Suzuki Access CNG : ટુ વ્હીલર ચાલકો માટે એક ખુશીના સમાચાર છે. પેટ્રોલ એન ઇલેક્ટ્રિક ટુ વ્હીલર બાદ હવે સીએનજી સંચાલિત સુઝુકી એક્સેસ પ્રદર્શિત કરવામાં આવ્યું છે. ટોક્યોમાં આયોજીત જાપાન મોબિલિટી 2025માં સુઝુકી મોટર કોર્પોરેશને તેના વૈકલ્પિક ફ્યુઅલ સોલ્યુશન્સની સંપૂર્ણ રેન્જનું પ્રદર્શન કર્યું હતું, જે દર્શાવ્યું હતું કે કાર્બન ન્યુટ્રલ ભવિષ્યનો માર્ગ ફક્ત એક પ્રકારની એનર્જી ટેકનોલોજી પર આધાર રાખી શકતો નથી. કંપનીએ આ પ્રસંગે ઘણા પ્રોટોટાઇપ મોડેલો રજૂ કર્યા હતા, જેમાં સીબીજી (કોમ્પ્રેસ્ડ બાયોમિથેન ગેસ) અને સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) સંચાલિત એક્સેસ સ્કૂટર અને હાઇડ્રોજનથી ચાલતા બર્ગમેનનો સમાવેશ થાય છે.
ભારત-કેન્દ્રિત બાયોગેસ પ્રોજેક્ટ શોની વિશેષતા બન્યો
સુઝુકીએ આ કાર્યક્રમમાં ભારતમાં સ્થાપિત તેના બાયોગેસ પ્લાન્ટનું સ્કેલ મોડલ પણ પ્રદર્શિત કર્યું હતું. આ ઉર્જા અને ખાતર પ્રોજેક્ટ સુઝુકી દ્વારા ડેરી સહકારી સાથે મળીને વિકસાવવામાં આવ્યો છે, જે ડેરી કચરાને કોમ્પ્રેસ્ડ બાયોગેસ (સીબીજી) માં રૂપાંતરિત કરે છે. આ ગેસ માત્ર પુનઃપ્રાપ્ય ઊર્જાનો સ્ત્રોત તો છે જ, પરંતુ ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં, ઉત્સર્જન ઘટાડવામાં પણ મદદ કરે છે.
સીએનજી/સીબીજી એક્સેસ સ્કૂટરનું યુનિક લેઆઉટ
આ ઓટો શોમાં રજૂ કરવામાં આવેલા એક્સેસ સીએનજી / સીબીજી પ્રોટોટાઇપમાં ડ્યુઅલ ફ્યુઅલ ટેન્ક સેટઅપ છે – 6 લિટર સીએનજી ટેન્ક અને 2 લિટર પેટ્રોલ ટેન્ક છે, જે સીટની નીચે છે. પેટ્રોલ ટેન્કને બાહ્ય ફ્યૂઅલ ફિલર વડે સરળતાથી ભરી શકાય છે. જ્યારે સંપૂર્ણપણ ફુલ કરવા પર સ્કૂટર લગભગ 170 કિલોમીટરનું અંતર કાપી શકે છે. જો કે, વધારાની ગેસ ટેન્ક અને પાર્ટ્સના કારણે તેનું કુલ વજન લગભગ 10 ટકા વધ્યું છે.
હાઇડ્રોજન સંચાલિત Burgman સ્કૂટર
સુઝુકીએ હાઇડ્રોજન એન્જિન ટેકનોલોજી પરના સંશોધનને આગળ વધારતા હાઇડ્રોજન સંચાલિત બર્ગમેન 400 નો કોન્સેપ્ટ પણ પ્રદર્શિત કર્યો હતો. કટવે મોડેલ દ્વારા કંપનીએ બતાવ્યું કે 2023 જાપાન મોબિલિટી શો પછી આ પ્રોટોટાઇપમાં કેવી રીતે સુધારો કરવામાં આવ્યો છે.
સુઝુકીની કાર્બન ન્યુટ્રલ રણનીતિ
આ બધા પ્રદર્શનો સુઝુકીના “મલ્ટિ-પાથવે” અભિગમને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે – એટલે કે, કંપની કાર્બન ન્યુટ્રલ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એક સાથે બહુવિધ માર્ગો પર કામ કરી રહી છે. બાયોગેસ, લો-કાર્બન ઇંધણ અને હાઇડ્રોજન કમ્બશન જેવી ટેકનોલોજી જોડીને, સુઝુકી કંપની વિવિધ બજારો અને જરૂરિયાતોને અનુરૂપ વ્યવહારુ ઉકેલો શોધી રહી છે. (સ્ત્રોત: સુઝુકી મોટર કોર્પોરેશન, ટોક્યો મોટર શો 2025)





