મ્યુચ્યુઅલ ફંડ્સ પ્રત્યે રોકાણકારોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. દર વર્ષે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનું કદ વધી રહ્યું છે. ગયા વર્ષે શેરબજારની અફરાતરફી વચ્ચે પણ લોકોએ મ્યુચ્યુઅલ ફંડની વિવિધ સ્કીમ અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માંરોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. મ્યુ. ફંડ ઉદ્યોગની એસેટ અંડર મેનેજમેન્ટ 40 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે.
આવી સ્થિતિમાં નિષ્ણાતોનું માનવું છે કે જો બજેટ 2023માં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સંબંધિત ટેક્સમાં થોડીક રાહત આપવામાં આવે તો ફંડ ઉદ્યોગનું કદ ઝડપથી વધશે. આ સાથે જ મોટી સંખ્યામાં નવા રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ કરવા પ્રેરિત થશેશે. માર્કેટ એક્સપર્ટ્સે ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS) પરની કર મુક્તિ મર્યાદામાં વધારો, યુલિપ (ULIP) જેવા મ્યુચ્યુઅલ ફંડમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ( LTCG)ના નિયમો અને ડેટ આધારિત સેવિંગ્સ સ્કીમ્સ જેવા કેટલાંક પગલાંઓ સમગ્ર મ્યુ. ફંડ્સ ઉદ્યોગને પ્રોત્સાહન આપી શકે છે.
ELSS : 80(સી) હેઠળ કર મુક્તિની મર્યાદા વધવાની અપેક્ષા
મ્યુચ્યુઅલ ફંડના નિષ્ણાંતોનું માનવું છે કે ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ એટલે કે ELSS જેવી સ્કીમ પર કર મુક્તિની મર્યાદા વધારવાથી તેની પ્રત્યે રોકાણકારોનો રસ વધુ વધશે. બીએનપી ફિનકેપના ડિરેક્ટર એકે નિગમના જણાવ્યા અનુસાર, આવકવેરા કાયદાની કલમ 80(સી) હેઠળ ELSS પરની કર મુક્તિ મર્યાદાને હાલની 1.50 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરવી જોઈએ. 1.50 લાખ રૂપિયા ઉપરાંત નેશનલ પેન્શન સિસ્ટમ જેવી રિટાયરમેન્ટ પ્રોડક્ટ્સ પર 50,000 રૂપિયાની વધારાની કર મુક્તિ આપવામાં આવી રહી છે.
એક સમાન સ્કીમ પર એક સમાન કર
એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઈન્ડિયા (AMFI) એ માંગણી કરી છે કે જો મ્યુ. ફંડ્સ ઇન્વેસ્ટમેન્ટની એક સમાન સ્કીમ્સ પર એક સમાન ટેક્સ લાગુ કરવામાં આવે તો મ્યુચ્યુઅલ ફંડ્સમાં લોકોની રુચિ વધુ વધશે. હાલમાં, મ્યુચ્યુઅલ ફંડના ELSS ઉપરાંત ઇન્સ્યોરન્સ, પેન્શન ફંડ, NPS પર કર મુક્તિની સુવિધા ઉપલબ્ધ છે. કરમુક્તિને કારણે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટો અને યુલિપની સારી માંગ છે. ઘણા લોકો ટેક્સ બચાવવા માટે ELSS માં પણ રોકાણ કરે છે. આવી સ્થિતિમાં, મ્યુચ્યુઅલ ફંડની તે યોજનાઓ પર પણ ટેક્સ છૂટ આપવી જોઈએ જે રિટાયરમેન્ટ પ્રોડક્ટ અથવા ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ જેવી હોય.
ડેટ લિંક્ડ સેવિંગ્સ સ્કીમ
બીએનપીના ડિરેક્ટર એકે નિગમનું કહેવું છે કે, ELSSની જેવી જ ડેટ લિંક્ડ સેવિંગ્સ સ્કીમ પણ હોવી જોઈએ. ફિક્સ્ડ ઇન્કમ સ્કીમની સરખામણીમાં ડેટ સ્કીમ પર વધારે સારું રિટર્ન મળી રહ્યું છે. ફિક્સ્ડ ઇન્કમ વાળ તમામ સ્કીમ કર મુક્તિના દાયરામાં છે. આવી સ્થિતિમાં, ડેટ લિંક્ડ સેવિંગ્સ સ્કીમ પર કર મુક્તિની મર્યાદા વધતા તેના પ્રત્યે રોકાણકારોનો રસ વધશે.
લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ (LTCG)
નિગમનું કહેવું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ એટલે કે એલટીસીજી ટેક્સ માટેની સમય મર્યાદા 1 વર્ષથી વધારીને 2.5 વર્ષ કરવી જોઈએ. તેનાથી ખાસ કરીને સિનિયર સિટીઝનને ઘણો ફાયદો થશે. હાલમાં, મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ 12 મહિના સુધી હોલ્ડિંગ કર્યા પછી વેચવામાં આવે છે, ત્યારબાદ તેના પર મળેલા નફા પર LTCG હેઠળ 10% ટેક્સ ચૂકવવો પડે છે.
બીજી તરફ, ULIP જેવી પ્રોડક્ટ્સ પર LTCG માટેના નિયમો અલગ છે. પાકતી વખતની રકમ ચૂકવેલ પ્રીમિયમથી 10 ગણી થાય, 5 વર્ષના લોકઇન બાદ પૈસા ઉપાડતા અને પ્રીમિયમ 2.5 લાખ રૂપિયાથી ઓછી હોય ત્યારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની ચૂકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. સોના અને ચાંદીમાં પણ LTCG ટેક્સની મર્યાદા 3 વર્ષથી વધુ છે.
ડિવિડન્ડની ચુકવણી પર TDS
AMFIનું કહેવું છે કે, ડિવિડન્ડ પેમેન્ટ પર TDSના નિયમોમાં ફેરફાર થવા જોઈએ. હાલમાં, 5 હજારથી વધારે ડિવિડન્ડની કમાણી પર TDS ચૂકવવો પડે છે. તે વધારીને 50,000 રૂપિયા કરવાની માંગણી છે.