Stock trading T+1 settlement: સેબીના (SEBI) આદેશ અનુસાર ભારતીય શેરબજારમાં (Indian stock market) આજે 27 જાન્યુઆરી, 2023થી ટી-1 સેટલમેન્ટ સાયકલ (T+1 settlement cycle)ની શરૂઆત થશે, આ સાથે જ ચીન બાદ T+1 સેટલમેન્ટનો અમલ (T+1 settlement) કરનાર સમગ્ર વિશ્વમાં બીજો દેશ બનશે, જો કે નવી મિકેનિઝમ સામે વિદેશી રોકાણકારોએ (Foreign investors) વિરોધ દર્શાવ્યો છે.
ભારતીય શેરબજારમાં 27 જાન્યુઆરી, 2023થી એક નવા ઇતિહાસની શરૂઆત થશે. ભારતના સ્ટોક એક્સચેન્જ બીએસઇ અને એનએસઇ ખાતે 27 જાન્યુઆરી 2023થી લિસ્ટેડ કંપનીઓના સ્ટોક અને સિક્યોરિટીઝમાં ‘ટ્રેડ-પ્લસ-વન સેટલમેન્ટ સાયકલ’ (T+1 settlement cycle) શરૂ કરનાર વિશ્વનો બીજો દેશ બનશે. હાલ ચીનમાં T+1 સેટલમેન્ટ સિસ્ટમ કાર્યરત છે. ટ્રેડિંગ સેટલમેન્ટના નવા મિકેનિઝમથી શેરબજારના રોકાણકારો – ટ્રેડરોની ટ્રેડિંગ કરવાની કાર્યક્ષમતા વધશે, ફંડનું ટ્રાન્ઝેક્શન અને શેરની ડિલિવરી ઝડપી બનશે તેમજ એકંદરે શેરની લે-વેચમાં સરળતા આવશે.
T+1 સેટલમેન્ટ મિકેનિઝમ શું છે?
T+1 સેટલમેન્ટ સાયકલએ શેરબજારમાં ટ્રેડિંગ સંબંધિત સેટલમેન્ટની એક વ્યવસ્થા છે. જેમાં શેરબજારમાં સ્ટોક કે જામીનગીરીના ખરીદી-વેચાણનું સેટલમેન્ટ તેનું ટ્રેડિંગ થયાના પછીના દિવસ જ અથવા 24 કલાકની અંદર થવું જોઈએ. ઉદાહરણ તરીકે, T+1 સેટલમેન્ટ સિસ્ટમ હેઠળ, જો કોઇ વ્યક્તિ સોમવારે કોઇ કંપનીના શેર ખરીદે છે, તો તે મંગળવારે તેના ડીમેટ એકાઉન્ટમાં જમા થશે. હવે 27 જાન્યુઆરીથી લાગુ થનારી T+1 સેટલમેન્ટ સિસ્ટમ હાલમાં કાર્યરત T+2થી ભિન્ન છે. હાલ T+2 સેટલમેન્ટ મિકેનિઝમ હેઠળ શેર અને જામીનગીરીના ખરીદ-વેચાણનું સેટલમેન્ટ બે દિવસની અંદર સેટલ કરવામાં આવે છે. સેન્સેક્સ અને નિફ્ટીના સ્ટોક્સ સહિત 256 જેટલા લાર્જ કેપ અને ટોપ મિડ-કેપ સ્ટોકમાં શુક્રવાર, 27 જાન્યુઆરી 2023થી થી T+1 સેટલમેન્ટ શરૂ થશે.
વર્ષ 22 વર્ષ પૂર્વે સાપ્તાહિક સેટલમેન્ટ થતું હતું
અત્રે નોંધનિય છે કે, વર્ષ 2001 સુધી ભારતીય શેરબજારોમાં સાપ્તાહિક સેટલમેન્ટ સિસ્ટમ અલમમાં હતી. ત્યારપછી સ્ટોક એક્સચેન્જ T+3 સેટલમેન્ટ સિસ્ટમ અને વર્ષ 2003માં T+2 સેટલમેન્ટ સિસ્ટમ તરફ આવ્યા. વિદેશી રોકાણકારોના વિરોધ વચ્ચે પણ T+1 સેટલમેન્ટ સિસ્ટમનો અમલ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, હાલ અમેરિકા, યુકે અને યુરોપ જેવા વિકસીત દેશોના શેરબજારો હાલ T+1 સેટલમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી નથી.

T+1 સેટલમેન્ટથી શું ફાયદો થશે?
T+1 સેટલમેન્ટ સિસ્ટમ રોકાણકારો માટે ઘણી લાભદાયી રહેશે. ઉદાહરણ તરીકે, T+1 સિસ્ટમાં જ્યારે કોણ રોકાણકાર કોઇ કંપનીના શેર વેચે છે, તો તેના નાણાં શેર વેચ્યાના દિવસે કે તેના 24 કલાકની અંદર તેના એકાઉન્ટમાં જમા થઇ જશે. તેવી જ રીતે જ્યારે રોકાણકાર કોઇ કંપનીના શેર ખરીદી છે, તો તે શેર ખરીદ્યાના દિવસ જ કે તેના 24 કલાકની અંદર તેના ડીમેટ એકાઉન્ટમાં આવી જશે.
મોતિલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસના બ્રોકિંગ અને ડિસ્ટ્રીબ્યૂશનના એમડી અને સીઇઓ અજય મેનને જણાવ્યું હતું કે, “ટૂંકી ટ્રેડિંગ સેટલમેન્ટ સાયકલ ભારતીય ઇક્વિટી બજારોમાં અમલમાં મૂકવાનું નક્કી કરવામાં આવ્યુ છે તે લિક્વિડિટીની મામલે સારી બાબત છે અને તે દર્શાવે છે કે ડિજિટલ પ્રવાસમાં આપણે કેટલી સારી પ્રગતિ કરી છે અને 24 કલાકની અંદર અવરોધરહિત સેટલમેન્ટ્સની ખાતરી કરી શકીયે છીએ.”
માર્જિન અને લિક્વિડિટીમાં રાહત મળશે
T+1 સેટલમેન્ટ સિસ્ટમમાં રોકાણકારોને માર્જિન અને મૂડી આવશ્યકતાને મામલે રાહત મળશે. 27 જાન્યુઆરીથી લાગુ થનાર T+1 સિસ્ટમમાં શેરનું વેચાણ થાયના દિવસે જ મુક્ત થતા માર્જિન સાથે કુલ મૂડી આવશ્યકતા ઘટાડવામાં અને શેરના વેચ્યાના 24 કલાકની અંદર નાણાં બેંક એકાઉન્ટમાં મેળવવામાં પણ મદદ મળશે. તેમણે ઉમેર્યું કે, આ નવી સેટલમેન્ટ સિસ્ટમમાં સ્ટોક્સ અને નાણાંનું ટ્રાન્ઝેક્શન ઝડપી બનતા ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો થશે.

શું તેનાથી સુરક્ષિત સ્ટોક ટ્રેડિંગ થશે?
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર, T+1 સેટલમેન્ટ સાયકલ માત્ર સમયમર્યાદાને જ નહીં પરંતુ તે રિસ્કને કોલેટરલાઇઝ કરવા માટે મૂડી આવશ્યકતાને ઘટાડે છે અને મુક્ત પણ કરે છે. ટૂંકી સેટલમેન્ટ સાયકલ ચક્ર કોઈપણ સમયે સેટલમેન્ટ ન થયેલા સોદાની સંખ્યામાં ઘટાડો કરશે અને આવી રીતે ક્લિયરિંગ કોર્પોરેશનનું અનસેટલ્ડ એક્સપોઝર 50 ટકા ઘટાડી દેશે.
T-1 સેટલમેન્ટ સામે વિદેશી રોકાણકારોને શું વાંધો છે?
વિદેશી રોકાણકારો સેબીની T+1 સેટલમેન્ટ સાયકલની વિરુદ્ધ હતા, અને તેઓ વિવિધ ભૌગોલિક વિસ્તારોમાંથી ટ્રેડિંગ કરતા હોવાથી તેઓ દ્વારા સામનો કરવામાં આવતી ઓપરેશનલ સમસ્યાઓ વિશે નિયમનકાર અને નાણાં મંત્રાલયને પત્ર લખ્યો હતો. તેમણે ટાઇમ ઝોનનો તફાવત, માહિતી મેળવવાની પ્રક્રિયા અને ફોરેન એક્સચેન્જ સંબંધિત મુદ્દા ઉઠાવ્યા હતા. વિદેશી રોકાણકારોએ જણાવ્યું હતું કે, તેઓને T+1 સિસ્ટમ હેઠળ દિવસના અંતે ડોલરના સંદર્ભમાં તેમના ભારત સંબંધિત નેટ એક્સપોઝરને હેજ કરવામાં પણ મુશ્કેલી પડશે.