Best Ways to Invest Diwali Bonus in Gujarati : દિવાળી બોનસ મળવાની ઘણા લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. દિવાળી પર કર્મચારીઓને કંપની તરફથી બોનસ સ્વરૂપે મોટી રકમ આપવામાં આવે છે. જેથી બોનસના પૈસાથી લોકો આનંદપૂર્વક દિવાળીનો તહેવાર ઉજવી શકે. ઘણા લોકો બોનસ મળતા જ દિવાળીની ખરીદી કરવા લાગે છે, જો કે ખરાબ આદત છે. દિવાળી બોનસનો કાળજી પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી મોટો લાભ મેળવી શકાય છે. ચાલો જાણીયે દિવાળી બોનસ કેવી રીતે ઉપયોગ કરવાથી કમાણી અને નફો મેળવી શકાય છે.
સોનું ચાંદી ખરીદો
દિવાળી પર સોનું ચાંદી ખરીદવું શુભ મનાય છે. હાલ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચતા લોકો માટે કિંમતી ધાતુની ખરીદી કરવી મુશ્કેલ બની ગઇ છે. આવી સ્થિતિમાં દિવાળી બોનસની રકમ માંથી તમારી ક્ષમતા મુજબ સોનું ચાંદી ખરીદી શકાય છે. જો તમારે બોનસના પૈસા ઓછા હોય તો પોતાના પાસેથી થોડીક રકમ ઉમેરી શકાય છે. સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે, આથી તેમા કરેલું રોકાણ નફો આપશે જ.
હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદો
આજનો સમય ઘણો અનિશ્ચિતતાભર્યો છે. બીમારીઓ વ્યક્તિને ગમે ત્યારે થઇ શકે છે, જે વ્યક્તિ અને તેના પરિવારને શારીરિક, આર્થિક અને માનસિક રીતે તોડી નાંખે છે. જો કે હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી બીમારી સામે નાણાકીય રક્ષણ આપે છે. આથી દિવાળી બોનસ આવે એટલે સ્માર્ટફોન કે અન્ય બિનજરૂરી ચીજ ખરીદવાના બદલે હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી લેવી શાણપણ ભર્યું રહેશે. દિવાળી બોનસ માંથી ખરીદેલી આરોગ્ય વીમા યોજના આખું વર્ષ તમારા પરિવારને બીમારી સામે સુરક્ષા કવચ પુરું પાડશે.
SIPમાં રોકાણ કરો
દિવાળી બોનસનૈ પૈસા માંથી એસઆઈપી જેવી વિવિધ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય છે. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો ઉત્તમ વિકલ્પ છે. 500 રૂપિયા જેટલી નજીવી રકમથી પણ SIP રોકાણ શરૂ કરી શકાય છે. માસિક, ત્રિમાસિક અને લમસમ એક સાથે મોટી રકમ દ્વારા SIPમાં રોકાણ કરી લાંબા ગાળે ફાયદો મેળવી શકાય છે.
બેંક ફિક્સ્ડ ડિપોઝિટ કરાવો
બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પરંપરાગત રોકાણનો વિકલ્પ છે. હાલ ઘણી બેંકો એફડી રોકાણ પર આકર્ષક વળતર આપે છે. 1 વર્ષ, 3 વર્ષ 5 વર્ષ કે તેનાથી લાંબા સમયગાળા માટે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવી શકાય છે.
ટપાલ બચત યોજના
દિવાળી બોનસનું રોકાણ કરવા માટે ટપાલ બચત યોજના શ્રેષ્ઠ વિકલ્પ છે. 500 રૂપિયા જેટલી નજીવી રકમ સાથે પોસ્ટ સેવિંગ સ્કીમમાં રોકાણ શરૂ કરી શકાય છે. ટપાલ બચત યોજનામાં ચોક્કસ વ્યાજદર મળે છે.
શેર ખરીદો
શેરબજારમાં ઘણા લોકો રોકાણ કરે છે. આવી સ્થિતિમાં દિવાળી બોનસના પૈસા માંથી સારી કંપનીના શેર ખરીદી શકાય છે. શેરબજારમાં રોકાણ કરવા પર સ્ટોકના ભાવમાં વૃદ્ધિ, ડિવિડન્ડ અને બોનસ શેર સ્વરૂપે કમાણી થાય છે.
IPOમાં રોકાણ કરો
આઈપીઓ શેરબજારમાં કમાણી કરવાનો સરળ રસ્તો છે. આથી દિવાળી બોનસના પૈસા માંથી આઈપીઓ સબ્સક્રાઇબ કરી નફો મેળવી શકાય છે. આઈપીઓ રોકાણમાં લિસ્ટિંગ ગેઇનથી કમાણી કરી શકાય છે. શેરબજારમાં સારી કંપનીઓના આઈપીઓમાં રોકાણ કરવું હિતાવહ રહે છે.
ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટની ચૂકવણી
દિવાળી બોનસના પૈસા માંથી ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ ચૂકવણી કરી શકાય છે. તેનાથી ક્રેડિટ કાર્ડના ઉંચા વ્યાજ ચૂકવવાથી બચી શકાશે. સાથે સાથે તમારો સિબિલ સ્કોર પણ સુધરશે.
વાહન ખરીદો
જો તમે નવું વાહન ખરીદવાનું વિચારો છો તો દિવાળી બોનસ તમને મદદરૂપ થઇ શકે છે. દિવાળી બોનસના પૈસા માંથી વાહન માટે ડાઉન્ટ પેમેન્ટ કરી શકાય છે. ત્યારબાદ દર મહિને માસિક EMI હપ્તો કરાવી લો.
શાળા કોલેજ અને ટ્યુશનની ફી ચૂકવો
દિવાળી બોનસનો ખોટી જગ્યાએ ખર્ચ કરવાના બદલે તમારા બાળકની શાળા કોલેજ અને ટ્યુશનની ફી ચૂકવવી જોઇએ. જેનાથી તમારા બાળકને અભ્યાસ કરવામાં મુશ્કેલી પડશે નહીં. સાથે સાથે તમે ભવિષ્યમાં વધારે બચત કરી શકશો.