Share Market Today News Highlight : શેરબજારમાં ગુરવારે રિકવરી જોવા મળી અને સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર વધીને બંધ થયા હતા. સેન્સેક્સ 398 પોઇન્ટ વધીને 82172 અને નિફ્ટી 135 પોઇન્ટ વધી 25181 બંધ થયો છે. સેન્સેક્સની ઇન્ટ્રા-ડે રેન્જ 82,247 થી 81,667 રહી હતી. ટાટા ગ્રૂપના શેર અને આઈટી સ્ટોક વધતા બજાર સુધર્યું હતું. શેરબજારમાં સુધારા પાછળ વિદેશી રોકાણકારોની લેવાલી અને ક્રૂડ ઓઇલમાં નરમાઇ એ મોટી ભૂમિકા ભજવી છે.
શેરબજાર ગુરુવારે સકારાત્મક ખુલ્યા હતા. સેન્સેક્સ 125 પોઇન્ટ વધી 81900 ખુલ્યો હતો. માર્કેટ ટ્રેડિંગની શરૂઆતમાં જ સેન્સેક્સ 200 પોઇન્ટ સુધી વધ્યો હતો. એનએસઇ નિફ્ટી 30 પોઇન્ટ વધી 25,074 ખુલ્યો હતો.
એશિયન બજારો મજબૂત
એશિયન બજારોમાં પણ એકંદરે મજબૂત વલણ જોવા મળ્યું હતું. કોરિયા અને હોંગકોંગને બાદ કરતા એશિયાના મોટાભાગના શેરબજાર વધ્યા હતા. જાપાન શેરબજારનો બેન્ચમાર્ક નિક્કેઇ 600 થી વધુ ઉછળ્યો હતો. ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 100 પોઇન્ટ વધીને ટ્રેડિંગ કરી રહ્યો હતો.
ક્રૂડ ઓઇલ નરમ, ભૂરાજકીય તણાવ ઓછું થવાની અપેક્ષા
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવાની યોજનાના પ્રથમ તબક્કા પર સહમતી બન્યા બાદ ગુરુવારે શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં ક્રૂડ ઓઇલમાં ઘટાડો થયો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો 51 સેન્ટ ઘટીને 65.74 ડોલર પ્રતિ બેરલ બોલાયો હતો. તો યુએસ ક્રૂડ વાયદો 55 સેન્ટ ઘટીને 62 ડોલર પ્રતિ બેરલ થયો હતો. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં શાંતિ યોજના પર સહમતી બન્યા બાદ ક્રૂડ ઓઇલના વોર રિસ્ક પ્રીમિયમ પર દબાણ આવ્યું છે અને રોકાણકારો વેચવાલી કરી હતી.