વેકેશન : સમર હોલિડે પેકેજ પસંદ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, ઓછા બજેટમાં મળશે પ્રવાસની બમણી મજા

Best Summer Holiday Packages Tips : ઉનાળાના વેકેશન માટે બેસ્ટ હોલીડે પેકેજ પસંદ કરતી વખતે માત્ર ટુર પેકેજની કિંમતને ધ્યાનમાં રાખવી યોગ્ય નથી. પ્રવાસ દરમિયાન મળનાર વિવિધ સર્વિસની સંપૂર્ણ માહિતી મેળવવી જરૂરીછે.

Written by Ajay Saroya
March 27, 2024 22:55 IST
વેકેશન : સમર હોલિડે પેકેજ પસંદ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, ઓછા બજેટમાં મળશે પ્રવાસની બમણી મજા
ઉનાળાના વેકેશનમાં સમર હોલિડે પેકેજ પસંદ કરતી વખતે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ. (Photo - Freepik)

Best Summer Holiday Packages Tips : વેકેશન શરૂ થવાની તૈયારીમાં છે. ઉનાળાના વેકેશનમાં તમે પરિવાર સાથે બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હશો. ઉનાળાની રજાનો સંપૂર્ણ આનંદ માણવા માટે યોગ્ય હોલિડે પેકેજની પસંદગી કરવી પણ મહત્વપૂર્ણ છે. નહિંતર, વેકેશનની બધી મજા બગાડવાનો ભય છે. મોટાભાગના લોકોનો સૌથી મોટો પડકાર એ છે કે તેમના બજેટ અનુસાર ટુર પ્લાનિંગ કેવી રીતે કરવું. આ ચેલેન્જને પૂર્ણ કરવા માટે અમે તમને કેટલીક ખૂબ જ ઉપયોગી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ.

સસ્તા ટુર પેકેજ કેટલા સારા હોય છે?

કેટલાક લોકો હોલિડે પેકેજ પસંદ કરતી વખતે માત્ર બજેટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે કે, અમે તે પેકેજ પસંદ કરીએ છીએ જે સૌથી સસ્તું લાગે છે. પરંતુ આ વ્યૂહરચના ક્યારેક ખોટી સાબિત થઈ શકે છે. ઘણી વખત સસ્તા પૅકેજ સંબંધિત નિયમો એવા હોય છે કે કેન્સલ થવા પર અથવા તારીખોમાં ફેરફાર થવા પર તમારે ઘણું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. સસ્તા ટુર પેકેજમાં કસ્ટમર સપોર્ટ પણ નબળો હોઈ શકે છે. જો તમે પેકેજની કિંમતની સરખામણી કરતી વખતે આ બાબતોને ધ્યાનમાં નહીં રાખો તો તમારો નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે.

ટુર પેકેજના તમામ નિયમો ધ્યાન પૂર્વક વાંચો

ઘણી વખત, સસ્તા પેકેજોમાં ‘એક્સક્લૂઝન્સ એટલે કે પેકેજમાં સમાવિષ્ટ ન હોય તેવી ચીજોઓની યાદી ઘણી લાંબી થઈ જાય છે, જેના કારણે તમારે પછીથી ઘણી વસ્તુઓ માટે અલગથી ચૂકવણી કરવી પડી શકે છે. ઉદાહરણ તરીકે, મુસાફરી દરમિયાન ખાણી-પીણી પર નિયમિત ખર્ચ, મહત્વપૂર્ણ પ્રવાસી સ્થળો પર પ્રવેશ ફી, લોકલ સાઇટની મુલાકાત માટેની ફી અલગથી ઉમેરી શકાય છે. આ ઉપરાંત, ઘણી જગ્યાએ, સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા ટેક્સ અથવા સરચાર્જ પણ લાદવામાં આવે છે, જેનો પેકેજ કિંમતમાં ઉલ્લેખ હોતો નથી. ઘણી વખત પ્રવાસ દરમિયાન થતી મનોરંજન પ્રવૃત્તિઓ માટેની ફી પણ અલગથી વસૂલવામાં આવે છે. તેથી, એ તપાસવું જરૂરી છે કે હોલિડે પેકેજ સસ્તું હોવાના કારણે તેમાં એક્સક્લૂઝન્સની લાંબી યાદી અથવા સેવાની નબળી ગુણવત્તા તો નથીને?

હોલિડે પેકેજમાં ટ્રાવેલ ઈન્શ્યોરન્સ છે કે નહીં?

તમારે એ પણ તપાસવું જોઈએ કે હોલિડે પેકેજમાં ટ્રાવેલ ઈન્શ્યોરન્સ શામેલ છે કે નહીં. જો તમે ઈન્ટરનેશલ હોલિડે પર જઈ રહ્યા છો અથવા એડવેન્ચર ટુરિઝમ પર જઈ રહ્યા છો અથવા ખૂબ જ દૂરના વિસ્તારોની સફર પર જઈ રહ્યા છો, જ્યાં કોઈ સમસ્યાના કિસ્સામાં મદદ મેળવવી ખૂબ જ મુશ્કેલ અને ખર્ચાળ હોઈ શકે છે, તો તમારી પાસે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ હોવો આવશ્યક છે. જો આવો વીમો તમારા હોલિડે પેકેજમાં સામેલ હોય, તો તે સારી વાત છે, અન્યથા તેને અલગથી ખરીદવા માટે કેટલાક પૈસા ખર્ચવામાં શાણપણ છે. વૈકલ્પિક ધોરણે હોલિડે પેકેજ સાથે વિવિધ પ્રકારના વીમાને પણ સાંકળી શકાય છે, જેમાંથી તમે તમારી જરૂરિયાત મુજબ યોગ્ય પ્લાન પસંદ કરી શકો છો. ખાસ કરીને જો તમે મોટા સમૂહમાં મુસાફરી કરી રહ્યા હોવ તો આવા પ્લાન સસ્તા છે અને તેનો લાભ લઈ શકાય છે.

ડિસ્કાઉન્ટ અને કાર્ડ પર મળતી ઑફરનો લાભ ઉઠાવો

ઓનલાઈન ટ્રાવેલ ઓપરેટર્સના ડિસ્કાઉન્ટ સેલ્સ અને કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ પર સ્પેશિયલ ઑફર્સનો લાભ લઈને તમારા હોલિડે પેકેજને વાજબી બનાવી શકો છો. ઘણા ઓપરેટરો અવારનવાર ચોક્કસ દિવસોમાં સસ્તી ઑફર્સ અથવા પ્રમોશનલ કોડ ઑફર કરે છે. આ ઉપરાંત, ચોક્કસ બેંકોના ગ્રાહકો અથવા ક્રેડિટ કાર્ડ સભ્યો માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અને બુકિંગ ડીલ્સ પણ ઉપલબ્ધ છે. આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમે ઓછા પૈસામાં સમાન સુવિધાઓ મેળવી શકો છો. તેથી, પેકેજ ખરીદતા પહેલા, કૃપા કરીને ચુકવણી સંબંધિત તમામ ઑફર્સ તપાસો. જો તમે ગ્રૂપમાં મુસાફરી કરી રહ્યા હો, તો ટ્રાવેલ ઓપરેટર સાથે વાટાઘાટ કરવાનું ભૂલશો નહીં અને બુકિંગ કરતા પહેલા ગ્રુપ ડિસ્કાઉન્ટ માટે પૂછો. સામાન્ય રીતે, મોટા ગ્રૂપ માટે ડિસ્કાઉન્ટ મેળવવું બહુ મુશ્કેલ નથી. જો તમે ટૂર ઓપરેટરના બદલે સીધું જ બુકિંગ કરાવતા હોવ તો પણ ઘણી હોટલો ગ્રૂપ માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર કરવા તૈયાર છે.

હોલિડે નાઉ પે લેટર જેવી સ્કીમથી બચો

ઓનલાઈન ટ્રાવેલ ઓપરેટર્સ હોલીડે નાઉ પે લેટર જેવી સ્કીમ ઓફર કરવા માટે ફિનટેક ધિરાણકર્તા અને નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ (એનબીએફસી) સાથે ભાગીદારી કરીને પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ કરે છે. આવી સ્કીમમાં, સામાન્ય રીતે તમારે પ્રવાસ પેકેજ ની કુલ કિંમતના 15-20 ટકા એડવાન્સ ચૂકવવા પડે છે, જ્યારે બાકીની રકમ તમે રજા પરથી પાછા ફર્યા પછી ચૂકવી શકો છો. આ માટે EMI દ્વારા ચૂકવણી કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. પરંતુ તમારે એક વાત જાણી લેવી જોઈએ કે ફિનટેક ધિરાણકર્તાઓ આ સુવિધા માટે ભારે ફી વસૂલે છે. એક રીતે હૉલિડે નાઉ પે લેટર જેવી સ્કીમનો ઉપયોગ કરવો એ મોંઘી પર્સનલ લોન લઈને ફરવા જેવી વાત છે.

આ પણ વાંચો | રાજસ્થાન પ્રવાસન સ્થળ : ગુજરાતીઓ માટે ગરમીમાં પણ હોટ ફેવરેટ આ ટોપ 10 સ્થળો

ઘણા વિકલ્પો પર વિચાર કર્યા પછી નિર્ણય લો

હોલિડે પેકેજ ખરીદતા પહેલા, વિવિધ ટૂર ઓપરેટર્સ અથવા ઓનલાઈન પોર્ટલ તરફથી ઉપલબ્ધ ઑફર્સની તુલના કરવી વધુ સારું છે. આમ કર્યા બાદ તમે તે ઓપરેટર અથવા પોર્ટલના પ્રતિનિધિ સાથે રૂબરૂ અથવા ફોન પર તમને શ્રેષ્ઠ લાગતા પેકેજ વિશે વાત કરીને બધી મહત્વપૂર્ણ બાબતો સમજી શકો છો. આ તમને યોગ્ય નિર્ણય લેવામાં ઘણી મદદ કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ