અમેરિકાની બેંકોનું પતન વૈશ્વિક અર્થતંત્રને ફરી મંદી તરફ ધકેલી રહ્યું છે અને તેની અસરે ભારત સહિત દુનિયાભરના શેર બજાર હાલ સતત ઘટી રહ્યા છે. ભારતીય શેર બજારની વાત તો સપ્તાહના પહેલા જ ટ્રેડિંગ દિવસ સોમવારે સેન્સેક્સમાં 900 પોઇન્ટનો ઇન્ટ્રા-ડે ઘટાડો નોંધાયો અને સેશનના અંતે 361 પોઇન્ટની પીછેહઠ સાથે 57628ના લેવલે બંધ રહ્યો છે. આ સાથે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે એફએમસીજીને બાદ કરતા તમામ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. નોંધનીય છે કે, 10 માર્ચ, 2023ના રોજ અમેરિકાની સિલિકોન વેલી બેંકની કટોકટીના અહેવાલ આવ્યા બાદ ભારતીય શેર બજારમાં 2178 પોઇન્ટનું ધોવાણ થતા રોકાણકારોને પણ જંગી નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
નિફ્ટી 17000ની નીચે બંધ
સપ્તાહના પહેલા જ દિવસે વૈશ્વિક બજારની નરમાઇના પગલે ભારતીય બજારનું સેન્ટિમેન્ટ પણ નબળું રહ્યું હતું. સોમવારે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 900 પોઇન્ટ ખાબકીને 57084ના નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જો કે કામકાજના છેલ્લા કલાકોમાં નીચા મથાળે લેવાલી નીકળતા સેન્સેક્સમાં રિકવરી જોવા મળી અને તે ટ્રેડિંગ સેશનના અંતે 361 પોઇન્ટની નુકસાનીમાં 57628ના લેવલ પર બંધ રહ્યો હતો.
જો કે વેચવાલીના દબાણેને પગલે નિફ્ટી 17000ની મહત્વપૂર્ણ મનોવૈજ્ઞાનિક સપાટીની નીચે બંધ થયો હતો. નિફ્ટી 17100ના પાછલા બંધની સામે સોમવારે 17066ના લેવલે ખુલ્યા બાદ વેચવાલીના દબાણથી 272 પોઇન્ટ તૂટીને 17000નું મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ ગુમાવી નીચામાં 16828 સુધી ગયો હતો. અંતે 111 પોઇન્ટના ઘટાડે 16988 બંધ થયો હતો. સેન્સેક્સના 30 બ્લુચીપ સ્ટોકમાંથી 23 અને નિફ્ટીના 50માંથી 40 શેર ડાઉન હતા.

તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ રેડ ઝોનમાં, FMCG અપવાદરૂપ
શેરબજારમાં તીવ્ર વેચવાલીના દબાણથી સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના તમામ સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ તૂટ્યા હતા, જેમાં એક માત્ર એફએમસીજી ઇન્ડેક્સ અપવાદરૂપ હતો. બીએસઇનો મીડકેપ ઇન્ડેક્સ 1.1 ટકા સ્મોલકેપ ઇન્ડેક્સ 1 ટકા, બીએસઇ- 500 ઇન્ડેક્સ પોણો ટકો ડાઉન હતા. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસની વાત કરીયે તો સૌથી વધુ મેટલ ઇન્ડેક્સ 2.2 ટકા તૂટ્યો હતો. તો આઇટી ઇન્ડેક્સ 1.3 ટકા, રિયલ્ટી ઇન્ડેક્સ 1.25 ટકા તો ટેક અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 1 ટકા જેટલા તૂટ્યા હતા. બેંક નિફ્ટી ઇન્ડેક્સ 236 પોઇન્ટ કે 0.6 ટકા ઘટીને 39361ના સ્તરે બંધ થયો હતો.

રોકાણકારોને 2 લાખ કરોડનું નુકસાન
સેન્સેક્સમાં સોમવારે 361 પોઇન્ટનો ઘટાડો થતા બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટકેપ 255.43 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે પાછલા સપ્તાહે શુક્રવારે 257.52 લાખ કરોડ રૂપિયા હતી. આમ સોમવારે શેરબજારના રોકામકારોને 2.09 લાખ કરોડ રૂપિયાનુ નુકસાન થયું છે.
સિલિકોન વેલી બેંક કટોકટી બાદ સેન્સેક્સ 2178 પોઇન્ટ તૂટ્યો
અમેરિકાની સિલિકોન વેલી બેંકના પતનની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર પર કટોકટીના વાદળો ઘેરાયા છે અને તેની ચિંતાએ ભારત સહિત દુનિયાભરના શેર બજારો સતત પમ ઘટી રહ્યા છે. 10 માર્ચ, 2023ના રોજ સિલિકોન વેલી બેંકની કટોકોટીના અહેવાલ આવ્યા બાદ હતા. ત્યારબાદથી અત્યાર સુધીમાં ભારતીય શેર બજારનો બેન્ચમાર્ક સેન્સેક્સ 2178 પોઇન્ટ તૂટ્યો છે. માર્કેટ એનાલિસ્ટોના મતે અમેરિકા બાદ યુરોપમાં બેંકિંગ કટોકટી ગંભીર બની રહી છે, આ પરિપેક્ષ્યમાં હાલ શેરબજારમાં મંદી યથાવત રહેવાની શક્યતા છે.
US ફેડ રિઝર્વની 22 માર્ચની બેઠક પર બજારની નજર
મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસના રિટેલ રિસર્ચના હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યુ કે, બેંકિંગ કટોકટીએ વૈશ્વિક ઇક્વિટી બજારમાં દહેશત ફેલાવી દીધી છે. દુનિયાભરના બજારોની નજર હવે યુએસ ફેડ રિઝર્વની 22 માર્ચ, બુધવારના રોજ જાહેર થનાર ધિરાણદર પર મંડાયેલી છે. ફેડ રિઝર્વના નિવેદન મહત્વપૂર્ણ રહેશે, કારણ કે તેનાથી પ્રવર્તમાન નાણાકીય કટોકટીની વાસ્તવિક સ્થિતિના સંકેતો પ્રાપ્ત થશે. રોકાણકારોએ આજે યુરોપિયન સેન્ટ્રલ બેંક (ECB)ના પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડની ટિપ્પણીઓ પર પણ નજર રાખવી. હાલ શોર્ટ ટર્મમાં માર્કેટમાં વોલેટિલિટી ચાલુ રહેવાની ધારણા છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડાની હૂંફે એફએમસીજી, અપસ્ટ્રીમ ઓઈલ કંપનીઓ, પેઇન્ટ જેવા સેક્ટરના સ્ટોક્સમાં મજબૂતી જોવા મળી શકે છે. વૈશ્વિક નાણાંકીય કટોકટીની દહેશતે ભારતીય બજારમાં હાલ સોનાની કિંમત ઐતિહાસિક ઉંચાઇએ પહોંચતા ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઓ પણ લાઇમ લાઇટમાં રહેશે.