Urban Company IPO Subscription and Latest GMP : અર્બન કંપની આઈપીઓ પ્રથમ દિવસે જ સંપૂર્ણ સબ્સક્રાઇબ થયો છે. હોમ સર્વિસિસ સેક્ટરમાં કામ કરતી અર્બન કંપનીના IPO ને રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. 10 સપ્ટેમ્બરે આઈપીઓ પબ્લિક સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યા પછી થોડા જ સમયમાં તે સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો. પ્રથમ દિવસે સાંજે 4:30 વાગ્યા સુધીમાં આઈપીઓ ત્રણ ગણાથી વધુ સબસ્ક્રાઇબ થઈ ગયો છે. ગ્રે માર્કેટમાં બ્રોકરેજના સકારાત્મક રેટિંગ અને ક્રેઝને જોતાં, આ IPO ને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અર્બન કંપનીના આઈપીઓમાં રોકાણ કરવું કે નહીં અને GMP સહિત તમામ વિગત અહીં વાંચો
Urban Company IPO Date : અર્બન કંપની આઈપીઓ ક્યારે બંધ થશે
અર્બન કંપનીનો આઈપીઓ 10 સપ્ટેમ્બરે ખુલ્યો છે. રોકાણકારો 12 સપ્ટેમ્બર 2025 સુધી સબ્સ્ક્રિપ્શન માટે બીડ કરી શકશે. IPOનું કદ રૂ. 1900 કરોડ છે અને પ્રાઇસ બેન્ડ 98 થી 103 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીનો શેર 17 સપ્ટેમ્બરના રોજ બીએસઇ, એનએસઇ પર લિસ્ટેડ થઈ શકે છે.
આઈપીઓ સબ્સ્ક્રિપ્શન સ્થિતિ
અર્બન કંપનીના આઈપીઓ સબ્સક્રિપ્શનના લેટેસ્ટ સ્ટેટ્સની વાત કરીયે તો પ્રથમ દિવસે સાંજે 4:30 વાગ્યા સુધીમાં IPO 309 ટકા સબસ્ક્રાઇબ થયો હતો. કર્મચારીઓ માટે અનામત રાખેલો હિસ્સો 5.70 ગણો ભરાયો છે. આ IPOમાં 10 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે રિઝર્વ છે અને તે અત્યાર સુધીમાં 6.86 ગણો સબસ્ક્રાઇબ થયો છે. IPOનો 75 ટકા હિસ્સો લાયક સંસ્થાકીય ખરીદદારો (QIB) માટે અનામત છે અને તે અત્યાર સુધીમાં 1.30 ટકા સબસ્ક્રાઇબ થયો છે. જ્યારે 15 ટકા હિસ્સો બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત છે અને તે અત્યાર સુધીમાં 4.06 ગણો સબસ્ક્રાઇબ થયો છે.
Urban Company IPO GMP : અર્બન કંપની આઈપીઓ ગ્રે માર્કેટ પ્રીમિયમ
ગ્રે માર્કેટમાં અર્બન કંપનીના IPOનો ક્રેઝ વધી રહ્યો છે. IPO ખુલવાના બે દિવસ પહેલા, ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ 25 થી 26 ટકા હતું. હવે તેમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. કંપનીનો અનલિસ્ટેડ સ્ટોક માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ 37 રૂપિયા બોલાય છે. જે 103 રૂપિયાની અપર પ્રાઇસ બેન્ડના સંદર્ભમાં આ 36 ટકા પ્રીમિયમ છે. જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે, તો આ શેર 103 રૂપિયાના IPO ભાવની સરખામણીમાં રૂ. 140 પર લિસ્ટ થઈ શકે છે.
Urban Company IPO : આઈપીઓ સબ્સક્રાઇબ કરવો કે નહીં?
બ્રોકરેજ હાઉસ SBI સિક્યોરિટીઝનું કહેવું છે કે લાંબા ગાળા માટે અર્બન કંપનીના IPOમાં રોકાણ કરવું સલાહભર્યું છે. અર્બન કંપની પાસે હોમ સર્વિસિસનો મોટો પોર્ટફોલિયો છે, જે શહેરોમાં રહેતા લોકોની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે. કંપનીનું કાર્યક્ષેત્ર ખૂબ મોટું છે, અને હાલમાં મોટાભાગની અસંગઠિત કંપનીઓ તેમાં કામ કરી રહી છે. આવી સ્થિતિમાં, અર્બન કંપનીને ડિજિટલ અપનાવવા અને ઔપચારિક ક્ષેત્રના વિકાસથી મોટો ફાયદો થશે.
નાણાકીય સ્થિતિ : નાણાકીય વર્ષ 23 અને નાણાકીય વર્ષ 25 વચ્ચે કંપનીના નેટ ટ્રાન્ઝેક્શન વેલ્યુ (NTV) માં દર વર્ષે સરેરાશ 25.5% નો વધારો થયો છે. આ જ સમયગાળામાં આવકમાં 34.1% ના દરે વધારો થયો છે. કંપનીની નફાકારકતામાં પણ સતત સુધારો થઈ રહ્યો છે અને નાણાકીય વર્ષ 26 સુધીમાં EBITDA બ્રેક-ઇવન (નફો-નુકસાન સમાન) પ્રાપ્ત કરવાની અપેક્ષા છે.
મૂલ્યાંકન : IPO ના ઉપલા પ્રાઇસ બેન્ડ પર કંપનીનું મૂલ્યાંકન પ્રાઇસ ટુ સેલ્સ (P/S) ના 12.9 ગણું છે. બ્રોકરેજ માને છે કે કંપનીની ઉચ્ચ વૃદ્ધિ સંભાવનાને ધ્યાનમાં રાખીને આ મૂલ્યાંકન વાજબી છે.
બ્રોકરેજ હાઉસ આનંદ રાઠીએ લાંબા ગાળા માટે અર્બન કંપનીના IPOમાં સબ્સ્ક્રાઇબ કરવાની સલાહ આપી છે. બ્રોકરેજ માને છે કે IPO ની કિંમત પહેલાથી જ સંપૂર્ણ છે, પરંતુ તેમ છતાં અર્બન કંપનીનું મજબૂત નેટવર્ક અને અલગ પ્લેટફોર્મ તેને લાંબા ગાળા માટે આકર્ષક રોકાણ બનાવે છે.
કંપનીનું બિઝનેસ મોડેલ : બ્રોકરેજ કહે છે કે અર્બન કંપની હોમ અને બ્યૂટી સર્વિસ માટે એક મલ્ટી કેટેગરી, હાઇપર લોકલ માર્કેટપ્લેસ ચલાવે છે. કંપની તેના પોતાના તાલીમ કાર્યક્રમો, તેના પોતાના સાધનો અને સેવા ધોરણો નક્કી કરીને સેવાની ગુણવત્તા જાળવી રાખે છે.
ટેકનોલોજીનો ઉપયોગ : કંપની નવા ગ્રાહકો ઉમેરવા, સમયસર સેવાઓ પહોંચાડવા અને સેવા ભાગીદારોને સશક્ત બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આ બધાની સાથે, તેની વિશ્વસનીય બ્રાન્ડ છબી અને સ્કેલ કરવાની ક્ષમતા લાંબા ગાળે ઝડપી વૃદ્ધિ અને ગ્રાહક જોડાણને વેગ આપશે.
Urban Company IPO વિશે
અર્બન કંપનીના આઈપીઓનું કદ કુલ 1900 કરોડ રૂપિયા છે. આમાંથી રૂ. 472 કરોડ રૂપિયાના નવા શેર જારી કરીને એકત્ર કરવામાં આવશે, જ્યારે હાલના રોકાણકારો ઓફર ફોર સેલ (OFS) દ્વારા રૂ. 1428 કરોડનો હિસ્સો વેચશે.
અર્બન કંપનીના IPOમાં નવા શેર દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ ટેકનોલોજી અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા, ઓફિસોના લીઝ પેમેન્ટ, માર્કેટિંગ પ્રવૃત્તિઓ અને અન્ય સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે કરવામાં આવશે.
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, મોર્ગન સ્ટેનલી ઇન્ડિયા, ગોલ્ડમેન સૅક્સ ઇન્ડિયા અને જેએમ ફાઇનાન્શિયલ આ IPO માટે લીડ મેનેજર તરીકે કામ કરશે.
(ડિસ્ક્લેમર: IPO માં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવે છે. તે ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીના અંગત અભિપ્રાય નથી. બજાર જોખમોને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)