IPO માર્કેટની દ્રષ્ટિએ કેલેન્ર વર્ષ 2022 એકંદરે સારું રહ્યું છે. વર્ષ 2022માં સ્ટોક એક્સચેન્જ ખાતે નવી લિસ્ટેડ કંપનીઓના શેરમાં લગભગ 60 ટકા જેટલું પોઝિટિવ રિટર્ન આપ્યું છે. આ સાથે જ વર્ષ 2023 પણમાં પ્રાઈમરી માર્કેટ માટે પ્રોત્સાહક રહેવાની અને મોટી સંખ્યામાં નવી કંપનીઓના આઇપીઓ આવવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ભારતીય બજાર નિયામક સેબીની વેબસાઈટ પર નજર કરીયે તો હાલ આઇપીઓ માટે અરજી કરી હોય અથવા તો અરજી મંજૂરી થઇ હોય તેવી કંપનીઓની સંખ્યા 60થી વધુ છે. આવી સ્થિતિમાં વર્ષ 2023માં પ્રાઇમરી માર્કેટમાંથી નાણાંકીય ભંડોળ એક્ત્ર કરવાના મામલે કેલેન્ડર વર્ષ 2021નો રેકોર્ડ તૂટવાની સંભાવના છે. વર્ષ 2023માં પણ કેટલીક જાણીતી કંપનીઓના IPO આવવાના છે.
વર્ષ 2022માં કંપનીઓએ IPO થકી 60 હજાર કરોડથી વધુ એકત્ર કર્યા
કેલેન્ડર વર્ષ 2022ની વાત કરીએ તો અત્યાર સુધીમાં 36 કંપનીઓ મેઈનબોર્ડ પર લિસ્ટ થઈ છે. અને અન્ય બે કંપનીઓનું લિસ્ટિંગ થવાની તૈયારીમાં છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં જે કંપનીના IPO સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થયા છે તેમાંથી 60 ટકાએ પોઝિટિવ રિટર્ન આપ્યું છે. જેમાં 7 IPOમાં 50 થી 180 ટકા સુધી ઉંચું રિટર્ન મળ્યુ છે જ્યારે 4 ઇનિશિયલ પબ્લિક ઓફરિગમાં 100 ટકાથી વધારે રિટર્ન મળ્યુ છે. તો 15 આઇપીઓમાં રોકાણકારોએ નુકસાન સહન કરવું પડ્યું છે. ચાલુ વર્ષે શેરબજારમાં લિસ્ટેડ થયેલી નવી કંપનીઓએ બજારમાંથી 60 હજાર કરોડ રૂપિયાથી વધારે એકત્ર કર્યા છે. નોંધનિય છે કે, કેલેન્ડર વર્ષ 2021માં કુલ 63 કંપનીઓએ IPO મારફતે લગભગ 1.18 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
વર્ષ 2023માં આવનાર સંભાવિત IPO અને અંદાજિત કદ
- OYO : 8400 કરોડ
- આધાર હાઉસિંગ ફાયનાન્સ : 7300 કરોડ
- સ્વિગી (Swiggy) : 8300 કરોડ
- બાયજુ (Byju’s) : 4500 કરોડ
- ફેબ ઈન્ડિયા: 4000 કરોડ
- API હોલ્ડિંગ્સ : 6250 કરોડ
- યાત્રા : 750 કરોડ
- મેનકાઇન્ડ ફાર્મા : 5500 કરોડ
- TVS સપ્લાય ચેઇન : 5000 કરોડ
- ભારત FIH : 5000 કરોડ
- નવી ટેક : 3350 કરોડ
ક્યાં IPOમાં કેટલું રિટર્ન મળ્યું
કેલેન્ડર વર્ષ 2022 આઇપીઓ રિટર્નની દ્રષ્ટિએ વર્ષ 2021 જેટલું પ્રોત્સાહક રહ્યુ નથી. વર્ષ 2022માં આવેલા 3 IPOએ રોકાણકારોની સંપત્તિ બમણી કરવાની સાથે સાથે 100 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. આ આઇપીઓમાં અદાણી વિલ્મર, વિનસ પાઇપ્સ અને હરિઓમ પાઇપનો સમાવેશ થાય છે. ઉપરાંત રુચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ, વેરંડા લર્ન, વેદાંત ફેશન્સ અને પ્રુડન્ટ એડવાઇઝર કંપનીના આઇપીઓમાં રોકાણકારોને 50 ટકાથી વધુ રિટર્ન મળ્યું છે.
મોટી કંપનીઓમાં રોકાણકારોને નુકસાન
જો કે, કેટલીક જાણીતી કંપનીઓના IPOમાં ઇન્વેસ્ટમેન્ટ રોકાણકારો માટે ખોટનો સોદો સાબિત થયો છે. જેમાં નાયકા, ઝોમેટો, પેટીએમ અને LIC એવી મુખ્ય કંપની છે જેમાં રોકાણકારોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. મોટી કંપનીઓના આઇપીઓના શેરમાં જંગી ધોવાણ બાદ રોકાણકારો IPOને લઇને વધારે સાવધાન થઇ ગયા છે. ઉપરાંત માર્કેટની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને કેટલીક કંપનીઓએ તેમના આઇપીઓની યોજના હાલ મુલત્વી રાખી છે, જેમાં boAt અને Snapdeal જેવી કંપનીઓના નામ સામેલ છે.