Gold Bonds : સરકાર વેચી રહી છે સસ્તુ સોનું : સોવરિન ગોલ્ડ બોન્ડ શું છે, કેટલું અને કેવી રીતે રોકાણ કરી શકાય? જાણો

Sovereign Gold Bonds : સોવરિન ગોલ્ડ બોન્ડ એ ઓછી કિંમત અને રકમ સાથે સોનું ખરીદવાની એક ઉત્તમ તક છે. જેમાં રોકાણકારને કરમુક્તિનો પણ લાભ મળે છે.

Sovereign Gold Bonds : સોવરિન ગોલ્ડ બોન્ડ એ ઓછી કિંમત અને રકમ સાથે સોનું ખરીદવાની એક ઉત્તમ તક છે. જેમાં રોકાણકારને કરમુક્તિનો પણ લાભ મળે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gold

SGB: સોવરિન ગોલ્ડ બોન્ડમાં ઓછામાં ઓછું 1 ગ્રામ સોનું રોકાણ કરવું જરૂરી છે.

Sovereign Gold Bonds investment tips : સરકાર ફરી એકવાર બજાર દર કરતાં સસ્તું સોનું ખરીદવાની તક આપવા જઈ રહી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) 19 જૂને સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2023-24ની પ્રથમ સિરિઝ શરૂ કરશે, જે 23 જૂન સુધી રોકાણ કરવા માટે ખુલ્લી રહેશે. તેવી જ રીતે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2023-24ની બીજી સિરિઝ સપ્ટેમ્બરમાં લાવશે. સોવરિન બોન્ડની બીજી સિરિઝ 11 સપ્ટેમ્બરે ખુલશે અને 15 સપ્ટેમ્બરે બંધ થશે. તેની ઇશ્યૂ તારીખ 20 સપ્ટેમ્બર 2023 હશે. અલબત્ત, હાલ તો સોવરિન બોન્ડની પ્રથમ સિરિઝ માટેના સોનાનો ભાવ નક્કી કરવામાં આવ્યો નથી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં સરેરાશ બજાર દર કરતાં તે થોડાક ઓછા રહેવાનો અંદાજ છે. એક્સપર્ટ્સ સોનામાં રોકાણ કરવા માટે સોવરિન ગોલ્ડ બોન્ડને વધુ સારો વિકલ્પ માને છે.

Advertisment

તમને જણાવી દઇયે કે, RBI ભારત સરકાર વતી સોવરિન ગોલ્ડ બોન્ડ જારી કરે છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ સમયાંતરે એક ચોક્કસ સમયગાળા માટે જારી કરવામાં આવે છે. આ સ્કીમ હેઠળ તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને પદ્ધતિઓ દ્વારા સોનું ખરીદી શકો છો. ખાસ વાત એ છે કે ગોલ્ડ બોન્ડ જીએસટીના દાયરામાં સામેલ નથી. આ ગોલ્ડ બોન્ડમાં ચોક્કસ વળતર પણ મળશે. તેમાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે, જે તમારા માટે જાણવું જરૂરી છે.

સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાના ફાયદા

સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં પાકતી મુદતનો સમયગાળો 8 વર્ષનો હોય છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના પર સોનાના ભાવમાં વૃદ્ધિ ઉપરાંત રોકાણકારોને દર વર્ષે 2.5 ટકાનું વધારાનું વ્યાજ મળે છે. તે સોનાના ભાવમાં મોટી વધ-ઘટ દરમિયાન રોકાણકારોને રક્ષણ આપે છે. ગોલ્ડ બોન્ડને પાકતી મુદ્દત રિડીમ કરવાથી તે સમયે 99.9 શુદ્ધતાવાળા સોનાની કિંમત જેટલું વળતર મળે છે. પાકતી મુદત પૂરી થવા પર મળતું રિટર્ન કરમુક્ત છે. આ બોન્ડની મુદત 8 વર્ષની છે. પરંતુ 5 વર્ષ સુધી હોલ્ડિંગ કર્યા પછી, તમે તેમાંથી બહાર નીકળી શકો છો. આ બોન્ડનો ઉપયોગ લોન લેવા માટે કોલેટરલ એટલે કે જામીનગીરી તરીકે પણ થઈ શકે છે.

ગોલ્ડ બોન્ડના રિટર્ન પર ટેક્સ

ગોલ્ડ બોન્ડમાં રોકાણ પર મળતું વ્યાજ અર્ધવાર્ષિક ધોરણે રોકાણકારના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ વ્યાજ આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ કરપાત્ર છે. નાણાકીય વર્ષમાં, ગોલ્ડ બોન્ડમાંથી મળેલા વ્યાજને કરદાતાના અન્ય સ્ત્રોતોમાંથી આવકમાં ગણવામાં આવે છે. કરદાતા કયા સ્લેબમાં આવે છે તેના આધારે ટેક્સ વસૂલવામાં આવે છે. જોકે, પાકતી મુદત પર મળતું વળતર કરમુક્ત છે.

Advertisment

ગોલ્ડ બોન્ડની કિંમત કેવી રીતે નક્કી થાય છે

ગોલ્ડ બોન્ડના ભાવ તેનું સબ્સ્ક્રિપ્શન શરૂ થાય તેની અગાઉના સપ્તાહના કામકાજના ત્રણ દિવસમાં 999 શુદ્ધ સોનાનો જે ભાવ હોય તેની સરેરાશ કિંમતના આધારે નક્કી કરવામાં આવે છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) 999 શુદ્ધતાના સોનાના ભાવ જાહેર કરવામાં આવ છે. બીજી તરફ, જો એપ્લાય કરીને ઓનલાઈન પેમેન્ટ કરો છો, તો રોકાણકારોને 50 રૂપિયા પ્રતિ ગ્રામ એટલે કે 10 ગ્રામ દીઠ 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

ગોલ્ડ બોન્ડમાં કેટલું રોકાણ કરી શકાય છે

સોવરિન ગોલ્ડ બોન્ડમાં ઓછામાં ઓછું 1 ગ્રામ સોનું ખરીદીને રોકાણની શરૂઆત કરી શકાય છે. વ્યક્તિઓને મહત્તમ 4 કિલોગ્રામ સુધી અને ટ્રસ્ટ જેવી કંપનીઓને એક 20 કિલો સુધી ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની છૂટ છે. ભારતના કોઈપણ રહેવાસી નાગરિક અને હિંદુ અવિભાજિત કુટુંબ, ટ્રસ્ટો, યુનિવર્સિટીઓ અને ચેરિટેબલ સંસ્થાઓ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કરવા પાત્ર છે.

આ પણ વાંચોઃ પર્સનલ લોન લેતી વખતે આ 4 ટીપ્સ અપનાવો, નીચા વ્યાજદર અને EMIનો ફાયદો ઉઠાવો

ગોલ્ડ બોન્ડ ક્યાંથી ખરીદી શકાય?

આ સોવરિન ગોલ્ડ બોન્ડ બેંકો (સ્મોલ ફાઇનાન્સ બેંકો અને પેમેન્ટ બેંકો સિવાય), સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (SHCIL), નિર્ધારિત પોસ્ટ ઓફિસો અને BSE અને NSE જેવા સ્ટોક એક્સચેન્જો પરથી ખરીદી શકાય છે.

Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

સોનું ચાંદી ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ Investment