/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Donald-Trump-47-President-of-America.jpg)
અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ - photo - X
US Donald Trump Impose Tariffs: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર 25 ટકા અને ચીન પર વધારાના 10 ટકા ટેરિફ લગાવ્યા છે. તેમણે આ અંગે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. આ દરમિયાન ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું આ દેશો ટેરિફમાં વિલંબ કરવા માટે કંઈક કરી શકે છે? તેમણે જવાબ આપ્યો કે ના, હવે તેઓ કંઈ કરી શકે તેમ નથી. થોડાક દિવસ અગાઉ ટ્રમ્પે બ્રિક્સ સમૂહ દેશોને પણ ટેરિફ લાદવાની ચેતવણી આપી હતી. ભારત બ્રિક્સ સમૂહનો સભ્ય છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ક, અમારી ધમકીઓ માત્ર સોદાબાજી માટે જ નથી. આ ત્રણ દેશો સાથે અમારી મોટી વેપાર ખાધ છે. તેમા વધારો કરવો કે નહીં તે પણ અમે આગળ જોઈશું, પરંતુ અમેરિકામાં ઘણા પૈસા આવશે.
આ અગાઉ શુક્રવારે વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારથી કેનેડા અને મેક્સિકો માંથી આયાત પર 25 ટકા અને ચીની વસ્તુઓ પર 10 ટકા ટેરિફ લગાવશે કારણ કે આ દેશોમાંથી ગેરકાયદેસર ફેન્ટેનાઇલ અમારા દેશમાં પહોંચી રહ્યું છે, જેમાં લાખો અમેરિકનો માર્યા ગયા છે.
ફેન્ટેનાઇલ ડ્રગ શું છે?
ફેન્ટેનાઇલ એક પાવરફુલ સિન્થેટિક ઓપિઓઇડ એટલે કે ડ્રગ્સ છે. તેનો ઓવરડોઝ મગજમાં ઓક્સિજનનો પુરવઠો ઘટાડે છે. આનાથી વ્યક્તિ કોમામાં જઈ શકે છે, અથવા મૃત્યુ પણ પામી શકે છે. ટ્રમ્પ યુરોપથી આવતા એલ્યુમિનિયમ, કોપર, મેડિસિન અને સેમીકન્ડક્ટર પર ટેરિફ લગાવવા પર પણ વિચાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમે સ્ટીલ, એલ્યુમિનિયમ અને કોપર પર ટેરિફ લાદવા જઇ રહ્યા છીએ. કોપર પર ટેરિફ લાદવામાં થોડો વધુ સમય લાગશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ટેરિફ લાદવાથી બજાર પર શું અસર પડશે તેની મને પરવા નથી.
અમે પણ પગલાં લઈશું - જસ્ટિન ટ્રુડો
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે કહ્યું હતું કે અમે નથી ઇચ્છતા કે આવું કંઇ થાય, પરંતુ જો તેઓ આગળ વધશે તો અમે પણ કાર્યવાહી કરીશું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વળતો જવાબ આપવા માટે કેનેડા ટ્રમ્પના હોમ સ્ટેટ ફ્લોરિડામાં ઓરેન્જ જ્યુસ પર ટેરિફ લગાવી શકે છે.
આ સાથે જ મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબામે કહ્યું કે, તેઓ સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જ આગળ પગલા ભરશે. જોકે તેમણે ચેતવણી આપી હતી કે મેક્સિકો પણ વળતો જવાબ આપી શકે છે. શિનબામે જણાવ્યું હતું કે, અમે હંમેશાં અમારા લોકોના સન્માન માટે કોઈ પણ દબાણ વગર બોલવાના છીએ. ચીને કહ્યું કે અમે ટ્રમ્પના નિર્ણયનો વિરોધ કરીએ છીએ. આ ટેરિફ યુદ્ધમાં કોઈ વિજેતા નહીં હોય. તેનાથી બંને દેશો કે દુનિયાને કોઇ ફાયદો થશે નહીં.
ગુરૂવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લગાવશે, કારણ કે આ દેશો સાથે અમારી ખાધ ઘણી વધારે છે. જો કે ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ મેક્સિકો અને કેનેડાને તેલ આયાતમાં છૂટ આપવા પર વિચાર કરી શકે છે.
એનર્જી ઈન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે ઓક્ટોબરમાં અમેરિકાએ કેનેડાથી દરરોજ લગભગ 4.6 મિલિયન બેરલ તેલ અને મેક્સિકોથી 5.63 મિલિયન બેરલ તેલની આયાત કરી હતી. જ્યારે તે મહિનામાં અમેરિકાનું સરેરાશ દૈનિક ઉત્પાદન આશરે 1.35 મિલિયન બેરલ પ્રતિદિન હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us