Gold Silver Price News In Gujarati : સોના ચાંદીના ભાવ સતત ઐતિહાસિક ટોચે પહોંચી રહ્યા છે. વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ 14 વર્ષના ઉંચા સ્તરે પહોંચ્યા છે. ભારતીય બજારોમાં ચાંદીના ભાવ 1.30 લાખ રૂપિયા પ્રતિ 1 કિલો આસપાસ બોલાઇ રહ્યા છે, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. બુલિયન એનાલિસ્ટો ચાંદીમાં બુલિશ વ્યૂ આપી રહ્યા છે. એનાલિસ્ટોએ ચાંદીના ભાવ 1.50 લાખ રૂપિયા પ્રતિ 1 કિલો થવાની આગાહી કરી છે. ચાલો જાણીયે ચાંદીના ભાવ આગામી દિવસમાં કેટલા અને કેમ વધશે?
ચાંદીનો ભાવ 1.5 લાખ રૂપિયા થવાની આગાહી
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે કહ્યું કે, ચાંદીની કિંમત આગામી 12 થી 15 મહિનામાં 1.35 લાખ થી 1.50 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચવાની અપેક્ષા છે. વૈશ્વિક બજારમાં પર ચાંદીની કિંમત 45 થી 50 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ સુધી પહોંચી શકે છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે, વધતી ઔદ્યોગિક માંડ ખાસ કરીને ગ્રીન ટેક્નોલોજીની માંગ અને રોકાણકારોની ખરીદીથી ચાંદીની કિંમતમાં તેજી ચાલુ રહેવાની અપેક્ષા છે. અલબત્ત ચાંદીના દાગીનાની માંગ એકંદરે નરમ છે.
ચાંદીના ભાવ કેમ વધશે?
મોતીલાલ ઓસ્વારે ચાંદીમાં રોકાણ કરવાની સલાહ આપી છે. બ્રોકરેજ ફર્મે પોતાની નવી રિપોર્ટમાં જણાવ્યું છે કે, રોકાણકારો ચાંદીના ભાવ ઘટે ત્યારે રોકાણ કરી શકે છે. તેનું કારણ ચાંદીની વધતી ઔદ્યોગિક માંગ છે. ચાંદીની માંગ તેની સપ્લાય કરતા વધારે છે. આથી ચાંદીની કિંમતમાં તેજી ચાલુ રહેવાની અપેક્ષા છે.
સતત પાંચમાં વર્ષે ચાંદીની સપ્લાય માંગ કરતા ઓછી
ચાંદીમાં વેપારમાં સ્ટ્રક્ચરલ સપ્લાય ડેફિસિટની અસર દેખાઇ રહી છે. આ સતત પાંચમું વર્ષ છે જ્યારે ચાંદીની સપ્લાય માંગ કરતા ઓછી છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, ભૂરાજકીય તણાવ અને યુએસ ડોલરમાં નબળાઇથી ચાંદીની ચમક વધી છે. આ મહિને અમેરિકાની મધ્યસ્થ બેંક ફેડરલ રિઝર્વ વ્યાજદર ઘટાડે તેવી અપેક્ષા છે. તેનાથી સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવ વધશે.
Silver ETF માં વિક્રમી રોકાણ
રોકાણલક્ષી ગતિવિધિથી પણ ચાંદીના ભાવને સપોર્ટ મળ્યો છે. દુનિયાભરમાં સિલ્વર ઇટીએફ અને મ્યુચ્યુઅલ ફંડની સિલ્વર સ્કીમોમાં વિક્રમ રોકાણ આવી રહ્યું છે.સાઉદી અરબની મધ્યસ્થ બેંકે સિલ્વર લિંક્ડ ઇટીએફમાં 4 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. રશિયાની સરકારે ચાંદી અનામત ભંડોળમાં 53.5 કરોડ ડોલરની ફાળવણી કરી છે. ભારતમાં ચાંદીની આયાત ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં 3000 ટનથી વધારે થઇ છે.
(Disclaimer : Indian Express Gujarati કોઇ પણ પ્રકારના રોકાણની સલાહ આપતું નથી. અહીં આપેલા મંત્વય અને સલાહ એક્સપર્ટ્સના અંગત વિચારો છે. બજાર જોખમને આધિન છે. આથી નાણાકીય અને રોકાણ સંબંધિત કોઇ પણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી.)