માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે ભારતમાં તેની બ્લુ ટિક સર્વિસ માટેના ચાર્જ જાહેર કર્યા છે. ટ્વિટરના નવા સીઈઓ એલોન મસ્કે ભારતમાં સત્તાવાર રીતે ટ્વિટર બ્લુ ટિક લોન્ચ કર્યું છે. કંપની મોબાઇલ યુઝર્સ અને વેબસાઇટ યુઝર્સ માટે બ્લુ ટિક સર્વિસના અલગ અલગ ચાર્જ નક્કી કર્યા છે. આ સાથે જ ટ્વિટર તેની આ ઓફરને લિમિટેડ ગણાવી છે, તેથી કંપની આગામી સમયમાં ભારતમાં બ્લુ ટિક સર્વિસના ચાર્જમાં ફેરફાર કરી શકે છે.
મોબાઇલ અને વેબ માટે અલગ-અલગ ચાર્જ
ટ્વિટર મોબાઇલ અને વેબસાઇટ પર બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન માટે અલગ અલગ ચાર્જ નક્કી કર્યા છે. જો તમે મોબાઈલ પર માસિક ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શન પસંદ કરશો, તેની માટે તમારે દર મહિને 900 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. અલબત્ત મોબાઇલની તુલનાએ વેબસાઇટ પર બ્લુ ટિક સબ્સ્કિપ્શનનો ચાર્જ ઓછો છે. ટ્વિટરે વેબ પર સબસ્ક્રિપ્શનનો ચાર્જ માસિક 650 રૂપિયા નક્કી કર્યો છે.
બ્લુ ટિક માટે વાર્ષિક સ્કીમની પણ ઓફર
ઉપરાંત ટ્વિટરે વેબની બ્લુ ટિક સર્વિસ માટે એન્યુઅલ સબ્સ્ક્રિપ્શન સ્કીમ પણ શરૂ કરી છે. આ એન્યુઅલ સ્કીમમાં યુઝર્સે એક વર્ષ માટે 6800 રૂપિયા ચૂકવવા પડશે, આમ માસિક ખર્ચ 566 રૂપિયા થશે.
હાલ ક્યા દેશોમાં આવી સબ્સ્ક્રિપ્શન સર્વિસ શરૂ થઇ છે?
એલોન મસ્કે માઇક્રો બ્લોગિંગસાઇટ ટ્વિટરને ટેકઓવર કર્યા બાદ તેના મેનેજમેન્ટ અને સર્વિસમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ છે તેની વેરિફાઇડ એકાઉન્ટ માટે બ્લુ ટિક સર્વિસ માટે ચાર્જની વસૂલાત. કંપનીએ પાછલા વર્ષે નવેમ્બરમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને યુકે સહિતના પસંદગીના દેશમાં સબ્સ્ક્રિપ્શન આધારિત બ્લુ ટિક સર્વિસ શરૂ કરવામાં આવી છે. જો કે, પેમેન્ટ લઇને શંકાસ્પદ એકાઉન્ટની ખરાઈ કર્યા બાદ તે પાછી ખેંચી લેવામાં આવી હતી. ટ્વિટરના માલિક એલોન મસ્કએ તે સમયે કહ્યું હતું કે ભારતમાં આ સર્વિસ એક મહિનાથી ઓછા સમયમાં શરૂ કરવામાં આવશે, જો કે હવે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
એકાઉન્ટ વેરિફિકેશન કેવી રીતે થશે
ટ્વિટર દ્વારા આ સર્વિસ ડિસેમ્બરમાં ફરી શરૂ કરવામાં આવી હતી. આ વખતે ફોન નંબરના વેરિફિકેશન સહિત ઘણા નિયમો બદલવામાં આવ્યા છે. જોકે વિશ્વના અન્ય બજારોમાં તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. આ સર્વિસનો લાભ લેવા માટે, તમારે તમારા પ્રોફાઇલ ટેબની નીચે ડાબી બાજુ સ્વાઇપ કરીને ઍક્સેસ મેળવવી પડશે. તેના પર ક્લિક કર્યા પછી, તમે સીધા સબ્સ્ક્રિપ્શન વિંડો પર જશો.
સબસ્ક્રિપ્શન લેનારા યુઝર્સને શું ફાયદો થશે?
- વેરિફિકેશન બાદ બ્લુ ચેકમાર્ક મળશે.
- આન્સર અને સર્ચમાં પ્રાથમિકતા મળશે.
- હોમ ટાઇમલાઇનમાં 50 ટકા ઓછી જાહેરાતો મળશે.
- લાંબા વિડિયો પોસ્ટ કરવાની મંજૂરી મળશે.
- Twitter Blue Labsની સુવિધાઓ જેવી કે- ટ્વિટ એડિટિંગ, NFT પ્રોફાઇલ ફોટા અને 1080p વિડિયો અપલોડ્સ કરવાની મંજૂરી મળશે.