Adani-Hindenburg row: અદાણી કેસમાં સુપ્રીમ કોર્ટની એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ જાહેર થયો છે. તે રિપોર્ટમાં પ્રથમ નજરે નિયમોનું ઉલ્લંઘન થતું ન હોવાનું જણાવાયું છે. હજુ સુધી આ રિપોર્ટ જાહેર કરવા અંગે એક્સપર્ટ કમિટી તરફથી કોઇ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ આ એક ખુલાસાને ગૌતમ અદાણી માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે.
હિંડનબર્ગના રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું?
તમને જણાવી દઈએ કે 24 જાન્યુઆરી 2023ના રોજ હિંડનબર્ગે અદાણી ગ્રુપને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો હતો. રિપોર્ટના નિષ્કર્ષમાં 88 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી જૂથ દાયકાઓથી શેરની હેરાફેરી અને ખાતાની છેતરપિંડીમાં સામેલ છે. આ રિપોર્ટ સામે આવ્યા પછી અદાણીના શેરમાં મોટો ઘટાડો થયો હતો અને થોડા જ દિવસોમાં ગૌતમ અદાણીને કરોડો રૂપિયાની ખોટ ગઇ હતી. મોટી વાત એ છે કે આ મુદ્દાએ વિરોધ પક્ષોનું ધ્યાન પણ ખેંચ્યું હતું અને આ મુદ્દે ઘણી રાજનીતિ થઇ હતી.
આ મામલો સુપ્રીમ કોર્ટમાં કેમ ગયો?
અમેરિકા સ્થિત ફર્મ હિંડનબર્ગ રિસર્ચ વિરુદ્ધ એક જાહેર હિતની અરજી (પીઆઈએલ) દાખલ કરવામાં આવી હતી. પીઆઈએલમાં હિંડનબર્ગના સ્થાપક નાથન એન્ડરસન સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. તે પછી સુપ્રીમ કોર્ટ દ્વારા એક એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવી હતી. જેનો રિપોર્ટ હવે જણાવી રહ્યો છે કે પહેલી નજરે નિયમોનું ઉલ્લંઘન થતું નથી. રિપોર્ટમાં હજુ સુધી આ ખુલાસા વિશે કોઈ વિસ્તૃત જાણકારી સામે આવી નથી, પરંતુ શરૂઆતના દાવા જણાવી રહ્યા છે કે ગૌતમ અદાણીને આ કેસમાં મોટી રાહત મળી શકે છે.
આ પણ વાંચો – SBIના નફામાં વધારો છતાં શેરોના ભાવ ગગડ્યા, શું છે કારણ?
ગૌતમ અદાણીને કેટલું નુકસાન થયું?
અહીં એ સમજવું જરૂરી છે કે હિંડનબર્ગના એક ખુલાસાથી ગૌતમ અદાણીને મોટું નુકસાન થયું હતું. ગત વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ગૌતમ અદાણીની નેટવર્થ 150 અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી. ત્યારે તેઓ દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયા હતા. પરંતુ હિંડનબર્ગના એક અહેવાલે એવો આંચકો આપ્યો હતો કે ગૌતમ અદાણી હાલમાં ટોચના 20 અમીરોની યાદીમાંથી પણ બહાર થઇ ગયા છે.
હિંડનબર્ગની કુંડળી, ઘણી કંપનીઓનું કર્યું છે નુકસાન
અદાણી ગ્રુપ પહેલી એવી કંપની નથી જેના વિશે હિંડનબર્ગે રિપોર્ટ બહાર પાડ્યો છે. આ પહેલા તે બીજી ઘણી મોટી કંપનીઓ પર રિપોર્ટ લાવી ચૂકી છે. આરોપ છે કે તે કંપનીઓ વિશે રિપોર્ટ રજૂ કરે છે અને જ્યારે તેના શેર ઘટે છે ત્યારે તે તેને ખરીદીને નફો કમાય છે. આ પહેલા હિંડનબર્ગ જિનિયસ બ્રાન્ડ, આઈડિયાનોમિક, નિકોલા, એસસીડબલ્યુઓઆરએક્સ, વિન્સ ફાઈનાન્સ, જીનિયસ બ્રાન્ડ્સ, એસસી વ્રોક્સ, એચએફ ફૂડ, બ્લૂમ એનર્જી, એફરિયા, ટ્વિટર ઇન્ક જેવી કંપનીઓ સામે રિપોર્ટ લાવી ચુકી છે.