Google AI Mode in Search: ગુગલ સતત તેના AI મોડમાં નવા ફીચર્સ ઉમેરી રહ્યું છે અને હવે કંપની એક નવું ફીચર લઈને આવી છે જે વિઝ્યુઅલ રિઝલ્ટ પ્રદાન કરે છે. એક બ્લોગ પોસ્ટમાં ટેક જાયન્ટે જણાવ્યું હતું કે આજથી ગૂગલ AI મોડના યુઝર્સ વાતચીતના અંદાજમાં પ્રશ્નો પૂછી શકશે અને તેમને એઆઈ મોડમાં વિવિધ વિઝ્યુઅલ પરિણામો મળશે.
ઉદાહરણ તરીકે જો તમે તમારા બેડરૂમ માટે ડિઝાઇન ઇંસ્પિરેશન શોધી રહ્યા છો તો AI મોડ તમારા વિચારને હકીકતનું રુપ આપવામાં મદદ કરશે અને એવા વિઝ્યુલ બતાવશે જે તમારી જરૂરિયાતો સાથે મેળ ખાતા હોય.
અંગ્રેજી સિવાય અન્ય ભાષાઓ પણ સામેલ
ગૂગલ સર્ચનો એઆઈ મોડ તમને લાંબા, વધુ મુશ્કેલ અને નાના પ્રશ્નો પૂછવાની સુવિધા આપે છે જે પહેલા યુઝર્સને ઘણા અલગ-અલગ સર્ચ ક્વેરી કરીને શોધવા પડતા હતા. શરૂઆતમાં આ સુવિધા ફક્ત અંગ્રેજીમાં ઉપલબ્ધ હતી, પરંતુ હવે ગૂગલે અન્ય ભાષાઓ માટે પણ સપોર્ટ ઉમેર્યો છે – જેમ કે હિન્દી, બ્રાઝિલિયન પોર્ટુગીઝ, ઇન્ડોનેશિયન, કોરિયન અને જાપાનીઝ સામેલ છે.
ગુગલનું કહેવું છે કે તમે AI મોડને વધુ વિકલ્પો આપવા માટે કહી શકો છો અને ફક્ત એક તસવીર શેર કરીને અથવા ફોટો લઈને જ સર્ચ કરી શકો છો. દરેક તસવીર સાથે સંકળાયેલી એક લિંક પણ હશે, જેથી યુઝર્સ કોઈ ચોક્કસ વસ્તુ અથવા પરિણામને સરળતાથી ચકાસી શકશે.
આ પણ વાંચો – GST 2.0 ની મોટી ભેટ, મારુતિ સુઝુકી ડિઝાયર 88,000 રુપિયા સુધી સસ્તી થઇ
ઓનલાઇન શોપિંગ કરતા યુઝર્સ માટે આ ફીચર ખૂબ જ મદદરૂપ
ઓનલાઇન શોપિંગ કરતા યુઝર્સ માટે આ ફીચર ખૂબ જ મદદરૂપ છે. કારણ કે તેઓ નેચરલી ભાષામાં કહી શકે છે કે તેમને શું જોઈએ છે અને કોઈપણ મુશ્કેલ ફિલ્ટર્સ વિના પરિણામો મેળવી શકે છે. જેમિની 2.5 ની અદ્યતન મલ્ટિમોડલ અને ભાષા ક્ષમતાઓ દ્વારા એઆઈ મોડ ફોટામાં રહેલી વિગતો અને વસ્તુઓને ઓળખી શકે છે અને શોધી શકે છે. જો તમે ઇચ્છો તો તમે તસવીરમાં કંઈક ખાસ વસ્તુને સર્ચ કરી શકો છો અને તેના વિશે ફોલો-અપ પ્રશ્નો પણ પૂછી શકો છો.
જોકે આ ફીચર હાલમાં માત્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં જ ઉપલબ્ધ છે. પરંતુ આશા છે કે ભવિષ્યમાં ગૂગલ તેને દુનિયાના બાકીના દેશોમાં ઉપલબ્ધ કરાવશે.