Trump Tariff Impact On Indian Industries: ભારત પર 25 ટકા ટ્રમ્પ ટેરિફની અસરો વિશે ચર્ચા થઇ રહી છે. ફેબ્રુઆરી 2025 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાઇ-પ્રોફાઇલ વ્હાઇટ હાઉસ મુલાકાત અને બંને દેશો વચ્ચે સારા સંબંધો હોવા છતાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત વિરુદ્ધ એક મોટું વેપાર પગલું ભર્યું છે. 1 ઓગસ્ટથી ભારતની નિકાસ પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. આ ખાસ કરીને ઘરેણાં, દવાઓ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટો પાર્ટ્સ અને કાપડ જેવા ઉદ્યોગોને અસર કરશે. તો બીજી બાજુ પાકિસ્તાન, બાંગ્લાદેશ, યુરોપિયન યુનિયન (EU), જાપાન જેવા 50 થી વધુ દેશોને ઓછા ટેરિફનો લાભ મળશે, જે ભારતીય કંપનીઓની સ્પર્ધાત્મક સ્થિતિ નબળી બનાવી શકે છે.
ટ્રમ્પનો આ નિર્ણય ભારત માટે કેમ ચિંતાજનક છે?
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર તાજેતરની પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારત “વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદતા દેશોમાંનો એક છે” અને તેણે “સૌથી મુશ્કેલ અને ચિંતાજનક બિન-આર્થિક વેપાર અવરોધો” ઉભા કર્યા છે. આ ઉપરાંત, ટ્રમ્પે રશિયા પાસેથી ભારતની તેલ ખરીદી પર પણ નારાજગી વ્યક્ત કરી હતી અને વધારાના દંડની ચેતવણી આપી હતી.
ટ્રમ્પની જાહેરાત એવા સમયે આવી છે જ્યારે ભારતને અમેરિકા પાસેથી સારી વેપાર શરતો મળવાની આશા હતી, ખાસ કરીને વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા સ્પર્ધકોની તુલનામાં. પરંતુ નવી ટેરિફ યાદીમાં વિયેતનામ પર 20%, ઇન્ડોનેશિયા પર 19% અને જાપાન પર 15% ટેક્સ લાદવામાં આવ્યો છે, જ્યારે ભારત પર 25 ટકા સૌથી વધુ ટેરિફ લાદવામાં આવ્યો છે.
ટ્રમ્પ ટેરિફની ભારતના ક્યા ઉદ્યોગો પર અસર થશે?
જેમ્સ અને જ્વેલરી (Gems & Jewellery)
ભારતનો આ ક્ષેત્ર દર વર્ષે અમેરિકામાં 10 બિલિયન ડોલરથી વધુની નિકાસ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેરિફ વધવાથી ખર્ચમાં વધારો થશે, સપ્લાય ચેઇનમાં વિલંબ થશે અને નાના અને મોટા બધા નિકાસકારો પર દબાણ આવશે.
ફાર્મા સેક્ટર (Generic Drugs)
ભારત અમેરિકામાં 8 બિલિયન ડોલરના મૂલ્યની જેનેરિક દવાઓની નિકાસ કરે છે. સન ફાર્મા, સિપ્લા, ડૉ. રેડ્ડીઝ જેવી કંપનીઓ તેમની આવકની 30 ટકા થી વધુ રકમ અમેરિકામાંથી મેળવે છે. ટ્રમ્પ ટેરિફ દવાઓના ભાવ અને ડિલિવરી સમયને પ્રભાવિત કરી શકે છે.
ટેક્સટાઇલ અને ગારમેન્ટ (Textile & Apparel)
ગેપ, વોલમાર્ટ અને કોસ્ટકો જેવી અમેરિકન બ્રાન્ડ્સ માટે ભારતમાંથી સપ્લાય કરવામાં આવે છે. પરંતુ હવે વિયેતનામ જેવા દેશોની સરખામણીમાં ભારતને ટેરિફ લાભ મળશે નહીં, જેના કારણે સ્પર્ધા વધુ કઠિન બનશે.
ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન (Electronics And Smartphone)
એપલ હવે ભારતમાં આઇફોનનું ઉત્પાદન કરી રહી છે, જેના કારણે ભારત અમેરિકા માટે સ્માર્ટફોનનો ટોચનો સ્ત્રોત બની ગયું છે. પરંતુ 25 ટકા ટેરિફ પછી, એપલ તેની સોર્સિંગ વ્યૂહરચના પર પુનર્વિચાર કરી શકે છે.
રિફાઇનર્સ એટલે કે તેલ કંપનીઓ પર (Oil Companies)
ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતોનો 37 ટકા જથ્થો રશિયા પાસેથી ખરીદે છે. જો ટ્રમ્પ રશિયાથી થતી આયાત પર દંડ વધારશે તો ઇન્ડિયન ઓઇલ, બીપીસીએલ અને રિલાયન્સ જેવી કંપનીઓનો ખર્ચ વધશે અને નફો ઘટશે.
ભારત અમેરિકાનું વેપાર ભવિષ્ય
વેન્ચુરાના અહેવાલ મુજબ, ભારતની ખાનગી તેલ કંપની નાયરા એનર્જી પર પ્રતિબંધ મૂકાતાની સાથે જ અમેરિકાએ ભારતમાંથી થતી નિકાસ પર 25 ટકા ટેક્સ લાદ્યો હતો. આ ટેરિફમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને લશ્કરી સાધનો ખરીદવા બદલ ભારતને સામનો કરવો પડી શકે તેવા સંભવિત દંડનો પણ સમાવેશ થાય છે.
આ નિર્ણયથી ભારતીય નિકાસ પર અસર થવાની અને દેશના અર્થતંત્રને નુકસાન થવાની ધારણા છે. જ્યારે ઘણા દેશોએ યુએસના દબાણ હેઠળ તેમના બજારો ખોલ્યા, ત્યારે ભારતે ખેડૂતો, નાના ઉદ્યોગો અને સસ્તી ઊર્જાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપી અને યુએસના દબાણનો પ્રતિકાર કરતી વખતે તેના બજારોનું રક્ષણ કર્યું.
સંભવિત વેપાર સોદો અટકી જવાનો ભય હજુ પણ છે, જેના કારણે શેરબજારોમાં વેચવાલી જોવા મળી છે. રોકાણકારો હાલમાં અમેરિકાના દંડનું વાસ્તવિક સ્વરૂપ શું હશે તે જાણવાની રાહ જોઈ રહ્યા છે. આ અનિશ્ચિત વાતાવરણમાં, વિવિધ શક્યતાઓનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર, જો અમેરિકા માત્ર 25 ટકા ટેક્સ વસૂલે અને અન્ય કોઈ દંડ ન લાદે, તો માંગમાં 20-30% ઘટાડો થાય તો ભારત દર વર્ષે નિકાસમાં લગભગ 5 થી 6.75 બિલિયન ડોલરનું નુકસાન કરી શકે છે. ભારતની 2025માં GDP લગભગ 3.3 ટ્રિલિયન ડોલર (રૂ. 287 લાખ કરોડ) છે, તેથી આનાથી GDPમાં લગભગ 0.15% થી 0.2% નો સીધો ઘટાડો થઈ શકે છે.
જો કે, ચીન જેવા દેશોની સરખામણીમાં ભારત હજુ પણ સ્પર્ધાત્મક છે, જેમના પર વધુ ટેરિફ છે. જો ભારતની નિકાસ થોડી ઘટે તો પણ, ઓસ્ટ્રેલિયા, યુએઈ, EFTA, ASEAN અને SAARC જેવા દેશો સાથે નવા વેપાર કરારો આ અસરને ઘણી હદ સુધી ઘટાડી શકે છે.
જ્યારે નાયરા એનર્જી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે ભારતે પણ એવું જ કર્યું – તેણે આફ્રિકા અને એશિયા જેવા નવા બજારો તરફ વળ્યા. એવું માનવામાં આવે છે કે એપ્રિલમાં જાહેરાત કરવામાં આવી હતી તેમ, આ 25% કર દવાઓ, ઉર્જા ઉત્પાદનો અને કેટલાક ઇલેક્ટ્રોનિક માલ પર લાગુ થશે નહીં.
આશાનું કિરણ
જો કે આ ટેરિફ અને પ્રતિબંધો 1 ઓગસ્ટથી અમલમાં આવ્યા છે, પરંતુ ભારત અને અમેરિકા વચ્ચે ઉકેલ શોધવા માટે હજુ પણ વાતચીત ચાલી રહી છે. એવી અપેક્ષા છે કે ઓગસ્ટના મધ્યમાં ફરી વાતચીત શરૂ થશે અને ઓક્ટોબર સુધીમાં વેપાર કરાર થઈ શકે છે. જો આવું થાય, તો આ કટોકટી થોડા સમય માટે જ રહેશે અને ભવિષ્યમાં વેપાર ફરીથી ગતિ પકડી શકે છે.
નકારાત્મક પરિસ્થિતિઓ
કેટલાક દેશો માને છે કે ભારત અને ચીન રશિયા પાસેથી તેલ અને શસ્ત્રો ખરીદીને યુક્રેન યુદ્ધને આર્થિક રીતે ટેકો આપી રહ્યા છે. અમેરિકાએ ઈરાન, રશિયા અને ઉત્તર કોરિયા પર CAATSA નામના કડક પ્રતિબંધો પહેલાથી જ લાદી દીધા છે. ભારતને પણ આ પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે કારણ કે તે હજુ પણ રશિયા પાસેથી શસ્ત્રો ખરીદી રહ્યું છે (જેમ કે S-400 મિસાઇલ સોદો). અગાઉ ભારતને રાષ્ટ્રપતિ તરફથી છૂટ મળી હતી, પરંતુ હવે તે છૂટ પણ રદ કરી શકાય છે.
જો આવું થાય, તો 25 ટકા કર ઉપરાંત, અન્ય દંડ પણ થઈ શકે છે, અને ભારતને તેના બજારો ખોલવા માટે દબાણ કરવા માટે, અગાઉ કરમાંથી મુક્તિ આપવામાં આવેલી ભારતીય ચીજવસ્તુઓ પર પણ કર લાદવામાં આવી શકે છે.
સૌથી ખરાબ પરિસ્થિતિમાં પણ, અર્થશાસ્ત્રીઓ માને છે કે ભારતના GDP પર અસર 0.5% થી વધુ નહીં થાય. આ પહેલા પણ, જ્યારે 1998 માં પોખરણ પરમાણુ પરીક્ષણો, 2008 ની વૈશ્વિક આર્થિક મંદી અથવા કોવિડ-19 જેવી મોટી આપત્તિ પછી ભારત પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, ત્યારે ભારતે દરેક વખતે પોતાને મજબૂત સાબિત કર્યું છે અને શેરબજાર નવી ઊંચાઈએ પહોંચ્યું છે.
રશિયા-યુક્રેન યુદ્ધ પછી, ભારતે ફક્ત રશિયા અથવા ઓપેક દેશો પર આધાર રાખવાને બદલે 27 ને બદલે 40 દેશો પાસેથી તેલ ખરીદવાનું શરૂ કર્યું છે. તેવી જ રીતે, જો અમેરિકામાંથી નિકાસમાં સમસ્યા હોય, તો ભારત બાકીના વિશ્વ તરફ વળી શકે છે. તાજેતરના મુક્ત વેપાર કરારો (FTA) નવા બજારો ખોલવામાં મદદ કરશે.
ઉદાહરણ તરીકે, ભારત અને યુકે વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે, જ્યારે હાલમાં ભારતની યુકેમાં નિકાસ માત્ર 2.8% છે, જેનો અર્થ એ કે અહીં એક મોટી તક છે. એકંદરે, આગામી થોડા મહિનામાં થોડી મુશ્કેલી આવી શકે છે, પરંતુ ભારતના ઉદ્યોગ પાસે નવા બજારો શોધીને આ આઘાતમાંથી બહાર નીકળવાની સંપૂર્ણ ક્ષમતા છે.





