TDS Rules: ટીડીએસના નવા નિયમ 1 એપ્રિલ 2025 થી લાગુ, બેંક વ્યાજ થી લઇ શેર ડિવિડન્ડની કમાણીને થશે અસર

ટીડીએસના નવા નિયમ દેશભરમાં 1 એપ્રિલ, 2025થી લાગુ થવાના છે. નવા ટીડીએસ નિયમથી ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, નાના રોકાણકારો અને કમિશનથી આવક મેળવનારાઓને અસર થવાની છે.

Written by Ajay Saroya
March 18, 2025 13:51 IST
TDS Rules: ટીડીએસના નવા નિયમ 1 એપ્રિલ 2025 થી લાગુ, બેંક વ્યાજ થી લઇ શેર ડિવિડન્ડની કમાણીને થશે અસર
New TDS Rules: ટીડીએસના નવા નિયમ 1 એપ્રિલ 2025 થી લાગુ થઇ રહ્યા છે. (Photo: Freepik)

New TDS Rules from 1 April 2025 : ટીડીએસ સંબંધિત નવા નિયમ 1 એપ્રિલ 2025 થી લાગુ થવાના છે. હકીકતમાં નિયમોમાં આ ફેરફારોની જાહેરાત કેન્દ્ર સરકારના બજેટમાં જ કરવામાં આવી હતી, જે નવા નાણાકીય વર્ષની શરૂઆતથી લાગુ થવાના છે. નિયમોમાં આ ફેરફારોથી કરદાતાઓને થોડી રાહત મળવાની અપેક્ષા છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, નાના રોકાણકારો અને કમિશનથી આવક મેળવનારાઓને આ ફેરફારોનો લાભ મળશે. નવા નિયમો હેઠળ, ફિક્સ્ડ ડિપોઝિટ, લોટરી, વીમા કમિશન અને મ્યુચ્યુઅલ ફંડમાંથી થતી આવક પર ટીડીએસ કપાત સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા નિયમોથી કોને અસર થશે અને કોને ફાયદો, તે વિશે ચાલો જાણીયે વિગતવાર

સિનિયર સિટીઝન માટે TDS લિમિટ વધી

વરિષ્ઠ નાગરિકોને રાહત આપવા માટે, સરકારે ફિક્સ્ડ ડિપોઝિટ ( FD ) અને રિકરિંગ ડિપોઝિટ (RD) પર કર કપાતની મર્યાદામાં વધારો કર્યો છે . અત્યાર સુધી બેંકો 50000 રૂપિયાથી વધુના વ્યાજ પર ટીડીએસ કાપતી હતી, પરંતુ 1 એપ્રિલ, 2025 થી આ લિમિટ વધારી 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે જો નાણાકીય વર્ષ દરમિયાન કોઈ વરિષ્ઠ નાગરિકની વ્યાજની આવક 1 લાખ રૂપિયાથી ઓછી હોય, તો બેંકો તેના પર કોઈ TDS કાપશે નહીં.

સામાન્ય નાગરિકો માટે પણ TDS લિમિટમાં વધારો

ટીડીએસ ડિડક્શનમાં માત્ર વરિષ્ઠ નાગરિકો જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકોને પણ થોડી રાહત આપવામાં આવી છે. અત્યાર સુધી, બેંકો વાર્ષિક વ્યાજ આવક રૂ. 40,000 થી વધુ હોય તો TDS કાપતી હતી, પરંતુ નવા નિયમો હેઠળ આ મર્યાદા વધારીને રૂ. 50,000 કરવામાં આવી છે. આનાથી એફડી વ્યાજ પર નિર્ભર લોકોને ફાયદો થશે. હવે જો કોઈ નાગરિકની કુલ વ્યાજ આવક 50000 રૂપિયાથી ઓછી હોય, તો બેંક દ્વારા કોઈ TDS કાપવામાં આવશે નહીં.

લોટરી અને હોર્સ ટ્રેડિંગ માંથી કમાણી પર નવો TDS નિયમ

સરકારે લોટરી, ક્રોસવર્ડ પઝલ અથવા હોર્સ ટ્રેડિંગ માંથી થતી આવક સંબંધિત TDS નિયમોને પણ સરળ બનાવ્યા છે. અગાઉ વાર્ષિક કુલ 10000 રૂપિયાથી વધુની આવક પર ટીડીએસ કાપવામાં આવતો હતો, પરંતુ હવે આ નિયમ બદલાઈ ગયો છે. હવે એક જ વ્યવહારમાં જીતેલી રકમ 10,000 રૂપિયાથી વધુ હોય તો જ TDS કાપવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ ત્રણ વખત 9,000 રૂપિયાની લોટરી જીતે છે અને આમ લોટરી જીતવાથી તેની કુલ કમાણી 27,000 રૂપિયા થાય છે, તો પહેલા તેના પર TDS કાપવામાં આવતો હતો, પરંતુ નવા નિયમ હેઠળ, તેના પર કોઈ TDS વસૂલવામાં આવશે નહીં કારણ કે કોઈપણ એક જીતની રકમ 10,000 રૂપિયાથી વધુ નથી.

વીમા અને બ્રોકરેજ કમિશન પર TDS મર્યાદામાં વધારો

નવા નિયમોથી વીમા એજન્ટો અને દલાલોને પણ રાહત મળવાની છે. પહેલા વીમા કમિશન 15000 રૂપિયાથી વધુ હોય તો ટીડીએસ કાપવામાં આવતો હતો, પરંતુ હવે આ મર્યાદા વધારીને 20000 રૂપિયા કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે નાના પાયાના એજન્ટોને હવે TDS કપાતની સમસ્યામાંથી રાહત મળશે અને તેમના રોકડ પ્રવાહમાં સુધારો થશે.

ડિવિડન્ડ આવક પર TDS કપાતમાં રાહત

નવા નિયમોથી મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારમાં રોકાણ કરનારાઓને પણ રાહત મળી છે. અત્યાર સુધી, શેર અને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ દ્વારા રૂ. 5,000 થી વધુની ડિવિડન્ડ આવક પર ટીડીએસ કાપવામાં આવતો હતો. પરંતુ હવે આ મર્યાદા વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. એટલે કે, 1 એપ્રિલ, 2025 થી, જો કોઈ રોકાણકારને મ્યુચ્યુઅલ ફંડ અથવા કંપનીઓ તરફથી 10,000 રૂપિયા સુધીનો ડિવિડન્ડ મળે છે, તો તેના પર કોઈ TDS કાપવામાં આવશે નહીં.

નવા TDS નિયમો સામાન્ય કરદાતાઓ, વરિષ્ઠ નાગરિકો, રોકાણકારો અને કમિશન દ્વારા કમાણી કરનારાઓને રાહત આપશે તેવી અપેક્ષા છે. આ ફેરફારો દ્વારા, સરકારે મધ્યમ વર્ગ અને નાના રોકાણકારોના હાથમાં વધુ પૈસા રાખવાનો પ્રયાસ કર્યો છે. 1 એપ્રિલ, 2025 થી અમલમાં આવનારા આ નિયમો કરદાતાઓ માટે સરળ બનશે અને કર બચાવવામાં પણ મદદ કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ