(નયન દવે) સુરત શહેર દુનિયાભરમાં હીરાના કટ-પોલિશિંગ માટે જાણીતું છે જો કે હાલ આ ઉદ્યોગ મંદી અને બેરોજગારીની સમસ્યાનો સામનો કરી રહ્યુ છે. સુરતમાં નવ વર્ષથી હીરા ઘસવાનું કામ કરતા 27 વર્ષીય હીરાના કારીગર પ્રેમલ સાકરિયા છેલ્લા બે મહિનાથી બેરોજગાર છે. મુખ્ય નિકાસ બજારોમાંથી ડાયમંડની માંગમાં તીવ્ર ઘટાડો થવાના કારણે તે જે હીરાના કારખાનમાં કામ હતો તે બંધ થઈ ગયુ છે. પ્રેમલ સાકરિય એક પરપ્રાંતિય કારીગર છે અને તે સૌરાષ્ટ્રનો રહેવાસી છે, જે હાલ નવી નોકરી શોધી રહ્યો છે, પરંતુ દુનિયાના સૌથી મોટા ડાયમંડ એક્સપોર્ટ્સનું હબ ગણાતા સુરતના એક પણ હીરાના કારખાનાએ તેમને હજુ સુધી નોકરી પર રાખ્યા નથી.
તેમના જેવા આવા હજારો હીરાના કારીગરો છે જેઓ ઘણા મહિનાઓથી બેરોજગાર છે અથવા રોજગારી માટે અન્ય કોઈ ક્ષેત્રમાં ફંટાઇ ગયા છે કારણ કે સુરત હીરા ઉદ્યોગ, જ્યાં વિશ્વના લગભગ 10માંથી 9 રફ ડાયમંડનું કટ અને પોલિશ કરવામાં આવે છે અને 20 લાખ લોકોને રોજગારી આપે છે, ત્યાં ડાયમંડ પોલિશિંગની કામકાજમાં ઘટાડો થયો છે, જેની સીધી અસર આ ઉદ્યોગમાં કામ કરનાર લોકો પર થઇ રહી છે.
જેમ્સ-જ્વેલરીની નિકાસ 22 ટકા ઘટી
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના આંકડા મુજબ, ઓક્ટોબર 2022માં ભારતમાંથી જેમ્સ અને જ્વેલરીની કુલ નિકાસ 22.44% ઘટીને 313.48 કરોડ ડોલર એટલે કે 25,843.8 કરોડ રૂપિયા થઇ છે, જ્યારે વર્ષ પૂર્વેના સમાન મહિનામાં તે 404.16 કરોડ ડોલર એટલે કે 30,274.64 કરોડ રૂયિયા હતી. પાછલા મહિને કટ અને પોલિશ્ડ ડાયમંડની કુલ નિકાસ વાર્ષિક ધોરણે 26 ટકાથી વધુ ઘટીને 189.12 કરોડ ડોલર (15,594.49 કરોડ રૂપિયા) નોંધાઇ છે, જ્યારે પાછલા વર્ષે સમયગાળામાં 255.98 કરોડ ડોલર એટલે કે 19,175.16 કરોડ રૂપિયાની મૂલ્યના હીરાની નિકાસ કરવામાં આવી હતી.
આ સાથે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનામાં કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ વાર્ષિક ધોરણે 5.9 ટકા ઘટીને 1410.66 કરોડ ડોલર એટલે કે 1.11 લાખ કરોડ રૂપિયાની થઈ છે.

ચીનમાં ડાયમંડની માંગ ઘટી
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યુ કે, “ગુજરાતની ડાયમંડ ઇકોસિસ્ટમમાં દરેક વ્યક્તિ હાલ મુશ્કેલીનો સામનો કરી રહી છે. હીરા ઉદ્યોગના નાના એકમોની સાથે સાથે મોટા એકમો પણ ભારે દબાણ હેઠળ છે કારણ કે વૈશ્વિક માંગમાં ઘટાડો થયો છે. ચીનમાંથી ડાયમંડની માંગમાં વધારો થયો નથી, જે સમગ્ર ગુજરાતમાંથી થતી હીરાની કુલ નિકાસમાં લગભગ 35% જેટલો હિસ્સો ધરાવે છે.
નાવડિયા જેઓ GJEPC-ગુજરાત પ્રદેશના ભૂતપૂર્વ અધ્યક્ષ પણ છે તેઓ ઉમેરે કે, છેલ્લા છ મહિનામાં પોલિશ્ડ હીરાની માંગ 30 ટકા ઘટી છે. અમેરિકા, યુરોપિયન દેશો, પશ્ચિમ એશિયા અને જાપાન મુખ્ય બજારો છે જ્યાં લગભગ 95% કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ કરવામાં આવે છે.
સુરતના વરાછા વિસ્તારમાં એક વિશાળ કદનું ડાયમંડ યુનિટ ચલાવતા નિલેશ બોડકીએ દાવો કરે છે કે વોલ્યૂમની દ્રષ્ટિએ હાલ બિઝનેસ લગભગ 40 ટકા જેટલો ઓછો છે અને નજીકના ભવિષ્યની સંભાવનાઓ પણ અનિશ્ચિત છે.
કોરોના મહામારી, લોકડાઉનથી ઉદ્યોગને ફટકો
નિલેશ બોડકી ઉમેરે છે કે, કોરોના મહામારીને કારણે માર્ચ -2020માં પહેલીવાર લોકડાઉન લાગુ કરાયુ ત્યારબાદથી હીરા ઉદ્યોગ સતત ઉતાર-ચઢાવનો સામનો કરી રહ્યુ છે. જુલાઈ 2020માં હીરાની અભૂતપૂર્વ વૈશ્વિક માંગ નીકળતા ડાયમંડ ઉદ્યોગમાં તેજી આવી હતી, પરંતુ તાજેતરના રશિયા-યુક્રેન યુદ્ધ અને માંગમાં ઘટાડો થવાને કારણે બજાર હજુ પણ ફરી બેઠું થવામાં અસમર્થ છે.”

ક્રિસમસની સીઝન પણ ‘ઠંડીગાર’
ક્રિસમસ નજીક હોવા છતાં પણ હીરાની માંગ અત્યંત ઓછી છે. જાન્યુઆરીમાં આવનારા ચાઇનીઝ ન્યુ વર્ષ અંગે પણ શંકા છે, તેઓ કહે છે કે મોટાભાગના હીરાના કારખાના પાસે કામના કલાકો ઘટાડવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.
કુદરતી હીરાની મંદી વચ્ચે સિન્થેટિક ડાયમંડની ચમક વધી
છેલ્લા બે વર્ષમાં એક બાજુ કુદરતી હીરાના વેપારમાં મંદીનો માહોલ છે તો બીજી બાજુ સિન્થેટિક ડાયમંડ એટલે કે લેબ ગ્રોન ડાયમંડનો ઉદ્યોગ બહુ ઝડપથી ફુલ્યો ફૂલ્યો છે. આ મુશ્કેલ સમયમાં લેબ ગ્રોન ડાયમંડ (LGD)નો એક નવો સેગમેન્ટ ઉભરી આવ્યો છે. લેબ ગ્રોન ડાયમંડ એ લેબોરેટરીમાં રાસાયણિક પ્રક્રિયાથી તૈયાર કરવામાં આવેલા હીરા હોય છે, જે દેખાવે રિયલ ડાયમંડ જેવા જ દેખાય છે જો કે કુદરતી હીરાની તુલનાએ લગભગ 75 ટકા જેટલા સસ્તા હોય છે. આમ ઓછી કિંમત હોવાને કારણે લેબ ગ્રોન ડાયમંડ એટલે કે સિન્થેટિક ડાયમંડની સારી એવી માંગ રહી છે. ઘણા હીરાના કારીગરો જેમણે નોકરી ગુમાવી છે તેઓ સિન્થેટિક ડાયમંડની મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓમાં જોડાઇ ગયા છે.