થાપણદારો, પીએફ ધારકો તેમજ સિનિયર સિટીઝન માટે ખુશના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ, કિસાન વિકાસ પત્ર, સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત વિવિધ નાની બચત યોજનાના વ્યાજદર વધારી થાપણદારો અને સિનિયર સિટીઝનને નવા વર્ષની ભેટ આપી છે. નાણાં મંત્રાલયે વિવિધ નાની બચત યોજનાઓના વ્યાજદરમાં 0.20 ટકાથી લઇને 1.10 ટકા સુધીનો વધારો કર્યો છે. આ સાથે હવે આવી વિવિધ બચત યોજનાઓન વ્યાજદર હાલ 4 ટકાથી લઇને 7.6 ટકા સુધી આવી ગયા છે.
કઇ બચત યોજનાના વ્યાજદરમાં કેટલો વધારો થયો
સરકાર દર ત્રિમાસિકમાં વિવિધ નાની બચત યોજનાઓના વ્યાજદરની સમીક્ષા કરે છે. જેના અનુસંધાનમાં સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદરમાં 0.20 ટકાથી લઇને 1.10 ટકા સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. એક વર્ષ, બે વર્ષ અને ત્રણ વર્ષની મુદ્દતી થાપણોના વ્યાજદરમાં સૌથી વધુ 1.1 ટકાનો વધારો કરાયો છે. તો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમના વ્યાજદર 0.40 ટકા વધારીને 8 ટકા કર્યા છે જે અત્યાર સુધી 7.6 ટકા હતા. અલબત્ત સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના, બચત થાપણો, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમના વ્યાજદરમાં કોઇ વધારો કરાયો નથી.

સતત બીજા ત્રિમાસિકમાં વ્યાજદર વધ્યા
કેન્દ્ર સરકારે સતત બીજા ત્રિમાસિકમાં નાની બચત યોજનાઓના વ્યાજદર વધાર્યા છે. નોધનિય છે કે, અગાઉ સતત નવ ક્વાર્ટર સુધી સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદર સ્થિર રાખ્યા બાદ ઓક્ટોબર-ડિસેમ્બર 2022માં આ લોકપ્રિય બચત યોજનાઓના વ્યાજદરોમાં 0.1 ટકાથી 0.30 ટકા સુધીનો વધારો કર્યો હતો.

રસપ્રદ બાબત એ છે કે, મોંઘવારીને ડામવા માટે રિઝર્વ બેન્કે એપ્રિલ 2022 બાદ રેપોરેટમાં બે ટકાથી વધારે વધારો કર્યો છે, જેની અસર હોમ લોન, ઓટો લોન સહિતની વિવિધ લોનના વ્યાજદરમાં બેન્કો ધરખમ વધારો કર્યો છે. જો કે બીજી બાજુ બેન્કોએ થાપણોના વ્યાજદરમાં આટલા પ્રમાણમાં વધારો કર્યો નથી.