Best Investment Option For Tax Saving And High Returns: જો તમે હજુ સુધી ઇન્કમ ટેક્સ બચાવવા માટે જરૂરી રોકાણનું આયોજન કર્યું નથી, તો અત્યારે જ કરો. જો તમે વર્તમાન નાણાકીય વર્ષ માટે ટેક્સ સેવિંગ માટે છેલ્લી ઘડીનું રોકાણ કરવા માંગતા હોવ અથવા આગામી નાણાકીય વર્ષ માટે હવેથી યોજના બનાવવાનો ઇરાદો ધરાવો છો, અહીં આપેલી માહિતી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ટોપ – 5 ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરીને, તમે ઇન્કમ ટેક્સમાં બચત કરવાની સાથે સાથે આકર્ષક રિટર્ન પણ મેળવી શકો છો.
નેશનલ પેન્શન સ્કીમ / એનપીએસ (NPS)
નેશનલ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ એ એક વિકલ્પ છે જે ટેક્સ સેવિંગના મામલે બહુ સારો વિકલ્પ છે. એટલું જ નહીં, તેણે છેલ્લા 5 વર્ષમાં સરેરાશ વાર્ષિક 8 ટકાથી વધુ વળતર આપ્યું છે. તેમા રોકાણ કરવાથી, તમારા પૈસા નિવૃત્તિ સુધી લોક થઈ જાય છે. પરંતુ જો તમે 80સીની લિમિટ પૂરી થયા પછી પણ રોકાણ કરીને ટેક્સ બચાવવા માંગો છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આમાં, કલમ 80સી હેઠળ રૂ. 1.5 લાખ સુધીના વાર્ષિક રોકાણ પર ઉપલબ્ધ ટેક્સ બેનેફિટ ઉપરાંત, કલમ 80CCD(1b) હેઠળ રૂ. 50 હજારના વધારાના રોકાણ પર પણ કર મુક્તિ ઉપલબ્ધ છે.

ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS)
ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS) પણ ટેક્સ સેવિંગના સંદર્ભમાં વધુ સારો વિકલ્પ છે. આ સ્કીમમાં છેલ્લા 5 વર્ષમાં સરેરાશ 18 ટકાથી વધુ વળતર મળ્યું છે. સારી વાત એ છે કે તેમા રોકાણનો લૉક-ઇન પીરિયડ માત્ર 3 વર્ષનો છે, જે અન્ય કર બચતના વિકલ્પો કરતાં ઓછો છે. એટલું જ નહીં, ઇક્વિટી ફંડની કેટેગરીમાં હોવાના કારણે, એક વર્ષમાં 1 લાખ રૂપિયા સુધીના નફા પર કોઈ ટેક્સ લાગતો નથી. જો નફો આનાથી વધુ હોય, તો 10 ટકાના દરે લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ (LTCG) ટેક્સ વસૂલવામાં આવે છે, જે ઊંચા ટેક્સ સ્લેબમાં રહેતા લોકો માટે ફાયદાકારક છે. ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સ SIP દ્વારા રોકાણ કરવાનું વધુ સારું માને છે, જે એવરેજિંગ પ્રોફિટ પૂરો પાડે છે અને બજારની વધઘટથી રોકાણ પર અસર થવાનું જોખમ ઘટાડે છે. લાંબા ગાળે સંપત્તિ સર્જન માટે આ એક વધુ સારો વિકલ્પ છે.
યુનિટ લિંક્ડ વીમા યોજના (ULIP)
ટેક્સ સેવિંગના મામલે યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન (યુલિપ) પણ વધુ સારો વિકલ્પ ગણી શકાય. છેલ્લા 5 વર્ષમાં તેમનું સરેરાશ વાર્ષિક વળતર પણ 8 ટકાથી વધુ રહ્યું છે. ટેક્સ સેવિંગ યુલિપમાં રોકાણ પર 5 વર્ષનું લોક-ઇન પીરિયડ છે. તેમની સૌથી મોટી વિશેષતા એ છે કે ULIPની પાકતી મુદત પર પ્રાપ્ત થતી રકમ કલમ 10(10d) હેઠળ સંપૂર્ણપણે કરમુક્ત છે. પરંતુ આ લાભ ત્યારે જ મળશે જ્યારે તમારા ULIP પ્લાનમાં લાઇફ કવરેજ વાર્ષિક પ્રીમિયમના ઓછામાં ઓછા 10 ગણું હોય.

બીજી ખાસ વાત એ છે કે યુલિપના કિસ્સામાં, પોલિસી ધારક તેની સુવિધા અનુસાર ઇક્વિટી ફંડમાંથી ડેટ ફંડમાં અથવા ડેટ ફંડમાંથી ઇક્વિટી ફંડમાં સ્વિચ ઓન કરી શકે છે અને તેમની કર જવાબદારી પર કોઈ અસર થતી નથી! પરંતુ એક વાત યાદ રાખો કે ULIP દ્વારા આપવામાં આવતું જીવન કવર સામાન્ય રીતે પૂરતું હોતું નથી. તેને ધ્યાનમા રાખતા તે ખૂબ જ ખર્ચાળ રોકાણની યોજના હોવાનું દેખાય છે. પરંતુ કર બચતને કારણે, ખાસ કરીને પાકતી મુદતની રકમ કરમુક્ત હોવાથી તેને વધુ સારો વિકલ્પ ગણી શકાય. ઉપરાંત, લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખવાથી તેમાં આકર્ષક પોસ્ટ- ટેક્સ રિટર્ન પણ મેળવી શકાય છે.
સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS)
સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) એ વૃદ્ધો એટલે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કરવેરો બચાવવાનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે. હાલ તેમાં રિટર્નનો વર્તમાન દર 8 ટકાથી વધુ છે. તેમા કરેલા રોકાણ પર 5 વર્ષનો લોક-ઈન પીરિયડ લાગુ પડે છે. આ પછી સ્કીમને વધુ 3 વર્ષ માટે વધારી શકાય છે. જો કે મેચ્યોરિટી પર મળેલી રકમ કરપાત્ર છે, પરંતુ વરિષ્ઠ નાગરિકોએ વર્ષમાં રૂ. 50,000 સુધીના વ્યાજ પર ટેક્સ ચૂકવવો પડતો નથી. આમાં વ્યક્તિ વધુમાં વધુ 30 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. 80C હેઠળ ટેક્સ બેનિફિટ પહેલીવાર રોકાણ કરવામાં આવેલી રકમ પર ઉપલબ્ધ છે, પરંતુ આ લાભ એકાઉન્ટના રિન્યુઅલ પર ઉપલબ્ધ નથી.
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)

દીકરીના નામે રોકાણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી આ યોજના હાલમાં વાર્ષિક 8.2 ટકાના દરે વ્યાજ આપી રહી છે. ફક્ત તે લોકો જ તેમાં રોકાણ કરી શકે છે જેમની દીકરીની ઉંમર 10 વર્ષ કે તેથી ઓછી છે. દીકરી 18 વર્ષની થાય ત્યાં સુધી આમાં રોકાણ કરાયેલા પૈસા લોક કરી દેવામાં આવે છે. આમાં કરેલા રોકાણ પર 80C હેઠળ કર મુક્તિ ઉપલબ્ધ છે અને પાકતી રકમ પણ કરમુક્ત છે. એક વર્ષમાં આ સ્કીમ હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જ જમા કરાવી શકાય છે. માતા-પિતા વધુમાં વધુ બે દીકરીઓ માટે આ ખાતા ખોલાવી શકે છે, પરંતુ બંને ખાતામાં જમા રકમ એક વર્ષમાં 1.5 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. હાલમાં આ યોજના EEE લાભો ઓફર કરતી તમામ યોજનાઓમાં સૌથી વધુ નિશ્ચિત વળતર આપી રહી છે.
યોગ્ય કર વ્યવસ્થા પસંદ કરવાની ખાતરી કરો
એક વાત યાદ રાખો કે જો તમે હોમ લોનની મુદ્દલ રકમ, વ્યાજની ચુકવણી અને સેક્શન 80C હેઠળ આવરી લેવામાં આવેલા રોકાણ વિકલ્પો દ્વારા ટેક્સ બચાવવા માંગતા હો, તો જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરવાનું ભૂલશો નહીં. જો આમ કરવામાં નહીં આવે, તો આ વર્ષથી તમે ડિફોલ્ટ રૂપે નવી કર વ્યવસ્થામાં આપમેળે જતા રહેશો. અને પછી તમારી પાસે ટેક્સ બચાવવા માટે બહુ વધારે વિકલ્પો નહીં હોય. હા, જો તમારી વાર્ષિક આવક રૂ. 7 લાખથી ઓછી છે, તો નવી કર વ્યવસ્થા તમારા માટે ફાયદાકારક સોદો બની શકે છે.
આ પણ વાંચો | લોન લેવામાં અને EMI પેમેન્ટમાં આ 5 વાત ધ્યાનમાં રાખો, નહીંત્તર દેવાના ડુંગર નીચે દબાઇ જશો
(અસ્વીકરણ: આ લેખનો હેતુ માત્ર જાણકારી આપવાનો છે. કોઈપણ રોકાણનો નિર્ણય તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇજર્સની સલાહ લીધા પછી જ લેવો.)





