Fast Charging Benefits And Disadvantages : સ્માર્ટફોન સાથે બેટરી ચાર્જર પણ બહુ એડવાન્સ ટેકનોલોજી સાથે આવે છે. આજકાલ સ્માર્ટફોન કંપનીએ બેટરી ચાર્જિંગ વિશે મોટા મોટા દાવા કરે છે. અમુક કંપનીઓ કહે છે કે, તેમનો ફોન 15 મિનિટમાં 50 ટકા ચાર્જ થઇ જાય છે, તો અમુક બ્રાન્ડના મોબાઇલ 30 મિનિટમાં 100 ટકા ફુલ ચાર્જ થવાનો દાવો કરે છે. આ ટેક્નોલોજીને ફાસ્ટ ચાર્જિંગ કહેવાય છે.
ફાસ્ટ ચાર્જિંગથી ઓછા સમયમાં સ્માર્ટફોન ફુલ ચાર્જ થઇ જાય છે. જો કે ઘણી વખત સવાલ થાય છે કે, ફાસ્ટ ચાર્જિંગ થી સ્માર્ટફોનની બેટરીને નુકસાન થાય છે કે નહીં? તો ચાલો જાણીયે ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે અને તેની સ્માર્ટફોનની બેટરી પર કેવી અસર થાય છે.
ફાસ્ટ ચાર્જિંગની કામગીરી અન્ય સામાન્ય ચાર્જિંગથી અલગ હોય છે. સાધારણ ચાર્જર બેટરીને ધીમે ધીમે પાવર સપ્લાય કરે છે, જ્યારે ફાસ્ટ ચાર્જર હાઇ વોલ્ટેજ અને વધારે વીજળી બેટરીમાં સપ્લાય કરે છે. તેનાથી ઓછા સમયમાં બેટરી ઝડપથી ચાર્જ થઇ જાય છે. તમે જોયું હશે કે, નવા ફોન 15 થી 20 મિનિટમાં 50 ટકાથી વધુ ચાર્જ થઇ જાય છે. પરંતુ ફાસ્ટ ચાર્જિંગથી સ્માર્ટફોનની બેટરી બહુ ઝડપથી ગરમ થાય છે.
બેટરીનું સૌથી મોટું દુશ્મન હોય છે ગરમી. જ્યારે બેટરી પર વધારે દબાણ પડે છે અને તે સતત ઓવરહીટ થાય ત્યારે બેટરી લાઇફ ધીમે ધીમે ઘટવા લાગે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએથી જોઇયે તો પ્રત્યેક લિથિયમ આયન બેટરીની ચાર્જિંગ સાઇકલ હોય છે, એટલે કે તે ઘણી વખત ચાર્જ અને ડિસ્ચાર્જ થઇ શકે છે. ફાસ્ટ ચાર્જિંગના કારણે બેટરી બહુ ગરમ થાય છે અને આ ચાર્જિં સાઇકલ સામાન્ય ગતિ કરતા ઝડપથી થાય છે. પરિણામ સમય પહેલા બેટરીની ક્ષમતા ઘટવા લાગે છે અને ફોન પહેલા જેવું પર્ફોર્મન્સ પર આપતું નથી.
જો કે, એવું કહેવું યોગ્ય નહીં હોય કે, ફાસ્ટ ચાર્જિંગ સંપૂર્ણપણે ખતરનાક છે. મોબાઇલ કંપનીઓ આજકાલ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ અને થર્મલ કન્ટ્રોલ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જેથી બેટરી પર ઓછામાં ઓછું દબાણ આવે. આ કારણસર જ આધુનિક સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જિંગ થવા છતાં બેટરી ઝડપથી ખરાબ થતી નથી.
જો તમે દરરોજ એક થી વધારે વખત ફાસ્ટ ચાર્જિંગનો ઉપયોગ કરો છો, તો ફોનને ચાર્જિંગ દરમિયાન વધારે ગરમ થવા દો છો અથવા હંમેશા 0% થી 100% સુધી ફાસ્ટ ચાર્જ કરો છો, તો બેટરી લાઇફ ચોક્કસપણ ઘટી શકે છે.
એક્સપર્ટ્સ માને છે કે, બેટરીની હેલ્થ જાળવી રાખવા માટે અમુક સાવચેતી રાખવી જરૂરી છે. જો તમારી પાસે સમય હોય તો હંમેશા નોર્મલ ચાર્જરનો ઉપયોગ કરો અને ફાસ્ટ ચાર્જિંગ માત્ર ત્યારે જ કરો તેની જરૂર હોય. ઉપરાંત ચાર્જ કરતી વખતે મોબાઇલનો ઉપયોગ કરવો નહીં અને તેને હંમેશા ઠંડી જગ્યા પર મૂકો જેથી વધારે ગરમ થાય નહીં
સરળ ભાષામાં સમજીયે તો ફાસ્ટ ચાર્જિંગ સુવિધા જરૂરી છે પરંતુ તેનો વધારે ઉપયોગ બેટરી હેલ્થ પર નકારાત્મક અસર કરે છે. સ્માર્ટફોનને લાંબા સમય સુધી સારા બેક અપ સાથે ચલાવવા માટે બેટરીને સંતુલીત રીતે ચાર્જ કરવી જ શ્રેષ્ઠ રીત છે.