટનો એસએન્ડપી 500 ઇન્ડેક્સ 1.7 ટકા અને નાસ્ડેક 100 ઇન્ડેક્સ 2.1 ટકા ઘટીને બંધ થયો છે. શુક્રવારે પાઉન્ડ પર માર્કેટની નજર રહેશે. માર્કેટ રિપોર્ટ મુજબ બ્રિટનના ચાન્સેલર રેચલ રીવ્સ આવકવેરો વધારવાની યોજના ટાળી શકે છે. અમેરિકામાં 43 દિવસનું શટડાઉન સમાપ્ત થયા બાદ તેના આર્થિક આંકડાઓ પર નજર રહેશે. આ દરમિયાન ડિસેમ્બરમાં ફેડ રેટ ઘટવાની સંભાવના 50 ટકાથી નીચે આવી ગઇ છે.
એશિયન બજારો તૂટ્યા, જાપાન માર્કેટમાં 800 પોઇન્ટનો કડાકો
ગ્લોબલ માર્કેટના નબળાં સંકેતના લીધે શુક્રવારે મોટાભાગના એશિયન બજારોમાં મંદીનો માહોલ હતો. જાપાનના નિક્કેઇ શેરબજારમાં 800 પોઇન્ટનો કડાકો બોલાયો હતો. હોંગકોંગ બજાર 300 પોઇન્ટ, તાઇવાન 300 પોઇન્ટ, કોરિયન માર્કેટ 90 પોઇન્ટ અને સિંગાપોર શેરબજાર 40 પોઇન્ટ ઘટાડે ટ્રેડ કરી રહ્યા છે.





