Top Up Home Loan: ટોપ અપ હોમ લોન લેનારા સાવધાન, નહીંત્તર દેવાના ડુંગર તળે દબાઈ જશો, જાણો

Top Up Home Loan Advantages And Disadvantages ટોપ અપ હોમ લોન મેળવવી સરળ છે જો કે તેની સાથે અમુક જોખમ જોડાયેલા છે. તાજેતરમાં આરબીઆઈ એ ટોપ અપ લોન અંગે ચેતવણી ઉચ્ચારી હતી.

Written by Ajay Saroya
August 12, 2024 22:16 IST
Top Up Home Loan: ટોપ અપ હોમ લોન લેનારા સાવધાન, નહીંત્તર દેવાના ડુંગર તળે દબાઈ જશો, જાણો
Home Loan EMI Payments: હોમ લોન ઇએમઆઈ પેમેન્ટ ઝડપથી ચૂકવવા લોનનો સમયગાળો ઓછો રાખવો જોઇએ. (Photo - Freepik)

Top Up Home Loan Advantages And Disadvantages : હોમ લોન ટોપ અપ અંગે રિઝર્વ બેંકે તાજેતરમાં ચેતવણી ઉચ્ચારી છે. સામાન્ય રીતે હોમ લોન પર ઘર ખરીદનાર લોકો ઘરમાં રિનોવેશન, ફર્નિશિંગ કે કોઇ અન્ય કામકાજ માટે ટોપઅપ હોમ લોન સુવિધાનો ઉપયોગ કરે છે. આ લોન સરળતાથી મળી રહે છે, તેથી ઘણી વખત તે ઘરના માલિકો માટે ખૂબ ઉપયોગી છે. પરંતુ તેની સાથે કેટલાક જોખમ જોડાયેલા હોય છે, જે અંગે લોન લેનારાઓએ સાવધાન રહેવું જોઈએ. નહીંત્તર ઘર માટે લીધેલી લોન બેઘર થવાનું કારણ બની શકે છે.

ટોપ અપ હોમ લોન એટલે શું? (What Is Top Up Home Loan)

ટોપ અપ હોમ લોન એ એક વધારાની લોન છે જે બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ એવા ગ્રાહકોને ઓફર કરે છે જેમની પાસે પહેલેથી જ હોમ લોન છે. આ લોન એવા લોનધારકોને આપવામાં આવે છે જેમણે સતત 18 થી 24 મહિના સુધી સમયસર હોમ લોન ઇએમઆઇની ચુકવણી કરી છે. ટોપ અપ લોનની મહત્તમ રકમ સામાન્ય રીતે તમારી મુખ્ય હોમ લોનની રકમ અને હાલની બાકી નીકળતી રકમ વચ્ચેના તફાવત પર આધારિત હોય છે. ટોપ અપ હોમ લોનની મુદત, સૈદ્ધાંતિક રીતે, તમારી હાલની હોમ લોનના બાકીના સમયગાળા સુધી લંબાવી શકાય છે. જો કે, મોટાભાગની બેંકો તેને 15 વર્ષ સુધીના સમયગાળા સુધી મર્યાદિત કરે છે. આ લોન સામાન્ય રીતે 2 થી 3 અઠવાડિયામાં આપવામાં આવે છે, પરંતુ કેટલીક બેંકો હવે તાત્કાલિક ઓછી રકમ સાથે ટોપ અપ લોન આપવાનો વિકલ્પ આપી રહી છે.

ટોપ અપ હોમ લોન કેમ લોકપ્રિય છે?

ટોપ અપ હોમ લોન લોકપ્રિય બનવાનું કારણ એ છે કે તેમના પર લેવામાં આવતા વ્યાજ દર પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ લોન અથવા ગોલ્ડ લોન કરતા ઓછા હોય છે. આ લોન સામાન્ય રીતે સમાન વ્યાજ દરે અથવા તમારી હાલની હોમ લોન જે દરે ચાલી રહી છે તેના કરતા થોડાક વધુ વ્યાજદર પર ઓફર કરવામાં આવે છે. આ કારણે લોન લેનારાઓ માટે ટોપ અપ લોન એક આકર્ષક વિકલ્પ બની જાય છે. જો આની મદદથી તેઓ ઊંચા વ્યાજદરની અન્ય લોન કોન્સોલિટેડ કરવામાં સક્ષમ છે, તો તે વધુ ફાયદાકારક છે. ટોપ અપ હોમ લોન મેળવવા માટે દસ્તાવેજો પણ ઓછા સબમિટ કરવા પડે છે, જેના કારણે તે મેળવવામાં ઘણી સરળતા રહે છે.

Home Loan | Home Loan Interest Burden | Home Loan Interest Rate | Cheapest Home Loan | Home Loan Tips
Home Loan : હોમ લોન (Photo – Freepik)

ટોપ અપ હોમ લોનમાં ક્યા જોખમ છે? (Top Up Home Loan Risk)

ટોપ અપ હોમ લોનમાં ફાયદાની સાથે સાથે મોટા જોખમ પણ છે. આ લોનની સરળ ઉપલબ્ધતાને કારણે ઘણી વખત લોકો તેમના બજેટ કરતા વધુ ખર્ચ કરવા માટે પ્રેરિત થઈ શકે છે. જો આ વધારાની લોનની મદદથી કોઈ બિન આવશ્યક ખર્ચ કરે અથવા સટ્ટાબાજી જેવા જોખમી રોકાણમાં નાણાં અટવાઈ જાય છે, તો જોખમ વધી જાય છે.

જો કોઈ લોન લેનારે ટોપ અપ લોનની રકમ ખોટી રીતે રોકાણ કરીને ગુમાવી દીધી હોય અને પછી સમયસર બેંકની લોન ભરપાઈ ન કરી શકે તો તેને ડિફોલ્ટર ગણી શકાય અને આવી સ્થિતિમાં બેન્ક પ્રોપર્ટી એટલે કે મકાનનો કબજો લઈ શકે છે, જેના નામે ટોપ-અપ હોમ લોન લેવામાં આવી હતી.

તેથી, ઉધાર લેનારાઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે. કાયદા અનુસાર, ટોપ અપ લોનનો ઉપયોગ ફક્ત ઘરને લગતા આવશ્યક કામકાજ જેવા કે ઘરનું રિનોવેશન અને ફરજિયાત અપગ્રેડ્સ વગેરે માટે જ થવો જોઈએ, શેર બજાર અથવા અન્ય જોખમી રોકાણો માટે નહીં.

ટોપ અપ હોમ લોન લેતી વખતે આ બાબત ધ્યાનમાં રાખો

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ પણ આવી ટોપ અપ લોનની ઝડપથી વધી રહેલી લોકપ્રિયતા અંગે ચિંતા વ્યક્ત કરી છે, ખાસ કરીને જ્યારે કેટલીક બેન્કો લોન ટુ વેલ્યુ (એલટીવી) રેશિયો, રિસ્ક વેઇટેજ અને ઉધાર લીધેલા ભંડોળના ઉપયોગ સંબંધિત ધોરણોનું ચુસ્તપણે પાલન કરતી નથી.

RBI Repo Rate FY25 | governor shashikant das
આરબીઆઈ રેપો રેટ FY25 – ગવર્નર શશિકાંત દાસે (ફોટો ફાઈલ – એક્સપ્રેસ)

આરબીઆઈ ની આ ચેતવણી બાદ લોન લેનારાઓએ એલટીવી લિમિટ વટાવે નહીં તેની કાળજી લેવી જોઈએ, જે ઘરની કિંમતના 75 ટકાથી 90 ટકા સુધીની હોય છે. તદુપરાંત, ટોપ અપ હોમ લોન ની મુદત બેથી ચાર વર્ષ સુધી મર્યાદિત રાખવાની પણ સલાહ આપવામાં આવે છે, પછી ભલે તેના પર વ્યાજ દર ઓછો હોય. લાંબા ગાળાની પસંદગી કરવાથી એકંદરે વ્યાજની ચુકવણીમાં વધારો થઈ શકે છે, જેનાથી લોન મોંઘી થઈ શકે છે.

આ પણ વાંચો | હવે 2 દિવસ નહીં માત્ર 2 કલાકમાં ચેક ક્લિયર થશે, જાણો શું છે આરબીઆઈ ની ચેક ટ્રંક્શન સિસ્ટમ

આમ કુલ મળીને સમજવા જેવી બાબત એ છે કે, ભલે ટોપ અપ હોમ લોન એ વધારાની લોન સરળતાથી મેળવવાનો અનુકૂળ માર્ગ છે, પરંતુ તેનો ઉપયોગ ખૂબ જ સમજદારીપૂર્વક થવો જોઈએ. લોન લેનારા એ તેમના બજેટને વળગી રહેવું જોઈએ અને બિનજરૂરી ખર્ચ અથવા અટકળોના આધારે રોકાણ માટે આ લોનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. સૌથી મહત્વની બાબત એ છે કે કોઈપણ સ્થિતિમાં જરૂરથી વધુ ઉધાર ન લો, નહીં તો લોન ચૂકવવાની પ્રક્રિયામાં લોન લેનારાઓનું ઘર પણ જોખમમાં મુકાઇ હોઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ