Union Budget 2025-26: નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025ના રોજ નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. મોદી સરકારના આ બજેટથી મધ્યમ વર્ગને ઘણી અપેક્ષાઓ છે. આ બજેટ પર મધ્યમ વર્ગની ખાસ નજર છે, કારણ કે મોંઘવારી ઓછી થવાની આશા છે. દેશના સામાન્ય નાગરિકને આશા છે કે આ બજેટમાં મોંઘવારી અને નોકરી રોજગાર જેવા મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?
ગત બજેટમાં સરકારે એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયને 1.19 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું. જોકે સરકારે પેટ્રોલિયમ સબસિડીમાં ઘટાડો કર્યો હતો. આ વખતે ઓઈલ ઈન્ડસ્ટ્રીને એક્સાઈઝ ડ્યૂટી ઘટવાની આશા છે. જો આમ થાય તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે અને તેનાથી ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિકનો ખર્ચ પણ ઘટશે. જો આમ થશે તો તેનાથી સામાન્ય માણસની રોજીંદી વસ્તુઓ પણ સસ્તી થશે.
મોબાઇલ સસ્તા થવા સંભવ
મોદી સરકારનું ધ્યાન છેલ્લા કેટલાક વર્ષોમાં ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ પર કેન્દ્રિત રહ્યું છે. ગયા વર્ષે તેના માટે 15,000 કરોડ રૂપિયાથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. સરકારનું ધ્યાન સેમીકન્ડક્ટર્સના ઉત્પાદન પર છે. સાથે જ સરકાર મોબાઈલના મેન્યુફેક્ચરિંગ પર પણ ફોકસ કરી રહી છે. આવી સ્થિતિમાં જો બજેટમાં આને લગતી કોઈ જાહેરાત કરવામાં આવે તો મોબાઈલ અને તેના પાર્ટસની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.
ગારમેન્ટ ઉદ્યોગ અને કરદાતાઓને મળી શકે છે રાહત
ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકાર ટેરિફમાં ઘટાડો કરી શકે છે. તેનાથી કપડાના ભાવમાં પણ ઘટાડો થશે. આ સાથે જ સરકાર આવકવેરાની કલમ 80સીની મર્યાદા 1.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરી શકે છે. આનાથી કરદાતાઓની બચતમાં વધારો થશે.
આ પણ વાંચો | રેલવે બજેટ કેવી રીતે યુનિયન બજેટમાં વિલય થયું? જાણો ભારતીય રેલવે વિશે 7 રસપ્રદ વિગત
રેલવેને મળી શકે છે મોટી ભેટ
સરકાર બજેટમાં ભારતીય રેલવેને પણ વધુ મહત્વ આપશે. હકીકતમાં સરકારનું ધ્યાન રેલવેના આધુનિકીકરણ પર કેન્દ્રિત રહ્યું છે. આ ઉપરાંત મુસાફરોની સુરક્ષા પર પણ સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર બજેટમાં માર્ગ પરિવહન કરતાં રેલવેના આધુનિકીકરણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને તેનાથી લોજિસ્ટિક્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મોટો ફાયદો થશે.





