Silver Price Hits 1 Lakh Soon: ચાંદીના ભાવ આઉટલુક: ચાંદી એ રોણકારોને ચાંદી ચાંદી કરાવી છે. વર્ષમાં 2024 ચાંદી એ સોનાને પાછળ રાખ્યું છે . 2024માં ચાંદીમાં 18 ટકાનો વધારો થયો છે અને ભાવ ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. બુલિયન એક્સપર્ટ્સ હવે ચાંદી 1 લાખ રૂપિયા પ્રતિ કિલો થવાની આગાહી કરી રહ્યા છે. સ્થાનિક અને વૈશ્વિક સ્તરે ચાંદીના ભાવને ઘણા પરિબળો પણ ટેકો આપી રહ્યા છે. ખાસ કરીને વધતી જતી ઔદ્યોગિક માંગ અને ભૌગોલિક રાજકીય તણાવ ચાંદીની તેજીને ટેકો આપી રહ્યા છે.
ચાંદી કેમ વધશે (Silver Price Outlook)
એચડીએફસી સિક્યુરિટીના કોમોડિટી અને કરન્સીના વડા અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરમાં રેટ કટની વધતી અપેક્ષાઓને કારણે તાજેતરના દિવસોમાં ચાંદીમાં મજબૂત વધારો જોવા મળ્યો છે. વધુમાં, ઔદ્યોગિક ધાતુઓમાં તાજેતરના સમયમાં તેજી જોવા મળી છે, જે વૈશ્વિક ઉત્પાદન પ્રવૃત્તિમાં વૃદ્ધિને આભારી છે. આ સકારાત્મક ઘટનાક્રમો એ પણ ચાંદીના ભાવ વધારામાં યોગદાન આપ્યું છે.
તેઓ ઉમેરે છે કે, જો આપણે માંગના દૃષ્ટિકોણની ચર્ચા કરીએ તો, ગ્રીન એનર્જીને ઝડપથી અપનાવવાને કારણે ચાંદીની ઔદ્યોગિક માંગ વધી રહી છે. સિલ્વર ઇન્સ્ટિટ્યૂટના પ્રારંભિક અંદાજો જણાવે છે કે ચાંદીની વૈશ્વિક ઔદ્યોગિક માંગ વિક્રમી ઊંચી સપાટીએ પહોંચશે, જે એક મોટો બજાર તફાવત ઉભો કરશે.
ચાંદીમાં અન્ય એસેટ ક્લાસને પાછળ રાખવાની ક્ષમતા છે. લાંબા ગાળાના ફંડામેન્ટલ્સ ચાંદી માટે પોઝિટિવ છે, કારણ કે વૈશ્વિક માંગ પુરવઠા કરતાં વધી જવાની શક્યતા છે, જે ભાવને ટેકો આપશે.

ચાંદીમાં રોકાણ કરવાની વ્યૂહરચના બનાવો (Silver Investment)
અનુજ ગુપ્તા કહે છે કે, લેવલ સ્પેસિફિક આઉટલૂકમાં કોમેક્સ ચાંદી ટૂંકા ગાળામાં 34 ડોલર થી 36 ડોલર પ્રતિ ઔંસ સુધી વધી શકે છે. 36 ડોલરના લેવલની ઉપર નિર્ણાયક બ્રેકઆઉટ 42 ડોલર સુધી લઇ જશે અને તેનાથી પણ વધુ ઉંચે જવાની શક્યતા છે. ચાંદી 26.0 / 24.80 ડોલર ઉપર સપોર્ટ છે.
રોકાણકારો અને ટ્રેડરોએ ચાંદીમાં રોકાણ જાળવી રાખવું જોઈએ અને નવું રોકાણ કરવું જોઈએ, કારણ કે ચાંદીમાં તેજીનું વલણ મક્કમ દેખાય છે અને તે ચાલુ રહેવાની શક્યતા છે. જોકે, ટ્રેડરોએ સ્ટોપ લોસ સાથે ટ્રેડિંગ કરવું જોઈએ કારણ કે ટૂંકા ગાળામાં વોલેટિલિટી વધવાની શક્યતા છે. 2024ના અંત સુધીમાં ચાંદી 100000 રૂપિયા પ્રતિ કિલોગ્રામનું લેવલ બતાવી શકે છે.
ચાંદી 1 લાખ થશે
કામા જ્વેલરીના એમડી કોલિન શાહ કહે છે કે, આ વર્ષે ચાંદીના ભાવે સોના કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં ચાંદીમાં લગભગ 18 ટકાનો ભાવ વધારો થયો છે. કિંમતી ધાતુ હોવા ઉપરાંત અને ઓરનામેન્ટલ વેલ્યૂ હોવા ઉપરાંત, ચાંદીને ઔદ્યોગિક ધાતુ પણ ગણવામાં આવે છે. ચાંદી એ ઇલેક્ટ્રિક વાહનો, સોલાર પેનલ્સ અને 5G એન્ટેના સહિત અન્ય પ્રોડક્ટ્સ માટે આવશ્યક કાચો માલ છે, જે આગામી વર્ષમાં માંગમાં સતત વધારાને કારણે વૈશ્વિક અર્થતંત્રને આગળ ધપાવશે તેવી અપેક્ષા છે. વર્તમાન ભૌગોલિક-રાજકીય તણાવ, આર્થિક અનિશ્ચિતતા, ફુગાવો, મજબૂત ઔદ્યોગિક માંગ અને વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષાઓને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં ચાંદી ના ભાવ ઝડપથી વધી રહ્યા છે. આગળ મજબૂત તેજીની સંભાવના છે, જેમાં વર્તમાન પરિસ્થિતિઓના સમર્થનથી 2024ના અંત સુધીમાં ચાંદી 100000 લેવલ કુદાવી આંકને પાર કરી શકે છે.
(નોંધ: અહીં અમે નિષ્ણાતો સાથેની ચર્ચાઓના આધારે રોકાણની સલાહ આપી છે. આ ગુજરાતી ઈન્ડિયન એક્સપ્રેસના અંગત મંતવ્યો નથી. બજાર જોખમને આધિન છે, તેથી નિષ્ણાતોની સલાહ લીધા પછી જ રોકાણ કરો.)





