તમામ કરદાતાઓ માટે દર વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઈલ કરવું જરૂરી છે. ઇન્કમ ટેક્સ રિટર્નમાં કરદાતાઓની વાર્ષિક આવકની વિગતો હોય છે. તેમાં આવક પર લાગુ પડતી ટેક્સની જવાબદારીનો પણ સમાવેશ થાય છે, બીજા શબ્દોમાં કહીયે તો કરદાતા માટે તેમણે કરેલી કમાણી પર ટેક્સ ચૂકવવો જરૂરી છે. આવકવેરા કાયદા- 1961ની કલમો હેઠળ સરકાર કરવેરામાં કટેલીક છુટછાટ પણ આપે છે, જેની દરેક કરદાતા પાસે જાણકારી હોવી જરૂરી છે. નવા વર્ષમાં ટેક્સ કેવી રીતે બચાવી કે ઉંચા ટેક્સની જવાબદાર કેવી રીતે ઘટાડી શકાય તે માટે ટેક્સ એક્સપર્ટ્સે કેટલીક ટિપ્સ જણાવી છે, તો ચાલો જાણીયે આવક પર કર મુક્તિનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકાય…
તમે 5 રીતે તમારી આવક પર ટેક્સ બચાવી શકો છો
ટેક્સ સેવિંગ સ્કીમમાં રોકાણ કરો
સરકાર ઇન્કમટેક્સની-કલમ 80C હેઠળ રોકાણ કરેલી રકમ પર કર કપાતની (ટેક્સ ડિડક્શન)ની મંજૂરી આપે છે. આ ટેક્સ સેવિંગ સ્કીમમાં તમારી બચતનું રોકાણ કરીને, તમે મહત્તમ રૂ. 1.5 લાખ સુધીની કર કપાતનો દાવો કરી શકો છો. કરદાતાઓને કેલેન્ડર વર્ષ 2022માં આવી સ્કીમોમાં નાણાંનું રોકાણ કરવા માટે કર મુક્તિનો લાભ મળ્યો છે. આવી સ્કીમ તમને નવા વર્ષે પણ નાણાં બચાવવામાં મદદરૂપ સાબિત થશે.
આવકવેરાના કાયદા હેઠળ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), કર્મચારી ભવિષ્ય નિધિ (EPF), ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS), નેશનલ પેન્શન સિસ્ટમ (NPS), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) 5 કે તેનાથી વધારે મુદત ધરાવતી ફિક્સ્ડ ડિપોઝિટ (FDs) સ્કીમમાં કર-કપાતનો લાભ મળે છે.
ટેક્સ એક્સપર્ટ્સના મતે, આવી ટેક્સ સેવિંગ્સ સ્કીમ્સમાં તમારી બચતનું રોકાણ કરીને, તમે લાગુ પડતી શરત મુજબ કર કપાતનો દાવો કરી શકો છો. ઉપરાંત, આની મદદથી તમે લાંબા ગાળે તમારા માટે મોટા પ્રમાણમાં નાણાંકીય ભંડોળની વ્યવસ્થા પણ કરી શકો છો.
યોગ્ય ટેક્સ સ્લેબની પસંદગી કરો
હાલ ભારતમાં બે પ્રકારના ટેક્સ સ્લેબ (કર માળખું) ઉપલબ્ધ છે – જૂના ટેક્સ સ્લેબ અને નવા ટેક્સ સ્લેબ. તમે તમારી સગવડતા મુજબ ટેક્સ સિસ્ટમ પસંદ કરી શકો છો. નવી ટેક્સ સિસ્ટમમાં ટેક્સનો રેટ ઓછો છે પરંતુ કરદાતાઓને તેમાં કર કપાતનો લાભ મળતો નથી. જેની સરખામણીએ જૂની ટેક્સ સ્લેબ સિસ્ટમમાં કરવેરાનો દર ભલે ઊંચો હોય પરંતુ તેમાંકરદાતાઓને આવકવેરાની કલમ 80C હેઠળ કર કપાતનો લાભ મળે છે. જો તમે ઇચ્છો તો તમે ટેક્સ પેટે ઓછી રકમ ચૂકવવા માટે નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરી શકો છો. ઓનલાઈન ઈન્કમ ટેક્સ કેલ્ક્યુલેટર તમને આ કામગીરીમાં મદદ કરી શકે છે. આ કેલ્ક્યુલેટરની મદદથી તમે નવી અને જૂની ટેક્સ સિસ્ટમ વચ્ચેનો તફાવત સમજી શકો છો.

હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીમાં રોકાણ કરો
નવા વર્ષમાં કર બચત માટે, તમે તમારા અને તમારા પરિવાર માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદી શકો છો. આનાથી તમે આવકવેરા કાયદાની કલમ 80D હેઠળ વીમા યોજનાના પ્રીમિયમની ચૂકવણી કરવા માટે રૂ. 25,000 હજાર સુધીની કર કપાતનો દાવો કરી શકો છો. સિનિયર સિટીઝન હોય તેવા કરદાતાઓ આવકવેરા કાયદાની કલમ 80D હેઠળ 50,000 રૂપિયા સુધીની કર કપાતનો દાવો કરી શકે છે. જો તમે તમારા માતા-પિતા માટે પણ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદી રહ્યા છો, તમે 50,000 રૂપિયાનો વધારાનો ટેક્સ બચાવી શકો છો.
હોમ લોન પર ટેક્સ સેવિંગનો ફાયદો ઉઠાવો
જો તમે બેંક અથવા નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની પાસેથી હોમ લોન લીધી હોય, તો તમે નિયમ હેઠળ તમારી લોનની રકમ અને વ્યાજ પર કર કપાતનો દાવો કરવાને લાયક છો. આવકવેરાની કલમ- 24 હેઠળ હોમ લોનના વ્યાજ પર મહત્તમ 2 લાખ રૂપિયા અને કલમ 80C હેઠળ હોમ લોનની રકમ પર મહત્તમ 1.5 લાખ રૂપિયાની કર કપાતનો લાભ ઉઠાવી શકાય છે.
સમયસર ઇન્ટમ ટેક્સ રિટર્ન ફાઈલ કરો
કમાણી કરનાર તમામ વ્યક્તિઓએ સમયસર ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવુ જોઇએ. દર વર્ષે તમામ કરદાતાઓ અથવા કંપનીઓએ 31મી જુલાઈના રોજ સુધીમાં અથવા આવકવેરા વિભાગ દ્વારા નિર્ધારિત તારીખ પહેલાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું હોય છે. જો આઇટી રિટર્ન ફાઇલ કરવાનું ચૂકી જશો તો શરતો સાથે દંડ ભરવો પડશે.