Union Budget 2025-26 Updates: નાણા મંત્રી નિર્મલા સીતારમણ શનિવારે (1 ફેબ્રુઆરી 2025) મોદી 3.0નું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. મોદી 3.0 પછીનું આ બીજું પૂર્ણ બજેટ છે. આ પહેલા લોકસભા ચૂંટણી 2024 બાદ 23 જુલાઈ 2024ના રોજ સરકારે પોતાનું પહેલું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. નાણા મંત્રી સીતારમણનું આ સતત આઠમું બજેટ છે. આ પહેલા મોરારજી દેસાઈએ સતત 6 બજેટ રજૂ કર્યા હતા.
નાણા મંત્રી સીતારમણ 1 ફેબ્રુઆરીને શનિવારના રોજ સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે. દુનિયાભરમાં સતત વધી રહેલી મોંઘવારી અને મંદીની વચ્ચે સૌની નજર ભારતના આ બજેટ પર છે.
આગામી નાણાકીય વર્ષમાં જીડીપી 6.4 ટકા રહેવાનો અંદાજ
સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણના અહેવાલ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં દેશનો કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિ દર ચાર વર્ષના નીચલા સ્તરે 6.4 ટકા રહેવાનો અંદાજ છે, જે તેના દાયકાની સરેરાશની નજીક છે. નાણાકીય વર્ષ 2024-25 માટે આર્થિક હિસાબ રજૂ કરતા કહેવામાં આવ્યું છે કે વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા માટે, દેશને બે દાયકા સુધી આઠ ટકાના દરે વિકાસ કરવો પડશે.
જોકે આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે ભારતે રોકાણનો દર હાલના 31 ટકાથી વધારીને જીડીપીના 35 ટકા કરવો પડશે અને મેન્યુફેક્ચરિંગ પર વધુ ધ્યાન આપવું પડશે.
આ પણ વાંચો – ભારતનો GDP 4 વર્ષમાં સૌથી નીચો રહેવાનો આર્થિક સર્વેમાં ઘટસ્ફોટ
નિર્મલા સીતારમણ સતત આઠમી વખત બજેટ રજૂ કરી રેકોર્ડ બનાવશે
વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ મોદી સરકારના બીજા કાર્યકાળમાં નિર્મલા સીતારમણ દેશના નાણામંત્રી બન્યા હતા. તેમણે 5 જુલાઇ 2019માં પહેલીવાર ભારતનું બજેટ રજૂ કર્યું હતું. ત્યારબાદથી તેઓ સતત બજેટ રજૂ કરી રહ્યા છે. અત્યાર સુધી તેમણે 7 બજેટ રજૂ કર્યા છે. નિર્મલા સીતારમણ સતત આઠ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવશે. તમને જણાવી દઇએ કે ભારતમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ દેશના પૂર્વ નાણામંત્રી મોરારજી દેસાઇના નામે છે, તેમણે 10 વખત બજેટ રજૂ કર્યું હતું.





