સ્વિસ બેંકોમાં ભારતીયોના 37600 કરોડ રુપિયા જમા, રેકોર્ડ ત્રણ ગણો વધારો

swiss bank indian money : સ્વિસ બેન્કોમાં પૈસાની બાબતમાં ભારત વૈશ્વિક સ્તરે 48મા સ્થાને પહોંચી ગયું છે, જે ગયા વર્ષે 67મા સ્થાને હતું. 021 બાદ સ્વિસ બેંકોમાં જમા ભારતીયોના પૈસામાં આ સૌથી મોટો વધારો છે

Written by Ashish Goyal
Updated : June 20, 2025 18:02 IST
સ્વિસ બેંકોમાં ભારતીયોના 37600 કરોડ રુપિયા જમા, રેકોર્ડ ત્રણ ગણો વધારો
swiss bank indian money : ફરી એકવાર સ્વિસ બેંકોમાં ભારતીયોની જમા રકમને લઇને ચર્ચા થઇ રહી છે (ફાઇલ ફોટો)

swiss bank indian money : ફરી એકવાર સ્વિસ બેંકોમાં ભારતીયોની જમા રકમને લઇને ચર્ચા થઇ રહી છે. તાજા રિપોર્ટ અનુસાર સ્વિસ બેંકોમાં ભારતીય લોકો અને કંપનીઓ દ્વારા જમા કરવામાં આવેલા નાણાં 2023ની સરખામણીમાં 2024માં ત્રણ ગણા વધી ગયા છે અને તે વધીને 3.54 અબજ સ્વિસ ફ્રાન્ક (લગભગ 37,600 કરોડ રૂપિયા) થઈ ગયા છે. સ્વિસ નેશનલ બેંકે 19 જૂને આ વાતનો ખુલાસો કર્યો છે. 2021 બાદ સ્વિસ બેંકોમાં જમા ભારતીયોના પૈસામાં આ સૌથી મોટો વધારો છે.

વર્ષ 2023માં સ્વિસ બેંકોમાં જમા રકમ ચાર વર્ષની નીચે સપાટી પર હતી અને તે 1.04 અબજ સ્વિસ ફ્રાન્ક હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર આ વધારો સ્વિસ બેંકોમાં બેન્કિંગ ચેનલો અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા જમા કરવામાં આવેલા પૈસાને કારણે થયો છે, વ્યક્તિગત ગ્રાહક ખાતાઓને કારણે નહીં. ભારતીય ગ્રાહકો પાસેથી સીધી થાપણોમાં નજીવો વધારો થયો છે – જે 11% વધીને 346 મિલિયન સ્વિસ ફ્રાન્ક (આશરે ₹3,675 કરોડ) થયો છે. આ થાપણો કુલ ભારતીય-સંલગ્ન ભંડોળનો માત્ર દસમો ભાગ બતાવે છે.

એસએનબીના જણાવ્યા અનુસાર કુલ સીએચએફ 3,545.54 મિલિયન ભારતીય ગ્રાહકો પ્રત્યે સ્વિસ બેંકોની તમામ જવાબદારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમાં અન્ય બેંકોના માધ્યમથી રાખવામાં આવેલા CHF 3.02 બિલિયન , ગ્રાહક ખાતામાં CHF 346 મિલિયન, પ્રત્યયી કે ટ્રસ્ટોના માધ્યમથી CHF 41 મિલિયન અને બોન્ડ્સ અને સિક્યોરિટીઝ જેવા ઉપકરણોમાં CHF 135 મિલિયન સામેલ છે.

સ્વિસ બેંકોમાં પૈસાની માલિકી કોની છે? અને તે ક્યાંથી આવ્યા?

સ્વિસ બેંકોમાં જમા નાણાં ભારતીય વ્યક્તિઓ અને કંપનીઓના છે. બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી મળતા ભંડોળને કારણે આ રકમમાં વધારો થયો છે.

વ્યક્તિગત ગ્રાહકોના ખાતામાં જમા રકમની વાત કરીએ તો તેમાં 11 ટકા (346 મિલિયન સ્વિસ ફ્રાન્ક એટલે કે લગભગ 3675 કરોડ રૂપિયા)નો વધારો થયો છે. આ કુલ થાપણનો માત્ર દસમો ભાગ છે. સૌથી વધારે પૈસા બેંકો, નાણાકીય સંસ્થાઓ, બોન્ડ્સ અને સિક્યોરિટીઝ જેવી ચેનલોમાંથી આવ્યા છે.

આ પણ વાંચો – બજાજ ઓટોએ સ્માર્ટ ચેતક 3001 લોન્ચ કર્યું, જાણો કિંમત, રેન્જ અને ફિચર્સ

સ્વિસ બેંકોમાં ભારતીયોના નાણાંમાં કેટલો વધારો થયો?

2024માં સ્વિસ બેંકોમાં ભારતીયોએ જમા કરેલી કુલ રકમ 3.5 અબજ સ્વિસ ફ્રાન્ક એટલે કે લગભગ 37,600 કરોડ રૂપિયા છે. અને ખાસ વાત એ છે કે તે 2023 કરતા 3 ગણી વધારે છે. વર્ષ 2023માં ભારતીયો દ્વારા જમા કરવામાં આવેલી કુલ રકમ 1.04 અબજ સ્વિસ ફ્રાન્ક (લગભગ 11,000 કરોડ રૂપિયા) હતી.

શું સ્વિસ બેંકોમાં જમા બધા રૂપિયા બ્લેક મની છે?

તમને જણાવી દઈએ કે સ્વિસ અધિકારીઓ ઉપરાંત ભારત સરકારે પણ સ્પષ્ટ કરી દીધું છે કે સ્વિસ બેંકોમાં જમા કરવામાં આવેલા તમામ પૈસાને બ્લેક મની ગણી શકાય નહીં. શેર કરવામાં આવેલા ડેટા સ્વિસ નેશનલ બેંક (એસએનબી)ના સત્તાવાર રેકોર્ડમાંથી લેવામાં આવ્યા છે, જે બેંકોની જવાબદારીઓ દર્શાવે છે.

આમાં એનઆરઆઈ, ભારતીયો અથવા અન્ય લોકો ત્રીજા દેશોની કંપનીઓના નામે જે નાણાં જમા કરાવે છે તેનો સમાવેશ થતો નથી. સ્વિસ અધિકારીઓનું કહેવું છે કે તેઓ ભારતને છેતરપિંડી અને કરચોરી સામેની લડતમાં મદદ કરે છે.

બંને દેશો વચ્ચે સમજૂતી

સ્વિટ્ઝર્લેન્ડ 2018થી સૂચના સમજુતીના ઓટોમેટિક એક્સચેન્જ અંતર્ગત ભારતીય રહેવાસીઓના વાર્ષિક નાણાકીય ડેટા શેર કરી રહ્યું છે. ભારતીય અધિકારીઓને પ્રથમ ડેટા ટ્રાન્સફર સપ્ટેમ્બર 2019માં થયા હતા. ત્યારથી નાણાકીય અનિયમિતતાઓની શંકાસ્પદ લિંક્સવાળા એકાઉન્ટ્સ સહિતની નિયમિત માહિતી શેર કરવામાં આવી રહી છે. જેથી સુનિશ્ચિત કરી શકાય કે કોઇ ગેરકાયદેસર ફંડ કે ટેક્સ ચોરી તો થઇ રહી નથીને.

સ્વિસ બેન્કોમાં પૈસાની બાબતમાં ભારત વૈશ્વિક સ્તરે 48મા સ્થાને પહોંચી ગયું છે, જે ગયા વર્ષે 67મા સ્થાને હતું. જોકે તે હજી પણ 2022ના અંતમાં રહેલા 46માં રેન્કથી આગળ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ