Tata Technologies IPO : 19 વર્ષ બાદ ટાટા ગ્રૂપની કંપની IPO લાવશે, અન્ય બે કંપનીને પણ લિસ્ટિંગ થવા સેબીની મંજૂરી

Tata Technologies IPO : સેબીએ ટાટા ગ્રૂપની ટાટા ટેકનોલોજીસ ઉપરાંત અન્ય બે કંપનીઓ ગાંધાર ઓઇલ રિફાઇનરી અને એનબીએફસી કંપની SBFC ફાઇનાન્સને પણ આઇપીઓ લાવવાની મંજૂરી આપી છે.

Written by Ajay Saroya
Updated : June 27, 2023 16:42 IST
Tata Technologies IPO : 19 વર્ષ બાદ ટાટા ગ્રૂપની કંપની IPO લાવશે, અન્ય બે કંપનીને પણ લિસ્ટિંગ થવા સેબીની મંજૂરી

Tata Technologies, Gandhar Oil, SBFC Finance IPO : ટાટા ગ્રૂપ લગભગ 19 વર્ષ બાદ તેની વધુ એક કંપનીનો આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. ભારતીય શેરબજાર નિયામક સેબીએ ટાટા ગ્રૂપની ટાટા ટેકનોલોજીસ કંપનીના પબ્લિક ઇશ્યૂને મંજૂરી આપી છે. ઉપરાંત અન્ય બે કંપનીઓ ગાંધાર ઓઇલ રિફાઇનરી (ઇન્ડિયા લિમિટેડ) અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની SBFC ફાઇનાન્સને પણ જાહેર ભરણું લાવી બજારમાં નાણાં ઉભા કરવાની મંજૂરી આપી છે. આ ત્રણ કંપનીઓના શેર BSE અને NSE પર લિસ્ટેડ થશે.

આ ત્રણેય કંપનીઓએ ડિસેમ્બર 2022 થી માર્ચ 2023 દરમિયાન સેબી પાસે તેમના આઇપીઓ માટે ડોક્યુમેન્ટ ફાઇલ કર્યા હતા.

ડિસેમ્બર 2022 થી માર્ચ 2023 દરમિયાન સેબી પાસે તેમના ઇનિશિયલ પબ્લિક ઓફર માટે ડોક્યુમેન્ટ ફાઇલ કરનાર ઉપરોક્ત ત્રણેય કંપનીઓએ તાજેતરમાં 21 થી 23 જૂન દરમિયાન રેગ્યુલેટર ઓબઝર્વેશન્સ મેળવ્યા છે. સેબીની ટેકનિકલ ભાષામાં ઓબઝર્વેશન્સનો અર્થ એવો થાય છે કે, આ કંપનીઓ શેર વેચાણ કરવા માટે આગળની કામગીરી કરી શકે છે.

ટાટા ટેકનોલોજીસ આઇપીઓ (Tata Technologies IPO)

ટાટા મોટર એ ટાટા ટેક્નોલોજીસની પેરન્ટ કંપની છે. સેબીમાં ફાઇલ કરેલા ડ્રાફ્ટ પેપર્સ મુજબ ટાટા ટેક્નોલોજિસનો આઈપીઓ માત્ર ઓફર ફોર સેલ (OFS) છે, જ્યાં કંપની તેની પેઇડ-અપ શેર મૂડીના આશરે 23.60 ટકા જેટલા 9.57 કરોડ ઇક્વિટી શેરનું વેચાણ કરશે.

આ OFS હેઠળ પેરન્ટ કંપની ટાટા મોટર્સ ટાટા ટેક્નોલોજીસની કંપનીના 8.11 કરોડ શેર અથવા 20 ટકા હિસ્સેદારી વેચશે.

ઉપરાંત ટાટા ટેકનોલોજીસના અન્ય શેરધારકોમાં આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ પીટીઇ 97.16 લાખ શેર (2.40 ટકા) સુધી અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ 48.58 લાખ ઇક્વિટી શેર (1.20 ટકા) સુધીનું વેચાણ કરવાની યોજના ધરાવે છે.

ગાંધાર ઓઇલ રિફાઇનરી આઇપીઓ (Gandhar Oil Refinery IPO)

પબ્લિક ઇશ્યૂ લાવવાની મંજૂરી મેળવનાર અન્ય બે કંપનીઓમાં ગાંધાર ઓઈલ રિફાઈનરી આઇપીઓમાં 357 કરોડ રૂપિયાના નવા શેર ઇશ્યૂની સાથે તે ઓએફએસ હેઠળ 1.2 કરોડ શેરનું વેચાણ કરશે એવું કંપનીના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં જણાવાયુ છે. OFS મારફતે કંપની 500 કરોડ રૂપિયા એક્ત્ર કરવાની ઇચ્છા ધરાવતી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

કંપની આઇપીઓ મારફતે મેળવેલા નાણાંકીય ભંડોળનો ઉપયોગ સિલવાસા પ્લાન્ટમાં ઓટોમોટિવ ઓઈલની ક્ષમતામાં વિસ્તરણ માટે જરૂરી સંશાધનોની ખરીદી અને સિવિલ વર્ક અને દેવાની ચુકવણી માટે કરવામાં આવશે.

વધુમાં, ભંડોળનો ઉપયોગ કંપનીના તલોજા પ્લાન્ટમાં પેટ્રોલિયમ જેલી અને તેની સાથે કોસ્મેટિક પ્રોડક્ટ ડિવિઝનની ક્ષમતામાં વિસ્તરણ તેમજ પ્લાન્ટમાં બ્લેન્ડિંગ ટેન્ક સ્થાપિત કરીને વ્હાઇટ ઓઇલની ક્ષમતામાં વિસ્તરણ અને કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા માટે પણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ  7 કંપનીના IPO ચાલુ સપ્તાહે ખુલશે, ઇશ્યૂ પ્રાઇસ અને તારીખ જાણી કરો રોકાણ

SBFC ફાઇનાન્સ IPO

સેબીએ નોન-બેંકિંગ ધિરાણકર્તા SBFC ફાઇનાન્સ કંપનીના IPOને પણ મંજૂરી આપી છે. આ ફાઇનાન્સ કંપની પબ્લિક ઇશ્યૂ મારફતે 1,200 કરોડ રૂપિયા એકત્ર કરવા માગે છે, જેમાં 750 કરોડ રૂપિયાના ઇક્વિટી શેર અને 450 કરોડ રૂપિયાના OFSનો સમાવેશ થાય છે. કંપની 750 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર ઇશ્યૂમાંથી મળેલી આવકનો ઉપયોગ તેના કેપિટલ બેઝ વધારવા માટે કરશે. આ NBFC કંપની ઉદ્યોગસાહસિકો, નાના વ્યાસાયિક, સ્વ-રોજગાર અને પગારદાર વ્યક્તિઓને નાણાંકીય સેવા પૂરી પાડે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ